________________
૨૬૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તે દહેરાસરની ભીંતમાં મોટી તિરાડ પડી ગઈ છે.” આ સાંભળી વિચારમાં પડેલ મંત્રીએ તે માણસને ૬૪ જીભ સોનાની આપી. આથી આશ્ચર્ય પામેલા લોકોએ કારણ પૂછ્યું. મંત્રીએ ઉત્તર આપતાં કહ્યું “મારી હયાતીમાં આ પ્રાસાદમાં તિરાડ પડી તે હું તરત સમરાવી લઈશ, પણ પાછળથી થતે તો કોણ જાણે ક્યારે ને કેમ સુધરતે? હું તે ફરીવાર અને ઘણી સુદઢ કરાવીશ. મંત્રીએ શિલ્પી-સલાટોનો પ્રાસાદ ફાટવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું “આવા મોટા પર્વત પર પવનનું તો જોર હોય જ. તે પવન દહેરાસરની ભમતીમાં પેઠો પણ નીકળવાનો રસ્તો ન હોઈ તેણે દીવાલ તોડી. ભમતી વિનાનું દહેરાસર કરીએ તો શિલ્પશાસ્ત્ર એમ કહે છે કે તેથી કરાવનારને સંતાન ન થાય. આ સાંભળી મંત્રી વિચારે છે કે -
सन्तानः सुस्थिरः कस्य ? स च भावी भवे भवे । साम्प्रतं धर्मसन्तान, एवास्तु मम वास्तवः ॥१॥
અર્થ - સ્થિર સંતતિ કોની રહી (કે મારી રહેશે ?) તે તો ભવભવ સુલભ છે. માટે વર્તમાનમાં તો ધર્મસંતાન જ વાસ્તવમાં સ્થિર સંતતિ છે.
મંત્રીએ ભમતમાં બન્ને બાજુની ભીંતમાં મોટી શિલાઓ જડાવી. ત્રણ વર્ષે દહેરાસર પૂર્ણ થયું. જીર્ણોદ્ધારમાં બે કરોડ સત્તાણું લાખ રૂપિયાનું ખર્ચ થયું. તે મહાપ્રાસાદની પ્રતિષ્ઠા સંવત ૧૨૧૧ ની સાલે શનિવારના દિવસે મહામહોત્સવપૂર્વક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના વરદ્હસ્તે કરાવી. સોનાના ધ્વજદંડ-કલશ પ્રતિષ્ઠાપન કર્યા. લાખો શ્રાવક-શ્રાવિકાએ મહામહોત્સવમાં ઉમંગપૂર્વક ભાગ લીધો ને ધર્મનો જયજયકાર થયો. પ્રભુજીની પૂજા માટે ચોવીશ બગીચા તેમજ ચોવીશ ગામ અર્પણ કર્યા ને તળેટીમાં બાહડપુર ગામનું ગામ વસાવ્યું. ત્યાં શ્રી પાર્થપ્રભુનું સુંદર દહેરાસર બંધાવી ત્રિભુવનપાળવિહાર નામ આપ્યું. મંત્રીશ્વરના આવા અદ્ભુત ઉત્તમ ચરિત્રથી પ્રસન્ન થયેલા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી બોલ્યા કે –
जगद्धर्माधारः स गुरुतरतीर्थाधिकरणस्तदप्यर्हन्मूलं स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्यं सचिव ! भवनोद्धृत्य तदिदं, समं स्वेनोद्दधे भुवनमपि मन्येऽहमखिलम् ॥१॥
અર્થ :- જગતના ધર્મનો આધાર તે મોટા મોટા તીર્થનું અધિકરણ , ને તેનું મૂળ અહતુ પરમાત્મા છે. પરંતુ વર્તમાનમાં તેમનું પ્રતિનિધિત્વ તેમના પ્રતિમાજી કરે છે. તેમનો આવાસ એ આ ચૈત્ય છે, તો જિનભવનનો ઉદ્ધાર કરીને તે મંત્રી ! હું માનું છું કે તમે તમારા આત્મા સાથે અખિલ ભુવનના આખા સંસારનો ઉદ્ધાર કર્યો છે.
આમ આખા સંઘથી પણ સ્તવાયેલા વાગભટ્ટ (બાયડ) મંત્રીએ પાટણમાં આવી રાજાને પ્રસન્ન કર્યા.