________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૨૩ “દઢપ્રહારી' એ નામે તે પ્રસિદ્ધ થયો. એકવાર તે પોતાની ટોળી સાથે કુશસ્થળ નામના નગરમાં લૂંટ કરવા ગયો. - તે ગામમાં ઘણા પુત્રાદિવાળો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. બાળકો ઘણા દિવસથી ખીર ખીર કરતાં હતાં. આજે ઘણી કઠિનાઈથી તેણે દૂધ-સાકર-ચોખા માંગીને ભેગા કર્યા હતા, ને બ્રાહ્મણીએ ખીર રાંધી હતી. ઘણા વખતે આજ ખીરના ભોજનને મહોત્સવ માનતો બ્રાહ્મણ નદીએ નહાવા ગયો. વિચાર્યું નાહીને શાંતિથી ખીર ખાઈશું. આ તરફ પેલા લૂંટારાની ટોળી ગામમાં પેઠી. તેમાંથી કેટલાક તે ગરીબ બ્રાહ્મણના ઘરમાં ઘૂસ્યા, ઘરમાં કાંઈ માલ તો મળ્યો નહીં. રાંધેલી ઊની ઊની ખીર હાથ લાગી. તે ભૂખ્યા થયા હતા. આ જોઈ બ્રાહ્મણ છોકરાઓ પોતાની ખીર જતી જોઈ રડારોળ કરવા લાગ્યા. એટલામાં બ્રાહ્મણ નાહીને ત્યાં આવ્યો. તેણે ખીર પડાવા અર્ગલા ઉપાડી ચોરોને ઝીંકવા માંડી. ચોરોમાં નાસભાગ થઈ ગઈ. દૃઢપ્રહારીએ જોયું કે આણે મારા ચોરોને માર્યા એટલે એ દોડતો ત્યાં આવ્યો, ને બ્રાહ્મણનું માથું એક ઝાટકે જુદું કરી નાંખ્યું. ત્યાં વળી તેના માર્ગમાં ગાય આવી. ગુસ્સામાં દઢપ્રહારીએ એક જ પ્રહારમાં ગાયને પણ ગરદને મારી, આ જોઈ રોતી પુકારતી બ્રાહ્મણી આવી. પોતાના પતિને મરેલો કપાઈ ગયેલો જોઈ તેણે હાહાકાર કરી મૂક્યો ને જોર જોરથી ગાળો દેવા લાગી કે “રે હત્યારા, પાપી ! તારું નાશ જજો. બ્રાહ્મણ-ગાયની હત્યા કરી ક્યાં છૂટવાનો છું? તારો કાળ જ આવ્યો છે.” ઇત્યાદિ તેની ગાળ અને શ્રાપ સાંભળી ઊકળી ઊઠેલા દઢપ્રહારીએ તે બાઈના પેટ પર એક ઝાટકો તલવારનો માર્યો.બાઈ સગર્ભા હોઈ તેનું બાળક પણ કપાઈને ધરતી પર તરફડવા લાગ્યું.
આમ ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને બાળકની કરપીણ દશા જોઈ બ્રાહ્મણપુત્રો ઓ મા ! હા તાત! કહેતાં કરૂણ કલ્પાંત કરવા લાગ્યા. આ જોઈ દઢપ્રહારી વિચારવા લાગ્યો કે આ ઘોર દુષ્કર્મ કરનાર મને ધિક્કાર છે. આવા પાપીને તો નરકમાં પણ જગ્યા મળવી કઠણ છે. અરે રે ! બાપડા આ બાળકોનું હવે કોણ? આમનું શું થશે? આ પાપથી શી રીતે છૂટીશ? બળી મરું કે પર્વત પરથી પડું? આખો સંસાર ચીવટપૂર્વક સદાચારને સાચવે છે ત્યારે મેં દુરાચારને જ પાળ્યોપોપ્યો. આમ ઊંડા વૈરાગ્યમાં તરબોળ થઈ શુભ ધ્યાનમાં ત્યાંથી નાઠો, ગામથી થોડે દૂર જઈને તેણે ધ્યાનમાં રહેલા શાંત મુનિને જોયા. નમન કરી બોલ્યો; “મેં ઘણાં ઘોર પાપ કર્યા છે. મારો છુટકારો કેવી રીતે થશે? તમે બચાવી શકો. મારી રક્ષા કરો. મુનિએ કહ્યું, “આવા પાપથી તો તને ચારિત્ર જ બચાવી શકે ચારિત્રનો મહિમા મોટો છે. કહ્યું છે કે –
एग दिवसं पि जीवो, पव्वज्जमुवागओअणूणमणो । जइवि न पावए मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥१॥
અર્થ:- એક દિવસ પણ જો કોઈ શુદ્ધ ભાવથી સંયમને પામે તો તે કદાચ મુક્તિએ ન જાય તો વૈમાનિક દેવપણું તો અવશ્ય પામે.