________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૨૯ એવા આત્માઓમાં વિરાગનો ભાવ અને મોક્ષનો આશય પ્રગટી શકે, જ્યારે વિરતિનો પરિણામ પાંચમા પહેલાં પ્રગટી શકે નહિ. વિરતિનો પરિણામ ચોથા ગુણસ્થાનકે પણ હોઇ શકે નહિ, કેમ કે-એ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિનો વિષય છે. એટલે દેશવિરતિનો પરિણામ જેનામાં પ્રગટ્યો હોય તે પણ પરણવા જાય એ બનવાજોગ છે, તો પછી ચોથા ગુણઠાણે રહેલો વિરાગી આત્મા અને પહેલા ગુણઠાણે રહેલો મન્દ મિથ્યાત્વવાળો વિરાગી આત્મા પરણવા જાય, તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? શ્રી વજબાહુ
જ્યારે પરણવા ગયા ત્યારેય તેમનામાં વિરાગનો ભાવ નહોતો જ એમ નહિ, એ તો હતો જ, પણ એમ કહી શકાય કે-એ વખતે સર્વવિરતિના પરિણામને એ પામ્યા નહોતા અને સર્વવિરતિનો પરિણામ પમાડે એટલો જોરદાર એમનો વૈરાગ્ય નહોતો. છતાં, એમનું ચારિત્રમોહનીય એવું ઢીલું પડી ગયેલું ખરું જ કે-જાણે ટકોરા માત્રથી ચારિત્રનો પરિણામ પ્રગટી જાય. મુનિનું દર્શન થયું ને મશ્કરીની ટકોર લાગી કે એ કર્મ ખસી ગયું અને ચારિત્રનો પરિણામ પ્રગટી ગયો.
સ. ભવિતવ્યતાવશ એવું બન્યું, એમ કહેવાય ?
માત્ર ભવિતવ્યતાવશ સર્વવિરતિનો પરિણામ પ્રગટ્યો એમ પણ ન કહી શકાય. અંદર પુરૂષાર્થ ચાલુ જ હતો. સુન્દર વિરાગના સ્વામી આત્માઓને લગ્ન કરતાંય એમ થાય કે- “શું થાય ? નબળો છું; પરાધીન છું; હજુ સર્વવિરતિનો ઉત્સાહ પ્રગટતો નથી; ભોગ ખરેખર સારા નથી, છતાં મન એ તરફ ખેંચાય છે !' સમ્યગ્દષ્ટિ કદી પણ પરણવા જવું એ સારું છે, પરણવું જ જોઇએ, એવું માનીને પરણવા જાય નહિ. અવિરતિની દરેક ક્રિયાની એના દિલમાં ખટક હોય જ. સંસારના કોઇ પણ કામમાં એને ઉપાદેયભાવનો રસ આવે નહિ અને હેયભાવની અસર બની રહે. આ પણ પુરૂષાર્થ છે. હેયોપાદેયનો વિચાર અને હેયનો ત્યાગ