________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
૩૦૭ મહારાજે કોઈ સાથેનો સંગાથ મળવાથી વિહાર કર્યો. એક દિવસ જંગલમાં પડાવ નંખાયો. જીવાકુલભૂમિ હોઈ શુદ્ધ ચંડિલ ન મળતાં એક જ પગ જમીન પર રાખી ઊભા રહ્યા. ઇન્દ્રમહારાજે તેમની પ્રશંસા કરી પણ એક દેવને વિશ્વાસ બેઠો નહીં. તે આવ્યો સિંહ થઈ પરીક્ષા કરવા. સિંહે તેમને પગના પ્રહાર વડે પાડી નાંખ્યા. સાધુ મહારાજ તો પોતાની કાયાથી પૃથ્વીના જંતુ મર્યાનો સંભવ જાણી વારેવારે મિથ્યાદુષ્કૃત દેવા લાગ્યા. આથી પ્રભાવિત થયેલો દેવ પ્રગટ થયો અને બધો વૃત્તાંત કહી ખમાવી પાછો ફર્યો. બીજા બધાએ પણ આ મુનિરાજની ઘણી-ઘણી પ્રશંસા કરી. માટે મુનિરાજોએ કાયગુપ્તિમાં અવશ્ય આદર કરવો.
ઉપર જણાવેલ યુક્તિ પ્રમાણે ત્રણે ગુપ્તિનું સાધુઓએ પાલન કરવું. તે બાબત દષ્ટાંત આ પ્રમાણે છે.
કોઈ નગરમાં એક સાધુ મહારાજ શ્રાવકના ઘરે ગોચરીએ ગયા. શ્રાવકે વંદન કરીને પૂછ્યું “હે પૂજ્ય ! તમે ત્રણ ગુપ્તિએ ગુપ્ત છો ?” ઉત્તરમાં મુનિએ કહ્યું “ના હું ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી.' શ્રાવકે કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે; “એકવાર એક ગૃહસ્થને ત્યાં હું ગોચરીએ ગયેલ ત્યાં ગૃહિણીની વેણી જોઈ સરખાપણાને લીધે મને મારી સંસારી પત્ની સાંભરી આવી. માટે મારી મનોગુપ્તિ ક્યાં રહી ! એકવાર શ્રીદત્ત નામના શ્રાવકના ઘરે ગોચરી ગયો હતો. તેણે કેળાં વહોરાવ્યાં. ત્યાંથી બીજા ઘરે જતાં તે ઘરવાળાએ પાતરામાં કેળાં જોઈ “કેળાં ક્યાંથી વહોર્યા?” એમ પૂછ્યું. મેં સાચી વાત કરી, પણ એ શ્રાવક પહેલાનો દ્વેષી હોઈ તેણે રાજાને ફરિયાદ કરી કે “આપની વાડીનાં કેળાં શ્રીદત્તને ઘરે રોજ જાય છે.' રાજાએ પ્રમાણ માંગતાં કહ્યું કે “મુનિના મુખે સાંભળ્યું, એવાં કેળા બીજે ક્યાંય થતાં પણ નથી.” આથી રાજાએ શ્રીદત્તને શિક્ષા કરી. મારા વચને જ શેઠને શિક્ષા થઈ. આથી મારી વચનગુપ્તિ પણ રહી નહીં. એકવાર વિહાર કરતાં હું અરણ્યમાં પહોંચ્યો ને થાકી જવાથી સૂઈ ગયો. ત્યાં સાંજે સાર્થે મુકામ કરેલો, સાર્થપતિએ રાત્રે સહુને કહ્યું “સવારે વહેલા ચાલવું છે માટે રસોઈ આદિ અત્યારે જ બનાવી લો.”બધા રસોઈ કરવામાં પડ્યા. તે વખતે અંધારું હોઈ એક માણસે મારા માથાની પાસે બીજો પથરો ગોઠવી ચૂલો બનાવ્યો. અગ્નિ લાગતાં જ હું ઊઠીને ઊભો થયો માટે કાયગુપ્તિ પણ રહી નથી. માટે ખરેખર તો ભિક્ષા લેવા યોગ્ય મુનિ નથી ! સત્ય સાંભળી શ્રાવક રાજી થયો ને ભાવપૂર્વક આહાર વહોરાવ્યો. તે મુનિની અતિ અનુમોદના કરવાથી તે શ્રાવકે અનુત્તર વિમાનનું પુણ્ય બાંધ્યું. મુનિ પણ પોતાની કાયરતાને નિંદતો-લાંબો સમય સંયમ પાળી સ્વર્ગ પામ્યા. આ પ્રમાણે ત્રણ ગુપ્તિનું સ્વરૂપ સમજવું.
આ પાંચે સમિતિ પ્રતિચાર એટલે પ્રવૃત્તિરૂપ છે, ત્યારે ત્રણે ગુપ્તિઓ પ્રતિચાર-અપ્રતિચાર પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ છે. પ્રતિચાર એટલે શરીર કે વચનનો વ્યાપાર. આમ જોતાં ગુપ્તિઓમાં સમિતિ સમાઈ જાય છે. એષણાસમિતિ મનના ઉપયોગથી થાય છે. કારણ કે સાધુનો એષણામાં ઉપયોગ હોય ત્યારે કર્ણેન્દ્રિયાદિ દ્વારા વહોરાવનાર સ્વયંના હાથ ધોવે કે વાસણ આદિ લે-મૂકે છે