________________
૩૧૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
હોય, કે જે પ્રવૃત્તિ સાક્ષાત્ અગર તો પરંપરાએ નિયમા મોક્ષના અંગ રૂપ હોય. જે પ્રવૃત્તિ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષના અંગપણાવાળી હોતી નથી, તેવી પ્રવૃત્તિનો ઉપદેશ કરવાને માટે સાચા મહાપુરૂષો ઉત્સાહિત હોતા નથી. કોઇ પણ આત્માને લક્ષ્મીમાં સારભૂતતા છે એમ ઠસાવીને લક્ષ્મીને મેળવવા માટે જ ઉદ્યમશીલ બનાવવો-એ સ્વ અને પર બન્નેના ઘાતનો જ ધંધો છે અને સાચા ઉપકારિઓ એવી કોઇ પ્રવૃત્તિ કરે જ નહિ એ નિર્વિવાદ વાત છે. આથી લોકહેરીમાં પડી જઇને પ્રભુના શાસનની ઉપાસના અને પ્રભાવના કરવાનું ભૂલી શ્રીમંતોને જ પંપાળવાનો ધંધો લઇ બેઠેલાઓને કોઇ પણ રીતિએ ઉપકારી માની શકાય જ નહિ. સમરવિજયની લોભ આદિ સાથેની પુરાણી મૈત્રી :
શ્રી કીર્તિચન્દ્ર નામના નરનાથે કરેલા પ્રશ્નનો ખુલાસો કરતાં, શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂદેવ, શ્રી કીર્તિચન્દ્ર અને સમરવિજય-એ બન્નેયના પૂર્વભવોનું વર્ણન કરે છે. શ્રી કીર્તિચન્દ્ર અને સમરવિજય-એ બન્નેના આત્માઓને પરસ્પર સમ્બન્ધ અને વૈરભાવ ક્યારે અને કયા નિમિત્તે થયો, તે પછી એ બન્ને ય આત્માઓ ક્યાં ક્યાં ભેગા થયા અને તેઓની શી શી દશા થઇ તથા આ ભવમાં તેઓ કયા કારણે આવ્યા એ વિગેરે હકીકતો પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ નામના ગુરૂવરે વર્ણવી છે. લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની સાથે મૈત્રી સાધનાર આત્માઓ કેવી ભયંકર દુર્દશાને પામે છે, એ વાતનો આ વર્ણનમાંથી પણ ઘણો જ સુન્દર ખ્યાલ આવી શકે તેમ છે. લોભની મૈત્રી સાધનારને પરિગ્રહાભિલાષની મૈત્રી થવી એ સહજ છે અને લોભ તથા પરિગ્રહાભિલાષની ગાઢ મૈત્રીમાં પડ્યા પછી, ક્રૂરતાની મૈત્રીથી ભાગ્યશાલી આત્માઓ જ બચી શકે છે. ક્રૂરતાથી બચવા ઇચ્છનારા આત્માઓએ, પોતાના પરિગ્રહાભિલાષને તજવાનો અને તેનો સર્વથા ત્યાગ ન થઇ શકે ત્યાં સુધી તેના ઉપર જેમ બને તેમ વધુ ને વધુ કાબૂ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. પરિગ્રહાભિલાષને કાબૂમાં લેવાને માટે, લોભ ઉપર વિજય સાધવો એ જરૂરી છે. લોભને આધીન બનેલા આત્માઓ