________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૩૧૧ આ અભિગ્રહ લઈ વિચરતા મુનિને તો પાંચ મહિના ને અઢાર દિવસ થયા. ત્યાં કોઈ મત્ત થયેલો હાથી આલાન તોડી નાઠો ને કંદોઈની દુકાને આવી ઊભો. તેણે સુંઢમાં પાંચ લાડુ ઉપાડી મુનિ તરફ ધર્યા. પાંચ પૂરા જોઈ મુનિએ પાત્ર ધર્યું ને હાથીએ લાડવા મૂકી દીધા. દાનથી જાણે આનંદિત થયો હોય તેમ ત્યાં ઝૂમવા લાગ્યો. મુનિના તપ પ્રભાવે શાંત થયો. મહાવત આવ્યો ને તેની સાથે તે ઠેકાણે ગયો.
વળી મુનિએ અભિગ્રહ લીધો કે “સાસુથી દુભાયેલી મોટી વહુ ત્રણ દિવસની ઉપવાસી, આંખમાં આંસુની ધારા, લાકડા લેવા આવેલા ગરીબ માણસે આપેલ ગોળ ઘીવાળા માંડા (જાડી રોટલી) વહોરાવે તો પારણું કરવું. આ
કેટલોક સમય વીતી ગયો. એકવાર તે પારણા નિમિત્તે પર્વત પરથી ઊતરતા હતા. ત્યાં બાજુના ગામની બ્રાહ્મણી સાસુના કજિયાથી કંટાળી બાપના ઘેર જતી હતી. તે માર્ગ ભૂલી, આડા રસ્તે વનમાં આવી ચડી. ત્યાં ગરીબ કઠિયારાએ તેને ઘી-ગોળવાળા માંડા ખાવા આપ્યા. તે ખરે જ ત્રણ દિવસની ઉપવાસી અને દુઃખને યાદ કરી રડતી હતી. ઘરની મોટી વહુ હતી. તેણે મુનિને જોઈ વિચાર્યું “આઠ ગણું પુણ્ય થશે.” એમ વિચારી મુનિને વહોરાવ્યા ને આનંદિત થઈ બાપને ઘરે ગઈ અને સુખી થઈ.
પાછો મુનિએ અભિગ્રહ કર્યો કે - कालो कंबल धवलो सांढ, नाकिं तुट पुच्छहिं बंड । सिंग करी गुड भेलो देइ, तो खिमरिषी पारणं करइ ॥१॥
એટલે કે – ગળાથી કાળો અને શરીરે ધોળો નાક વીંધેલો ને પૂંછડે બાંડો એવો સાંઢ શીંગડાથી ગોળની થેલી આપે તો તેથી પારણું કરવું.
વળી એકવાર મુનિ પારણા નિમિત્તે ધારાનગરીમાં ગયા. ત્યાં ઉપર મુજબ વર્ણનવાળા બળદે કોઈ વણિકની દુકાનમાં આગળ જ પડેલો ગોળનો મોટો ગાંગડો શિંગડામાં ભરાવ્યો ને પાછો ફર્યો. ત્યાં મુનિને જોઈ તેમની સામે ધરી દીધો. મુનિએ લીધો ને અભિગ્રહ પૂરો થયો. આ જોઈ ચકિત થયેલા વણિકે વિચાર્યું. આ બળદ સામાન્ય નથી, કેવો પારણાનો લાભ લીધો ! મેં ગોળની મોટી વખારો ભરી બીજું શું કર્યું? “મારો તો ભવ નિરર્થક ગયો. પછી તેણે બધો ગોળ વેચી તે દ્રવ્યમાંથી પાર્થપ્રભુનું ચૈત્ય કરાવ્યું અને યશોભદ્રસૂરિજી પાસે તેણે દીક્ષા લીધી. ચારિત્ર પાળી સ્વર્ગે ગયો તે દહેરાસર ગુડપીંડ તીર્થને નામે પ્રસિદ્ધ થયું.
વળી વસંતઋતુમાં તેમણે અભિગ્રહ કર્યો કે સાંકળે બાંધેલો કોઈ વાનર નગરમાં આવી આંબાનો રસ આપે તો પારણું કરવું. એકવાર એક વણિકે ઘીના ગાડવામાં આંબાનો રસ ભર્યો હતો ત્યાં સાંકળવાળો કોઈ વાંદરો આવ્યો ને તેને ઉડાવી ચાલતો થયો. વણિકે બૂમ પાડી આગળ