________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૩૧૯
ચિંતન કરતાં તે વિરક્ત થયો. ઘેર આવી માતાને તેણે કહ્યું “હે માડી ! મને ઘણું મળ્યું છે. પણ શાંતિ નથી. ભગવાન કહે છે તેમ આ બધા સંયોગો સુખના નહીં પણ દુઃખના કારણ છે. મને આ ભોગ-ઉપભોગ-વિષયથી ઉગ થયો છે. સુખી થવાનો માર્ગ મહાવીરદેવ પાસે જ છે, માટે મને દીક્ષાની અનુમતિ આપો.”
આ સાંભળી છળી ઊઠેલી માએ કહ્યું; “શું કહે છે બેટા? તે મારાથી કેવી રીતે બની શકે? નહીં, નહીં, દીક્ષા કાંઈ રમત છે? એ તો ઘણું જ કપરું કામ છે. ઇત્યાદિ કહી તેણે મુનિ જીવનની કઠોરતા, પરિષહોની વિશેષતા, ઉપસર્ગની ભયાનકતા, રસકસ વિનાનો-સ્વાદ વિનાનો ઠંડો આહાર, ઇત્યાદિ અનેક પ્રકારની કઠિનાઈ સમજાવી છતાં ધન્યને ગંદકીની જેમ વિષયભોગથી જાણે ધૃણા થઈ ગઈ હતી. તેની દઢ ભાવનાથી પ્રભાવિત થઈ ભદ્રામાતાએ તેની દીક્ષાનો ભવ્ય મહોત્સવ કર્યો ને આનંદિત થઈ પુત્રને દિક્ષા અપાવી. દીક્ષાના દિવસે જ ધન્યમુનિએ ભગવાનની સમક્ષ અભિગ્રહ કર્યો કે આજથી હે પ્રભુ ! આપની આજ્ઞાથી છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ. પારણામાં ગૃહસ્થ કાઢી નાખેલ રુક્ષ આહારથી આયંબિલ કરીશ. ભગવાને કહ્યું “હે ધન્ય ! જેમ સુખ ઊપજે તેમ તપોધર્મમાં ઉદ્યમ કર.” ભગવાનની આજ્ઞા પામી તે ધન્ય ધન્ય બની ગયા અને તપોધર્મમાં પ્રવર્યા. - પ્રથમ છઠ્ઠના પારણાના દિવસે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય, બીજી પોરિસીમાં ધ્યાન કરી ત્રીજી પોરિસીમાં વંદનપૂર્વક પ્રભુજીની આજ્ઞા લઈ ભિક્ષા માટે ઊપડ્યા અને આયંબિલ યોગ્ય રુક્ષ આહાર લઈ પાછા ફર્યા પણ બીજી કશી જ અભિલાષા આહાર બાબત કરી નહીં. આ પ્રમાણે પારણાના દિવસે ગોચરીમાં આહાર-પાણી મળે કોઈવાર માત્ર જળ મળે તો પણ ખેદ કરતા નહીં, પણ તપોવૃદ્ધિની ભાવના ભાવતા, યોગ્ય આહાર મળે તો ભગવંતને બતાવી તેમની આજ્ઞાથી માત્ર શરીરને ટકાવવા પૂરતો આહાર કરતા, આવું ઘોર તપ કરતાં તેમનું શરીર ઘણું કૃશ થઈ ગયું. જાણે શરીરમાંથી માંસ તો સુકાઈ જ ગયું. હાડકાંના માળા જેવું શરીર તેઓ ચાલતા ત્યારે કોલસાથી ભરેલા ગાડાની જેમ ખખડતું. તે
વિચરતાં વિચરતાં મહાવીર મહારાજા એકવાર રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં સમવસર્યા. શ્રેણિક રાજા અને પ્રજા ભગવાનને વાંદી કલ્યાણી વાણી સાંભળવા બેઠા. દેશનાના અંતે મગધસમ્રાટ શ્રેણિકે પૂછ્યું કે “હે ભગવાન્ ! આ બધા મુનિરાજોમાં દુષ્કરકારક કોણ છે?” ભગવાને કહ્યું
આ ગૌતમ આદિ ચૌદ હજાર મુનિઓમાં આ ધન્યમુનિ મહાન નિર્જરા કરનાર દુષ્કરકારક છે. આ ભદ્રાદેવીના પુત્ર કાકંદીના ધન્ના અણગાર નિરંતર છઠ્ઠને પારણે આયંબિલથી પારણું કરે છે.” ઇત્યાદિ કથન સાંભળી શ્રેણિક ઘણા રાજી થયા ને તેમની પાસે જઈ કહ્યું, “હે મહામુનિ ! તમે ધન્ય છો, કૃતપુણ્ય છો,” ઈત્યાદિ અંત:કરણથી સ્તુતિ કરી પાછા ફર્યા.
એકવાર રાત્રે જાગી જવાથી ધર્મજાગરિકા કરતાં ધન્ય મુનિએ નિર્ણય કર્યો કે “સુકાઈ ગયેલા શરીરવાળો હું સવારમાં ભગવાનની આજ્ઞા લઈ વિપુલગિરિ પર જઈ માસિક સંલેખનાપૂર્વક