________________
૩૨૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ મોક્ષસુખનો બને. મોક્ષસુખને પમાડનાર વસ્તુઓનો રાગ તે તે વસ્તુઓના જ આસેવન તરફ પ્રેરતો રહે અને એથી ધીરે ધીરે એ દશા આવે કે-આત્મા રાગથી સર્વથા મુક્ત બનીને પોતાના અનન્તજ્ઞાન ગુણને પ્રગટાવી શકે. જયાં સુધી રાગ છે, ત્યાં સુધી સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થવાની નથી : પણ રાગને વિષયસુખનો મીટાવી મોક્ષસુખનો બનાવ્યા વિના, સર્વથ રાગરહિતપણું પ્રાપ્ત થાય એ ય શક્ય નથી. વિષયસુખનો રાગ અપ્રશસ્ત છે અને મોક્ષસુખનો રાગ પ્રશસ્ત છે. રાગ પ્રશસ્ત બન્યા પછીથી પણ, સ્પર્શાદિનો અનુભવ તો રહે છે જ, પણ તે ય કર્મબન્ધનનું કારણ બનવાને બદલે કર્મનિર્જરાનું કારણ બની જાય છે. પ્રશસ્ત રાગ આટલો બધો કિંમતી છે. રાગ ત્યાજ્ય જ છે, એના પરિપૂર્ણ ત્યાગ વિના સર્વશપણાની પ્રાપ્તિ થવાની નથી, પણ રાગના ત્યાગ માટે જે જે કરણીઓને કરવાની આવશ્યકતા છે, તે તે કરણીઓના આસેવન માટે પ્રશસ્ત રાગની જરૂર છે. પ્રશસ્ત રાગના યોગે સુદેવ, સુગુરૂ અને સુધર્મનું આલંબન ગ્રહણ કરીને ઉત્તમ દશાને પામ્યા પછી તેની જરૂર નહિ રહે ત્યારની વાત જુદી છે પણ અત્યારે તો આપણને પ્રશસ્ત રાગની જરૂર છે. આથી સંસાર રૂપ સાગરથી નિસ્તારને પામવાની અભિલાષાવાળા આત્માઓએ, સૌથી પહેલાં તો પોતાના રાગને અપ્રશસ્ત-સ્વરૂપ નહિ રહેવા દેતાં, પ્રશસ્ત-સ્વરૂપ બનાવી દેવો જોઇએ. લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની સાથે સાગર-કુરંગની મૈત્રીઃ
અહીં તો શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની પરમ ગુરૂવર ફરમાવે છે કે-લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા, એ ત્રણમાંથી લોભે જે પોતાની, પોતાના પુત્ર પરિગ્રહાભિલાષની અને ક્રોધપુત્રી ક્રૂરતાની ઓળખાણ આપી, એ સાંભળીને “મદન શેઠના જે “સાગર” અને “કુરંગ' નામના બે દીકરા હતા, તે હર્ષિત થયા અને હર્ષિત બનેલા તેઓ લોભ, પરિગ્રહાભિલાષ તથા ક્રૂરતા એ ત્રણની સાથે રમવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓને પરસ્પર