________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૩૭
તેથી તમારે દેવાલયમાં જઇને સર્વજ્ઞ પાસે પ્રાર્થના કરવી કે મારા પાપ રૂપી પહેરેગીરનો નાશ કરો.” આ પ્રમાણે પ્રિયાના વચને કરીને તેણે તે જ પ્રમાણે ભગવાન પાસે યાચના કરી, ત્યારે તે જિનેશ્વરના અધિષ્ઠાયકે કહ્યું કે- ‘જા તારૂં મનવાંછિત થશે.’ ત્યાર પછી તે ધનરાજ ઘેર આવ્યો. તેણે તેને કહ્યું કે- “હે પ્રિયા ! જળ લાવ.” તેણીએ જળ આપ્યું, તે વડે પોતાના હાથ પગ ધોઇ તેણે ભોજન કર્યું. તે જોઇ તેની કાંતાએ વિચાર્યું કે- “આજે મારા પતિને વિવેકનો અંકુરો પ્રગટ થયો છે, તેથી તેને હાથ પગ ધોવાનો વિવેક આવ્યો. હવે દાનાંતરાય અને ભોગાંતરાય રૂપી પાપી પહેરેગીરનો નાશ થવાથી આ મારો ભર્તાર જરૂર દાતાર અને ભોગ ભોગવનાર થશે.” ત્યાર પછી બીજે દિવસે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધ વિગેરે વડે જિનેશ્વરની પૂજા કરી ધનરાજે ભોજન કર્યું. ત્યાર પછી તે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વને વિષે નિરંતર શ્રધ્ધાળુ થયો, અને અત્યંત હર્ષથી તેણે સુખકારક
ધર્મનો આશ્રય કર્યો. પછી તેના બાપ દાદાએ ઉપાર્જન કરેલા ત્રણ લાખ દ્રવ્યનો વ્યય કરી તે નિપુણ પુણ્યશાળીએ પુણ્યનો ખજાનો ભરી દીધો. તેની બુધ્ધિ ધર્મમાં વૃધ્ધિ પામવા લાગી, અને તેના ઘરમાં તેની સ્પર્ધાથી સમૃદ્ધિ પણ વૃદ્ધિ પામવા લાગી. તેનું ભાગ્ય ચિરકાળ સુધી અભંગપણે પ્રગટ થયું. દુનિયામાં એવી કોઇ પણ લક્ષ્મી નહોતી કે જે તેના ઘરમાં ન હોય. તેના ઘરમાં પ્રથમ તુંબડાનાં અને માટીનાં પાત્રો (વાસણ) હતાં, તેને બદલે હવે તેણે તાંબાનાં અને રૂપાનાં પાત્રો કરાવ્યાં. સમકિત રૂપી દીવા વડે તેનું હૃદય રૂપી ઘર દીપ્તિમંત થયું, તેથી તેમાં કયા કયા ધર્મના ગુણો પ્રકાશ ન પામે ? તેની લક્ષ્મી દાનવડે શોભતી હતી, તેની બુદ્ધિ ધૃતિવડે શોભતી હતી, અને તેનું મુખ સત્યવડે શોભતું હતું, તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કેમકે તેનામાં એક વિવેક હતો તે જ સર્વ ગુણને શોભાવનાર હતો. તે જિનેશ્વરની પૂજા કરી, મુનિજનોને પ્રાસુક