________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૨૧ મૈત્રી થઇ ગઇ. મદન શેઠના સાગર નામના પુત્રે માત્ર લોભ અને પરિગ્રહાભિલાષ એ બેની સાથે જ મૈત્રી કરી, પણ ક્રૂરતાની સાથે મૈત્રી કરી નહિ : જયારે “મદન” શેઠના “કુરંગ” નામના પુત્રે તો તે બે બાળકો અને એક બાલિકા-એ ત્રણેયની સાથે મૈત્રી કરી. તેમાં પણ ક્રૂરતાની સાથે તો તે કુરંગે સવિશેષ મૈત્રી કરી. આ કથનનું તાત્પર્ય એ જ છે કે- “મદન” શેઠના સાગર અને કુરંગ નામના બન્નેય પુત્રો નાનપણથી જ લોભી તથા પરિગ્રહાભિલાષી બન્યા હતા અને કુરંગ તો લોભી તથા પરિગ્રહાભિલાષી બનવા સાથે સવિશેષ ક્રૂર પણ બન્યો હતો. બાલકોની માગણી અને માતા-પિતાનો નિષેધ :
તેઓની આ મનોદશા નાનપણથી જ હોવા છતાં પણ, બાલ્યવય એવી છે કે જે ભયથી અભિભૂત હોય છે અને એથી લોભ આદિ દુર્ગુણોનો પ્રવેશ વિશેષ પ્રગટપણાને પામી શકે નહિ. બાલ્ય વયમાં લોભાદિની મિત્રાચારી સધાયાનું ફરમાવ્યા બાદ, પ્રવરજ્ઞાની ગુરૂ મહારાજા ફરમાવે છે કે-ભયાભિભૂત એવી બાલવયને લંઘીને તે બન્ને શ્રેષ્ઠિપુત્રો ક્રમે કરીને મનોહર યૌવનને પામ્યા. જેમ તેઓ યૌવનને પામ્યા, તેમ તેઓના અંતરંગ મિત્રો પણ યૌવનને પામ્યા છે એમ માની જ લેવું. બન્ને ભાઈઓ લોભ અને પરિગ્રહાભિલાષના મિત્રો તો છે જ, એટલે એ વિષયમાં તો બન્ને ય એક સરખા જ રહેવાના. કુરંગમાં એક ક્રૂરતા વિશેષ છે, એટલે તે બેની સાથે આ ત્રીજી વસ્તુનો પણ અનુભવ કરાવશે જ. પોતાના મિત્રો સાથે વધેલા તેઓ મનોહર યૌવનને પામ્યા કે તરત જ, તેઓમાં લોભે અને પરિગ્રહાભિલાષે સ્વામિત્વ મેળવ્યું. એટલે કે-તેઓના અંતરમાં દ્રવ્યના ઉપાર્જનનો અભિલાષ જાગ્યો. આવો અભિલાષ જગાડવો, એ તો લોભ અને પરિગ્રહાભિલાષનો સ્વભાવ જ છે. પોતાના એ અભિલાષને તેઓએ પોતાના પિતાશ્રી તથા માતુશ્રી સમક્ષ પ્રગટ કર્યો, પણ તેઓનાં માતાપિતાએ તેઓને એ વિષયમાં અનુમતિ આપી નહિએટલું જ નહિ, પણ તેઓને તે અભિલાષથી રોકવાનો પ્રયત્ન કર્યો.