________________
૨૯૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ યતનાવાળા મુનિઓ સુડતાલીશ દોષ રહિત નવકોટિ શુદ્ધ આહારને ગ્રહણ કરે છે તેમજ ઔધિક અને ઉપગ્રહિક એમ પ્રકારે ઉપધિ અને વસતિ ગ્રહણ કરે છે, આ એષણા સમિતિ કહેવાય. આ પાણી તેવી શુદ્ધિવાળું ન હોઈ અગ્રાહ્ય છે, મારી ઇચ્છા આપીવા થતી નથી પણ અતિ ખિન્ન થઈ ના છૂટકે પીવું પડે છે. પછી ગુરુમહારાજશ્રી પાસે આલોચના લઈશ.
આમ વિચારી તેણે ખોબો પાણીથી ભરી મુખ પાસે લાવતાં પાછું વિચાર્યું, મારા માટે શું ઉચિત છે? આ જળના જીવોને અભયદાન આપવું કે તૃષાનું નિવારણ કરી મારા જીવને સુખ આપવું? જો મારા જીવને લૌકિક સુખ આપું છું તો બીજા જીવોનો ઘાત થાય છે. આથી ચારગતિમય સંસારની વૃદ્ધિ અને અનંત તીર્થકર ભગવંતની આજ્ઞાનો લોપ થશે. આ જીવો મારા જેવા જ છે. હું પણ આ અપ્લાયમાં – આ જીવોના જ કુળમાં અનેકવાર રહ્યો હોઈ આ બધા મારા સંબંધી છે. પરમ દયાળુ ભગવાને તો છકાય જીવોની દયા દયાળુ-સંયમી સાધુના ખોળામાં મૂકી છે. વળી આ દુઃખ કાંઈ ઘણું મોટું દુઃખ નથી. નરકના જીવોને તો મારી તરસ કરતાં અનંતગણી તરસ સર્વદા હોય જ છે ને તે હું પરાધીનપણે મેં અનંતીવાર સહન કર્યું છે. હમણાં હે જીવ! આટલો સ્વતંત્ર થઈ તું આવા અકાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયો છે !
હે જીવ! આત્મગુણથી ભ્રષ્ટ ન થા. તારા એક જીવ માટે અનેક જીવોનો વધ કરવાના મહાપાપથી તું ડરતો કેમ નથી? મારી મૂઢતાને ધિક્કાર છે. તૃષાની શાંતિરૂપ પ્રત્યક્ષ રીતે એક ક્ષણ સુખ આપનાર આ નિર્મળ અને શીતળ જળને તું અમૃત સમાન માને છે, પણ તે ખરેખર અમૃત નથી, પણ વિષની ધારા છે. જળના એક બિંદુમાં જિનેશ્વરોએ અસંખ્ય જીવો કહેલા છે. ને તે જ બિંદુમાં સેવાળનો અંશ પણ હોય તો તે અનંત જીવરૂપ હોય છે. કહ્યું છે કે -
त्रसाः पूतरमत्स्याद्याः स्थावराः पनकादयः । . नीरे स्युरिति तत्पाता, सर्वेषां हिंसको भवेत् ॥१॥
અર્થ - પાણીમાં પૂરા (પોરા) માછલા આદિ ત્રસ અને પનક-શેવાળ ફૂગ પનક આદિ સ્થાવર જીવો હોય છે. એટલે તે પાણી પીનારને આ તમામ જીવની હિંસા થાય છે.
तत् कियद्भिर्दिनेयान्ति, रक्षिता अपि ये ध्रुवम् । तान् प्राणान् रक्षितुं दक्षः परप्राणान् निहन्ति किम् ? ॥२॥
અર્થ - તે તે પ્રકારે પ્રાણીની રક્ષા કરવા છતાં પણ થોડા જ દિવસોમાં તો પ્રાણ જવાના જ છે, તો તે પ્રાણની રક્ષા કાજે કયો સમજુ માણસ પરના પ્રાણ લે?
માટે આ સચિત્ત પાણી હું કોઈ રીતે પી શકે નહીં. આવા દઢ નિશ્ચય અને ધૈર્ય બળવાળા તે બાળમુનિએ ખોબામાં રહેલું પાણી અનેક જીવોને બાધા ન થાય એવી રીતે વિવેકપૂર્વક ધીરેથી પાછું પાણીમાં ભેળવી દીધું. હિંમત કરી તે આગળ ચાલ્યા ને નદી ઊતર્યા.