________________
૧૧૯
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
– – – – – – – – – – – – – – – – એ રૂચિને સંતોષવાને માટે સંસારથી છોડાવનારા અને મોક્ષને પમાડનારા ધર્મને જાણવાની ઇચ્છાવાળા બન્યા છો; તથા, એ કારણે જ તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો, એવું જો હું માનું અથવા તો એવું જો કોઇ માને, તો તે બરાબર છે ખરું? તમારી સમક્ષ અત્યારે એ પ્રશ્ન છે કે-તમારે મોક્ષના ઉપાયને આચરવો છે અને એથી તમારે મોક્ષના ઉપાયને જાણવો છે, એ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? કે, બીજા કોઇ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? અહીં શ્રવણ કરવાને માટે તમે આવો છો, તેમાં તો તમારો મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાનો આશય પણ હોઇ શકે, સંસારના સુખની સિદ્ધિનો આશય પણ હોઇ શકે અને ગતાનુગતિકપણે તમે આવતા હો-એવું પણ હોઇ શકે. ધર્મશ્રવણનું પરિણામ કેવું હોય ?
મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છામાં, એ ઉપાયને યથાશક્ય આચરવાની ઇચ્છા પણ રહેલી જ હોય છે. એટલે, તમે જેમ જેમ જાણતા જાવ, તેમ તેમ તમે તમારા મોક્ષને માટે તેને આચરવાનો વિચાર અને પ્રયત્ન આદિ પણ કરતા જ હશો ને ? જેને જેને જેટલું જેટલું જાણવાને મળે, તે તે તેટલું તેટલું આચરી જ શકે એવો નિયમ છે નહિ અને એવો નિયમ હોઇ શકે પણ નહિ; કેમ કે-જાણેલાને આચરણમાં ઉતારવાને માટે તો, બીજી પણ બહુવિધ સામગ્રીની અપેક્ષા રહે છે; પણ, મોક્ષની રૂચિવાળાને મોક્ષનો ઉપાય જેમ જેમ જાણવામાં આવે, તેમ તેમ તેને તે ઉપાયને આચરવાનો અભિલાષ તો થયા જ કરે ને ? પહેલાં એમ થાય કે- “આ જ આચરવા લાયક છે અને આનાથી વિપરીત જે કાંઇ છે, તે આચરવા લાયક નથી.” પછી વિચાર આવે કે- “પણ અત્યારે હું જે આચરવા લાયક નથી તેને