________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૩૧૩ આ અભિગ્રહ ધાર્યે ઘણા દિવસો વ્યતીત થઈ ગયા, ત્યાં કોઈ મુનિના તપ પ્રભાવે જ જાણે એક નવા પ્રસવવાળી (મા બનેલી) વાઘણ નગરમાં આવી ચડી. નગર દરવાજે વડાંના જ વેપારી હતા. તેઓ વાઘણ જોઈ દૂરથી જ નાઠા. ત્યાં મુનિને આવેલા જોઈ વાઘણને જાણે હર્ષ થયો હોય તેમ તેણે બે પંજા ભેગા કરી વડાં ઉપાડ્યાં ને મુનિને આપવા લાગી. વડાં ખરેખર વીસ હતાં. મુનિએ લીધાં. તપ તથા ધર્મનો ઘણો મહિમા વધ્યો. હવે મુનિએ પાછા ગુરુ મહારાજ પાસે જવાનો વિચાર કર્યો અને “પાટણ બિરાજતા ગુરુમહારાજને વાંદીને જ મારે અન્ન-જળ લેવાં” એવો ઘોર
અભિગ્રહ કરી મુનિશ્રીએ વિહાર કર્યો ને પાટણ પહોંચીને જ વંદન કરીને જ પારણું કર્યું. થોડા દિવસ પછી પાછો તેમણે અભિગ્રહ કર્યો કે મદથી ઉન્મત્ત બનેલા હાથીને કોઈ ડોશી વશ કરે ને એ હાથી ખીચડી, ખારેક, ખડહડી, ખાજા અને ખાંડ આ પાંચ ખમ્બાવાળી વસ્તુ આપે તો પારણું કરવું. મહિના ઉપર વીત્યું ત્યારે શાસનદેવે તેવી વૃદ્ધાનું રૂપ લીધું ને રાજહસ્તી વશ કર્યો અને મુનિને પારણું કરાવ્યું.
આવી રીતે તે મુનિએ ૮૪ પ્રકારના અભિગ્રહો ધારી પારણાં પૂર્ણ કર્યા અને અનશન કરી સ્વર્ગે ગયા.
૨૮૪
તપસ્યાની યથાર્થતા निर्दोषं निर्निदानाढ्यं, तन्निर्जराप्रयोजनम् । चित्तोत्साहेन सद्बुद्धया, तपनीयं तपः शुभम् ॥१॥
અર્થ:- નિર્દોષ, નિયાણા વિનાનું ને કેવલ નિર્જરાના હેતુવાળું શુભ તપ સ્વસ્થ બુદ્ધિ અને મનના ઉમંગપૂર્વક કરવું જોઈએ.
જેનાથી શરીર અને કર્મ તપે તે તપ. કહ્યું છે કે - रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुमानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥१॥
અર્થ - રસ, લોહી, માંસ, મેદ (ચરબી), હાડકાં, મજ્જા અને વીર્ય તથા અશુભ એવાં કર્મો જેનાથી તપે છે, તેનું નામ તપ કહ્યું છે.
આ તપ નિર્દોષ એટલે આ કે પરલોકમાં સુખ પામવાની ઇચ્છા વિના-નિયાણા વિના કરવો. કહ્યું છે કે –