________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૨૧
અર્થ:- જે ઉપવાસાદિકમાં કષાય, વિષય અને આહારાદિકનો ત્યાગ કરવામાં આવે તે જ તપ સમજવું ને અન્ય લાંઘણ જાણવી.
દ્રવ્યથી ઊણોદરી તપનો આ પ્રકાર છે –
એક કોળિયાથી માંડી આઠ કોળિયા સુધી જમવું તે પૂર્ણ ઊણોદરી કહેવાય. તેમાં એક કોળિયાનું પ્રમાણ જઘન્ય, આઠ કોળિયાનું પ્રમાણ ઉત્કૃષ્ટ અને બેથી સાત કોળિયાનું પ્રમાણ મધ્યમ છે. (૧) નવ કોળિયાથી માંડી બાર કોળિયા સુધી ખાવું તે અપાઈ ઊણોદરી. (૨) તેરથી માંડી સોળ કોળિયા સુધી ખાવું તે વિભાગ ઊણોદરી કહેવાય. (૩) સત્તરથી લઈ ચોવીશ કોળિયા સુધીનું જમવું તે પ્રાપ્ત ઊણોદરી કહેવાય. (૪) અને પચ્ચીશથી માંડી એકત્રીશ કોળિયા સુધી ખાવું તે કિંચિત્ ઊણોદરી કહેવાય. (૫) અહીં સર્વત્ર જઘન્ય આદિ ત્રણ ભેદ પહેલા પૂર્ણ ઊણોદરીની જેમ જ જાણવા. આવી રીતે પાણીની પણ ઊણોદરીની ભાવના કરવી. કોળિયાનું માપ બતાવતાં જણાવે છે કે –
बत्तीसं कीर कवला, आहारो कुच्छिपूरओ भणिओ। पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥१॥ कवलस्स य परिमाणं, कुक्कुडिअंडगपमाणमित्तं तु । जं वा अविगिअवयणो, वयणमि छुभिज्ज विसंतो ॥२॥
અર્થ - બત્રીશ કોળિયા આહાર પુરુષનું પેટ ભરનાર થાય છે. સ્ત્રીઓ અઠ્ઠાવીશ કોળિયે ધરાય. (૧) કોળિયાનું પરિમાણ કૂકડીના ઈંડા જેટલું અથવા સ્વાભાવિક મોઢું ઉઘાડીને ભૂખ્યો માણસ મોઢામાં કોળિયો મૂકી શકે તેટલું કોળિયાનું પરિમાણ સમજવું.
છ8-અટ્ટમ આદિ વિશેષ તપના પારણે પણ ખાસ ઊણોદરી કરવી તેથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમ નખ હથેળીને અડે એવી મુઠ્ઠી ભરીને અડદ તથા એક ચળુ પાણી હંમેશાં છઠ્ઠને પારણે લેવામાં આવે તો છ મહિને તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે, એમ શ્રી ભગવતીજી સૂત્રમાં લખ્યું છે. શ્રી મહાવીરદેવના મોઢે આવું સાંભળવાથી ગોશાલકે તેજોલબ્ધિ મેળવી હતી. આ ઊણોદરી તપ ઘણા લાભનું કારણ સમજી આહાર તેમજ અનાહારને દિવસે દ્રવ્ય-ભાવથી સદા સેવવું.
તપાચારનો ત્રીજો આચાર - વૃત્તિસંક્ષેપ वर्तते ह्यनया वृति-र्भिक्षाशनजलादिका । तस्याः संक्षेपणं कार्य, द्रव्याद्यभिग्रहाञ्चितैः ॥१॥
અર્થ - જીવિકાનું નામ વૃત્તિ છે. જેનાથી જીવન ચાલે છે. ભિક્ષાથી મેળવેલા ભોજનપાણી સ્વરૂપ તે વૃત્તિ છે. આ વૃત્તિનો સંક્ષેપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ દ્વારા કરવો. તેનું નામ વૃત્તિસંક્ષેપ તપ કહેવાય.