________________
૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
ચડાવ્યો. તોય કુલપુત્રે ઠંડે કલેજે આટલું જ કહ્યું : ‘હે કલ્યાણી ! તું શું કરવા ચિંતા કરે છે ? ચિંતા તો પેલા યક્ષોએ કરવાની છે. તેમણે મને રાજ્ય અપાવ્યું છે. એ રાજ્ય તેમને રાખવું હશે તો રાખશે. નહિ તો ભલેને આ રાજ્ય જતું રહે.”
કુળપુત્રની આ શ્રદ્ધા અને ભક્તિ જોઈને યક્ષો અતિ પ્રસન્ન થયા. તેમણે તુરત જ દુશ્મન રાજાને તેની સમક્ષ હાજર કર્યો અને નમાવ્યો. આ જોઈને નગરજનો વગેરેના આશ્ચર્યની અવધિ ન રહી. સૌ કોઈ બુલંદીથી કુલપુત્રની કીર્તિગાથા ગાવા લાગ્યા.
થોડા સમય બાદ નગરમાં જ્ઞાની, ગીતાર્થ ગુરુ ભગવંત પધાર્યા. કુળપુત્ર રાજ પરિવાર સાથે તેમની ધર્મદેશના સાંભળવા ગયો. દેશના પૂરી થયે તેણે પોતાનો પૂર્વભવ પૂછ્યો. જ્ઞાની ભગવંતે કહ્યું : ‘હે રાજન્ ! ગયા ભવે તેં પાંચ પૂરાનું રક્ષણ કર્યું હતું. તેમને તેં અભયદાન આપ્યું હતું. એ પૂરા મરીને યક્ષો થયા. તેઓએ જ પૂર્વભવના તારા ઉપકારને યાદ કરીને આજ તારા રાજ્યનું રક્ષણ કર્યું છે.' આ સાંભળીને રાજાએ નગરભરના કૂવા, તળાવ, સરોવર વગેરે જળાશયોમાં ગળણીઓ મુકાવી અને સર્વત્ર અહિંસાની ઘોષણા કરાવી.
હિંસા કરવી એ મહાપાપ છે. જેઓ માંસભક્ષણ કરે છે તેઓ પોતાના પેટને મરેલાં જાનવરોની કબર બનાવે છે. જીવવાનું સૌ કોઈને ગમે છે. મરવાનું કોઈને ય ગમતું નથી.
“વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા દેવ અને ઇન્દ્ર આ બધાંયને જીવન એક સરખું પ્રિય છે અને મૃત્યુનો ભય પણ તે સૌને સમાન છે. ખરાબ યોનિમાં જન્મેલા ક્ષુદ્ર જીવ પણ મરવાને નથી ઇચ્છતો. કારણ ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાનો આહાર સ્વાદવાળો જ લાગે છે.”
આથી, સુજ્ઞ અને વિવેકી જનોએ કોઈપણ જીવનો, કોઈ પણ નિમિત્તે કે બહાનાથી વધ ન કરવો જોઈએ. હિંસક વ્યક્તિ દુઃખી થાય છે અને અનંતો સંસાર કરે છે. આ અંગે ગોવાળનું દૃષ્ટાંત ઘણું પ્રેરક અને બોધક છે.
ગોવાળનું દૃષ્ટાંત
નાગપુરનગરમાં માધવ નામનો ગોવાળ હતો. ગાયો ચરાવવા તે રોજ જંગલમાં જતો. એક દિવસ ગાયો ચરી રહી હતી અને તે એક ઝાડ નીચે સૂતો હતો. ત્યાં તેના માથામાંથી એક નાનકડી જૂ ખરી પડી. તેને જોઈ એ બબડ્યો ઃ ‘આ જૂ મારું લોહી પી જાય છે. આને તો રિબાવી રિબાવીને જ મારી નાંખવી જોઈએ. આ વિચારનો તેણે તત્ક્ષણ અમલ કર્યો. એ જૂને તેણે બાવળની સૂક્ષ્મ-તીક્ષ્ણ સળી (શૂળ) પર પરોવીને મારી નાંખી.
જીવ-વધના આ પાપનું ફળ તેને તે જ ભવમાં મળ્યું. ચોરીના આરોપ હેઠળ તે રાજસુભટોના હાથમાં પકડાઈ ગયો. રાજાએ તેને શૂળીએ ચડાવી દીધો. શૂળી પર ભારે વેદના ભોગવીને તે મરણ પામ્યો. આ પછી તે લગાતાર ૧૦૭ ભવ સુધી ચોરીના આરોપને લીધે શૂળીની શિક્ષા પામ્યો અને દરેક સમયે રિબાઈ રિબાઈને મર્યો.