________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૯૯ પણ તૃષાથી હવે એક ડગલું પણ આગળ ભરાયું નહીં ને નદીના કાંઠે જ પડી ગયા, ને વિચાર્યું આ તૃષા વેદનીયકર્મ-કંઠ-તાળવા આદિનું શોષણ કરવા ઇચ્છે છે - પણ તે કર્મ શું તું મારા આત્મામાં રહેલ રત્નત્રયરૂપ અમૃતનું પણ શોષણ કરશે ! પણ ઓ કર્મ ત્યાં તારો જરાય પ્રવેશ થઈ શકે તેમ નથી. કારણ કે સમાધિ અને સંતોષથી હું આત્મસ્વરૂપમાં એવો લીન થયો છું કે ત્યાં તારી કોઈ શક્તિ સફળ થઈ શકે તેમ નથી. અહો પૂર્વજોએ પૂર્વના ઉપકારીઓએ આત્માની રક્ષા માટે કેવી સરસ વ્યવસ્થા આપી છે? ઇત્યાદિ શુભ ભાવનામાં કાળ કરી તે સાધુ સ્વર્ગમાં દેવ થયા. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનનો ઉપયોગ દઈ જોયું કે પોતાના પિતા નદીથી થોડે દૂર જઈ પુત્રની વાટ જોઈ ઊભા છે, ને પોતાનું શરીર સમુદ્રકાંઠે પડ્યું છે. તરત દેવે પોતાના પૂર્વના શરીરમાં પ્રવેશ કર્યો ને ઊભા થઈ પિતા તરફ ચાલવા માંડ્યું. તેને આવતો જોઈ ધનમિત્ર સંતુષ્ટ થયા ને આગળ ચાલવા માંડ્યા. આગળ જતાં બીજા સાધુઓ પણ તરસથી વ્યથિત થવા લાગ્યા. તેમની ભક્તિ માટે દેવતાએ તે માર્ગમાં ગોકુલ વિકુર્લા (ઉપજાવ્યા) ત્યાંથી છાશ વગેરે લઈ સાધુઓ સ્વસ્થ થયા. તેઓ જ્યાં બેસી છાશ આદિ વાપરતા હતા, તે જગ્યાએ એક સાધુનું વીટીયું (વસ્ત્રોની ઓશીકા જેવી પોટલી) ત્યાં ભુલાવડાવી દીધી.
કેટલેક દૂર ગયા બાદ તે સાધુને પોતાનું વિટીયું યાદ આવ્યું ને તે લેવા પાછા ફર્યા. થોડીવારે પાછા ફરી તેમણે કહ્યું; “વીટીયું તો મળ્યું, પણ કયાંય ગોકુળ દેખાયું નહીં ! આવડી મોટી વસાહત ને સેંકડો ગાય-ભેંસો અચાનક ક્યાં અદશ્ય થઈ ગયાં? અચરજની વાત !!” આ સાંભળી સહુને ઘણું જ વિસ્મય થયું, ને તેઓ વિચારવા લાગ્યા કે નક્કી આ દેવોની માયા હશે. એટલામાં દેવે પ્રગટ થઈ બધાને વંદન કર્યું પણ પોતાના પિતાને વંદન કર્યું નહીં. આનો પરમાર્થ પૂછતાં દેવે આખી વાત કહી ઉમેર્યું - હું સચિત્ત જળ પીવું, એવું તેમણે ઈચ્છર્યું અને સંમતિ આપી. આ મારા પિતા હતા પણ નેહવશ તેમણે શત્રુનું જ કામ કર્યું. જો મેં તેમના કહેવા પ્રમાણે નદીનું પાણી પીધું હોત તો અનંત ભવભ્રમણ ઊભું થાત. માટે પ્રણામ ન કર્યાં. કહ્યું છે કે –
स एव हि बुधैः पुज्यो, गुरुश्व जनकोपि च । शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ॥१॥
અર્થ :- જ ગુરમહારાજ અને તે જ પિતાશ્રી સમજુ માણસો દ્વારા પૂજય છે કે જેણે પોતાના શિષ્ય કે પુત્રને ઉન્માર્ગે પ્રવર્તાવ્યા નથી. ઇત્યાદિ કહી તે દેવે સ્વર્ગ ભણી પ્રયાણ કર્યું ને સાધુઓ તેનાં વખાણ કરતા આગળ વધ્યા.
જેમ ધનશર્મા નામના બાળમુનિએ પ્રાણાંત સંકટમાં પણ અનેષણીય જળપાન કર્યું નહીં. તેમ સર્વ સાધુઓએ પાપ રહિત થઈને આ ચારિત્રાચારનું પાલન કરવું ને સદા જાગૃતિ રાખવી.
O