________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૨૫ અંતરાયના ઉદય સમયે પણ થોડું પુણ્ય બાકી હતું, એટલે અંતરાયના ઉદયથી લુંટાયા તો ખરા, પણ થોડું દ્રવ્ય તેઓ પાસે બચી ગયું. લુંટાયા એ પાપના ઉદયથી અને થોડું પણ રહેવા પામ્યું એમાં પુણ્યનો ઉદય માનવો જ રહ્યો. પુણ્યના ઉદયથી રહી જવા પામેલા તે થોડા દ્રવ્યને લઇને, તે બન્ને “ધવલપુર નામના પત્તને પહોંચ્યા. પાપવ્યાપારોની વૃદ્ધિ :
તે નગરમાં પહોંચેલા તે બન્નેએ, પોતાની પાસે જે દ્રવ્ય બાકી રહ્યું હતું, તેનાથી ધવલપુર નામના તે પત્તનમાં એક હાટ ગ્રહણ કરી. હાટ ગ્રહણ કરીને તેઓ તે પત્તનમાં વ્યવસાય કરે છે. એ વ્યવસાયમાં તે બે ભાઇઓ બે હજાર સોનૈયા પેદા કરે છે, પણ તે પેદા કરતાં તેઓને હજારો દુઃખો ભોગવવાં પડ્યાં છે. હજારો દુઃખોથી બે હજાર સોનૈયા પેદા કરે છે, તે છતાં પણ તેઓની તૃષ્ણા શમતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે. લોભ અને પરિગ્રહાભિલાષ, એ એવા પાપમિત્રો છે કે-તેઓને વશ થયેલા આત્માઓ હજારો દુઃખો ભોગવવા છતાં, તૃષ્ણા ઉપર કાબૂ મેળવી શકતા નથી. હજારો દુ:ખોએ કરીને બે હજાર સોનૈયા મેળવ્યા તો ખરા, પણ તે બે હજાર સોનૈયાથી તેઓની તૃષ્ણા શમી નહિ, પણ ઉલ્ટી ખૂબ ખૂબ વધી. વધી ગઈ છે અતિશય તૃષ્ણા જેઓની એવા તેઓ, પાપથી નિર્ભય બન્યા અને અનેક આરંભજનક વ્યાપારો કરવાને પણ તૈયાર થયા. અતિશય ધનતૃષ્ણાને આધીન બનેલા તેઓ હવે ભયંકર પાપવ્યાપારોને કરવા લાગ્યા. કપાસ અને તેલ આદિની ભાંડશાલાઓ એટલે કે વખારો પણ તેઓએ કરી, ખેતીને પણ તેઓ કરાવવા લાગ્યા અને શેલડીનાં ક્ષેત્રો કરાવવાને પણ તેઓ ચૂક્યા નહિ. વળી તેઓ ત્રસ જીવોથી ભરેલા તલોને પણ પીલાવા લાગ્યા અને ગુલિકા આદિના પણ વ્યાપાર કરાવવા લાગ્યા. આ રીતિએ તેઓ પોતાની તૃષ્ણાના જોરે અનેક પ્રકારના પાપવ્યાપારોને કરે છે. એવા અનેક પ્રકારના પાપવ્યાપારો દ્વારા, પૂર્વનું પુણ્ય હોવાને લઇને, તેઓ પાસે પાંચ હજાર સોનૈયા થયા. ભયંકર ભયંકર પાપોને આચરીને તેઓએ ત્રણ હજાર સોનૈયા વધાર્યા અને