________________
૨૨૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
નહિ !'
આ વખતે પણ ઉદયસુન્દર એમ જ કહે છે કે- ‘ચોક્કસ; એમ જ થશે.' કારણ કે-બધી વાતને ઉદયસુન્દર મશ્કરી ખાતે ખતવે છે.
આ રીતિએ સાળા-બનેવી વચ્ચે વાત ચાલી રહી છે અને મનોરમા એ વાતને સાંભળી રહી છે. વચ્ચે એ કાંઇ જ બોલતી નથી. આવી વાતમાં વચ્ચે ન બોલાય, એવું એ સમજેલી માટે ને ? આર્ય પત્ની, સારા કામમાં તો પતિને અનુસરવાનું જ હોય, એમ માને ને ? એ સમજે કે-પતિ જો દીક્ષા લઇ લે, તો મારે પણ દીક્ષા લેવી જોઇએ; અને, દીક્ષા લેવા જોગી મારી તાકાત ન હોય, તો મારે સતીની જેમ જીવવું જોઇએ ! ‘પતિ દીક્ષા લેશે તો મારૂં શું થશે ?' -એમ એ વિચારે નહિ ! એ તો એમ જ માને કે-મારૂં જે થવું હશે તે થશે, પણ મારાથી આવા કામમાં પતિની આડે અવાય નહિ. એટલે તાજી પરણેલી અને હજુ શ્વસુરગૃહે પણ નહિ પહોંચેલી મનોરમા, પોતાના પતિ અને પોતાના ભાઇ વચ્ચે ચાલતી વાત સાંભળે છે, પણ વચ્ચે એ અક્ષરેય ઉચ્ચારતી નથી. આજે તો શું બને ? મોટે ભાગે ત્યાં ને ત્યાં ભાઇ-બેન વચ્ચે જ ઝઘડો થાય ને ? અને, ધણીને પણ એ સંભળાવી દે ને કે-હજુ હાથે તો લગ્નનું મીંઢળ બાંધેલું છે અને આ શી વાત કરવા માંડી છે ?
અહીં બન્યું છે એવું કે-આ વાતમાં ને વાતમાં શ્રી વજ્રબાહુએ સાચે જ દીક્ષા લેવાનો મનમાં નિર્ણય કરી લીધો છે. એમને એમ થઇ ગયું છે કે-આ બહુ જ સુન્દર યોગ મળી ગયો ! એટલે જ એમણે સાળાના સહાયક બનવાના વચનને ઝડપી લીધું અને સાગર જેમ મર્યાદાને લંધે નહિ તેમ તમે પણ તમારા વચનને લંઘશો નહિ.' -એવી સૂચના આપી દીધી. આવી મનોભાવના સાથે શ્રી વજ્રબાહુ રથમાંથી નીચે ઉતરે છે. જાણે મોહથી મુક્ત બનતા હોય તેમ !
"