________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૦૫
તે પ્રથમ વચનગુપ્તિ પરંતુ ઇશારાથી પોતાનું કામ જણાવવું, અને મૌનનો અભિગ્રહ કરવો તે ઉચિત નથી. તથા વાચના પૃચ્છના તેમજ બીજાના પ્રશ્નના ઉત્તરમાં લૌકિક આગમના વિરોધ રહિત મુખવસ્તિકા મુખ પર રાખી બોલવા છતાં વાવૃત્તિનું નિયમન કરવું તે બીજી વચનગુપ્તિ છે. આથી એમ સિદ્ધ થયું કે સર્વથા વચનનો નિરોધ અથવા યથાર્થ અને સમ્યક્ પ્રકારે બોલવું તે વચનગુપ્તિ છે. ત્યારે ભાષાસમિતિમાં તો માત્ર નિરવઘવાણીની પ્રવૃત્તિની વાત છે. વચનગુપ્તિ અને ભાષાસમિતિનો આટલો ફરક જાણવો. કહ્યું છે કે -
समियो नियमा गुत्तो, समियत्तणंमि भयणिज्जा । कुशलवयमुदीरंतो, जं वइगुत्तो वि समियो वि ॥१॥
--
અર્થ :- સમિતિવાળો અવશ્ય ગુપ્તિવાળો હોય છે ત્યારે ગુપ્તિવાળાને સમિતિની ભજના હોય છે, માટે જે કુશલ વચન બોલનારો હોય છે તે વચનગુપ્તિવાળો અને સમિતિવાળો પણ કહેવાય છે.
આના સમર્થનમાં અન્યદર્શનીનું ઉદાહરણ આપવામાં આવે છે. વિષ્ણુપુરના ઉદ્યાનમાં શિવશર્મા, દેવશર્મા અને હરિશર્મા નામના ત્રણ તાપસો ઉગ્ર તપ કરતા રહેતા હતા. તેમના તપનો મહિમા અનેક રીતે ગવાતો. એવી પણ માન્યતા હતી કે તેમનાં ધોતિયાં ધોવાઈને આકાશમાં નિરાધાર સુકાતાં રહેતાં ને આ જોગીઓ ઇચ્છતા ત્યારે તેમના હાથમાં આવી જતાં. એકવાર આ ત્રણે તાપસો સરોવરમાં ન્હાવા ગયા હતા તેમનાં ધોતિયાં અધ્ધર આકાશમાં સુકાઈ રહ્યાં હતાં. ત્યાં એક બગલાએ તળાવ કાંઠે એક માછલું પકડ્યું તે જોઈ શિવશર્માએ રડારોળ કરી મૂકી, ‘અરે આ પાપીએ નિરપરાધી માછલાને પકડ્યું. ઘણું ખરાબ થયું - ઘણું ખરાબ ! અરે મૂકી દે ! મૂકી દે !, આમ બોલી માછલા ઉપર દયા અને બગલા પર નિર્દયતા બતાવનાર શિવશર્માનું ધોતિયું આકાશથી હેઠું પડ્યું. આ બાજુ દેવશર્માએ પણ સાથે ને સાથે જ બગલા ઉપર દયા ખાતાં કહ્યું ‘બિચારું ભૂખ્યું બગલું ક્યારનું ઊભું છે. એલા મૂકતો નહીં, નહીં તો ભૂખ્યો મરી જઈશ.' આમ બગલા પર દયા અને તે માછલા પર નિર્દયતા જણાવનાર તેનું ધોતિયું પણ પડ્યું. આ જોઈ બન્ને પર સમાનભાવવાળા હિ૨શર્માએ કહ્યું -
मुञ्च मुञ्च पतत्येको, मा मुञ्च पतितो यदि ।
उभौ तौ पतितौ दृष्ट्वा, मौनं सर्वार्थसाधकम् ॥१॥
અર્થ :- છોડ છોડ એમ કહેવાથી એકનું ધોતિયું પડ્યું, બીજાનું ના છોડ ના છોડ કહેવાથી પડ્યું - આમ બન્નેનાં પડેલાં જોઈ લાગે છે કે મૌન જ સર્વ અર્થનું સાધક છે.
આમ પ્રાજ્ઞ-સમજુને માટે મૌન શ્રેયસ્કાર છે તેમ કોઈકવાર અલ્પજ્ઞ કે અજ્ઞ માટે પણ મૌન હિતનું કારણ બને છે. કહ્યું છે કે -