________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૨૩
એ વગેરેના ભાવમાં જીવ અનાદિકાલથી રમતો આવ્યો છે; જ્યારે, દાનનો અને શીલનો ભાવ આત્માએ પુરુષાર્થથી પેદા કરેલો છે. આત્માએ પુરુષાર્થથી પેદા કરેલા દાનના ભાવને અને શીલના ભાવને, આત્મા જો બરાબર જાળવી જાણે અને એને ખૂબ ખૂબ બળવાન બનાવવામાં આત્મા જો સફ્ળ નીવડે, તો તો દાનના ભાવથી અને શીલના ભાવથી લક્ષ્મીની મૂર્છાનો ભાવ અને વિષયસુખની અભિલાષા રૂપ ભાવ ભેદાવા પામે; નહિતર તો, દાનના ભાવને લક્ષ્મીની મૂર્છાના ભાવથી અને શીલના ભાવને વિષયસુખની અભિલાષા રૂપી ભાવથી, ભેદાઇ જતાં વાર લાગે નહિ.
પરિણામને ભેદવો એટલે પરિણામમાં ઉપજતી અસરને અટકાવીને વિપરીત અસર ઉપજાવવી :
આપણે તો, કર્મગ્રન્થિ રૂપી આત્માનો જે પરિણામ છે, તે પરિણામને કેવા પરિણામ દ્વારાએ ભેદી શકાય, એનો વિચાર કરવાનો છે. કર્મગ્રન્થિ રૂપી આત્માનો જે પરિણામ છે, તે કેવા સ્વરૂપનો છે ? ગાઢ રાગ-દ્વેષમય એ પરિણામ છે. એ આત્મપરિણામ મોહનીય કર્મ, કે જે ચાર ઘાતી કર્મોમાં પણ વધુમાં વધુ બળવાન કર્મ છે અને એથી જે કર્મમાં આત્માના શુદ્ધ સ્વરૂપને આવરવાની વધુમાં વધુ શક્તિ છે, તે મોહનીય કર્મથી પેદા થયેલો હોય છે. મોહનીય કર્મથી જનિત એવો એ પરિણામ, બાકીનાં ત્રણ ઘાતી કર્મો, કે જે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અન્તરાય કર્મ તરીકે ઓળખાય છે, તે ત્રણેય ઘાતી કર્મોના સહાયભાવને પામેલો હોય છે. જે આત્મપરિણામનું જનક હોય છે મોહનીય કર્મ અને જે આત્મપરિણામને સુસ્થિર રાખવામાં મદદ કરનારાં હોય છે જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મો-એવો એ આત્મપરિણામ ગાઢ રાગ-દ્વેષમય હોય છે.