________________
ચોદ ગુણસ્થાન ભાગ-૨
૧૧૧
અને એ ગુણોના બળે પોતાનાં સકલ કર્મોને સર્વથા ક્ષીણ કરી નાખીને મોક્ષને પણ પામી જવાના જ, એ નિશ્ચિત વાત છે. એટલે, કોઇ જીવમાં મોક્ષની ઇચ્છા માત્ર પણ પ્રગટી ન હોય, તો પણ એટલા માત્રથી એ જીવને ન તો અભવ્ય કહી શકાય અથવા ન તો દુર્ભવ્ય કહી શકાય. જેનામાં મોક્ષની ઇચ્છા ન પ્રગટે, એ અભવ્યએવું નથી; પરન્તુ, ક્યારેય મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા જે જીવમાં નથી, તે જીવ અભવ્ય છે. મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા જેનામાં છે, તે જીવ ભવ્ય સ્વભાવનો કહેવાય છે, પણ જ્યાં સુધી એ જીવ ચરમાવી કાલને પામતો નથી, એટલે કે-જ્યાં સુધી એ જીવ કાલની પરિપક્વતાને પામતો નથી, ત્યાં સુધી એ જીવને દુર્ભવ્ય કહેવાય છે. એટલે કે-જે જીવો કાલની પરિપક્વતાને પામવાના અવશ્ય છે, પણ હજુ કાલની પરિપકવતાને પામેલા નથી, તે જીવોને “દુર્ભવ્યો' તરીકે ઓળખવામાં આવે છે. જાતિભવ્ય જીવોની તો વાત જ કરવી નકામી છે, કારણ કે-તે જીવોમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી સ્વાભાવિક યોગ્યતા જરૂર છે, છતાં પણ એ જીવો ક્યારેય, તેઓમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે, એવી સામગ્રીને પામવાના જ નથી. ભવિતવ્યતાના પ્રાબલ્યની વાતમાં આ પણ એક અતિ મહત્વની વાત છે. સાથે સાથે, આ વાતમાં, ભવ્ય જીવોને સપુરુષાર્થની પ્રેરણા આપવાની પણ અજબ તાકાત રહેલી છે : કારણ કે-આવી સામગ્રીનો ભવ્ય જીવોને સુયોગ થાય, એ તેમની ભવિતવ્યતાની પણ અનુકૂળતા ગણાય. હવે તો એ પુરુષાર્થ કરે એટલી જ વાર. એ પુણ્યબંધ વખાણવા જેવો નથી :
આવી બધી વાતોને, સર્વજ્ઞ સિવાય કોઇ સ્વતન્ત્રપણે સાચા રૂપમાં જણાવી શકે નહિ. કાલની પરિપક્વતાને પામવા જોગી યોગ્યતા જ જેઓમાં સ્વાભાવિક રીતિએ હોઇ શકતી નથી અને