________________
૨૯૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પ્રાપ્ત થાય છે. એ ક્રિયાઓ આત્માને પરભાવથી નિવૃત્ત થવામાં અને સ્વભાવમાં પ્રવૃત્ત થવામાં ખૂબ જ મદદગાર નિવડે છે ઃ એટલે અધિગમ દ્વારા સમ્યગ્દર્શનને ઉપાર્જવાની કામનાવાળાઓએ પોતાના ચિત્તને ખાસ કરીને ધર્મક્રિયાઓમાં પરોવવું જોઇએ. અધિગમને માટેનો સારામાં સારો અવકાશ પણ ધર્મક્રિયાઓમાં લભ્ય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ, ધર્મગુરૂઓની સેવા, ધર્મચારી આત્માઓનું દર્શન અને બીજી પણ ધર્મક્રિયાઓનું આચરણ, આત્માની રાગ અને દ્વેષના ગાઢ પરિણામો રૂપ ગ્રન્થિને ભેદવામાં અપૂર્વ કોટિની સહાય કરી શકે છે. માત્ર આત્માનો હેતુ તેવો સારો હોવો જોઇએ.