________________
૨૮૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ કોણ? ત્યાં રાજાની સાધર્મ ભક્તિની વાત યાદ આવતાં તેણે કોઈ દહેરે દર્શન કરવાની ઇચ્છા કરી. અધિકારી સાથે જઈ કપટદર્શન કરી તેણે કપાળમાં કેશરનો ચાંદલો કરી ખભે ખેસ નાંખ્યો. અધિકારીએ રાજા સામે તેને ઊભો કરી કહ્યું “પૃથ્વીનાથ ! આ વણિકે આપની આજ્ઞાનું ઉલ્લંઘન અને દાણચોરી કરી છે. ફરમાવો તે દંડ કરું.” ભયથી ધ્રૂજતા તેની સામે જોઈ રાજાએ વિચાર્યું
ખરેખર આ વીતરાગનો ભક્ત લાગે છે, કેવો સરસ મજાનો ચાંદલો કર્યો છે! શ્રાવકના કરનો મારે નિયમ છે” એમ વિચારી તેમણે કહ્યું “આમને છોડી મૂકો, એ નિરપરાધી છે.” સેવકોએ કહ્યું આ તો કંદમૂળ આદિ ખાતા હતા. તેમના લક્ષણથી આ તો માહેશ્વરી છે. આ બધો તો કપટક્રિયાનો ખેલ છે. રાજાએ કહ્યું “જે હોય તે હવે તમે તેમને કટુ વચન ન કહો. તેઓ ધન્ય-કૃતપુણ્ય છે, તેમ ન હોય તો આ કપાળમાં તિલક જોઈ મને “આ જિનભક્ત છે” એવો ખ્યાલ કેમ આવત? મેં તો તેને છોડી મૂક્યા છે. તે સુખેથી ઘરે જાય. તે વાણિયો રાજી થયો. શ્રાવક વેષ અને આચાર પ્રશંસા કરતો રાજાને નમી પોતાને ઘેર ગયો. આ બાબતને અનુલક્ષી કહેવાયું છે કે –
साधर्मिकस्वरूपं यत्, व्यलीकमपि भूभृता । सन्मानित सभायां तत्, तर्हि सत्यस्य का कथा ? ॥१॥
અર્થ:- બનાવટી સાધર્મિકના સ્વરૂપને પણ રાજાએ ભરસભામાં સન્માન આપ્યું, ત્યારે સાચા સાધર્મિકની તો શી વાત? ઈત્યાદિ સમજી સાંભળીને સર્વ શક્તિપૂર્વક સાધર્મિકનું વાત્સલ્ય અવશ્ય કરવું. પૂર્વે ઉદાયી રાજાએ ચંડપ્રદ્યોતને કપાળે “દાસીપતિ” લખાવી કારાવાસમાં નાંખ્યો હતો પણ જ્યારે સેવક પાસેથી સાધર્મિકપણું જાણ્યું એટલે તરત જ આદર-બહુમાનાદિ કર્યા. એટલે કે સાધર્મિકનું સ્વજન કરતાં અધિકું સન્માન કરવું. કહ્યું છે કે -
सुहिसयणमाइयाणं उवयरणं भवपबंध बुड्डिकरं । जिणधम्मपवन्नाणं तं चिय भवभंगमुवणेइ ॥१॥
અર્થ - મિત્ર સ્વજનાદિનું ઉપકરણ-સન્માનાદિ ભવપ્રબંધ ભવપરંપરાની વૃદ્ધિ કરનારું બને છે ત્યારે શ્રી જિન-ધર્મ પામેલાને માટે સાધર્મિકની બુદ્ધિથી કરેલું સન્માનાદિ ભવના નાશનું કારણ બને છે.
સાધુ મહારાજના અધિકારમાં સ્વામીવાત્સલ્યના સંબંધમાં જણાવે છે કે અતિઘોર દુષ્કાળમાં જ્યારે સર્વ માર્ગ રુંધાઈ ગયા ત્યારે શ્રી વજસ્વામીએ વિદ્યાબળથી સહુને પટ દ્વારા સુભિક્ષનગરમાં લાવ્યા હતા, આ જ પ્રમાણે વિષ્ણુકુમાર મુનિ આદિનાં ઉદાહરણો સમજી લેવાં.
એક શ્રાવિકા પણ પોતાના પતિનું લોકોત્તર વાત્સલ્ય કરી શકે છે - તે પ્રસંગ નીચે પ્રમાણે છે -