________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૯૬
નહીં પણ પૂર્વના પાપકર્મથી થયેલ છે. છતાં આ વાત વિચાર્યા વિના અનંત તીર્થંકરોની આજ્ઞાનો લોપ કરનાર ને તેથી જ મહાઘોર દુઃખ આપનાર કેવું દુષ્ટ વચન આ રાસાધ્વી બોલ્યાં ! ઇત્યાદિ શુભ ધ્યાને સવિશેષ શુદ્ધિ થતાં તે સાધ્વી કેવળજ્ઞાન પામ્યાં. દેવોએ તરત કેવળીનો મહિમા કર્યો. ધર્મદેશનાને અંતે રજ્જાસાધ્વીએ વંદન-વિનયપૂર્વક પૂછ્યું કે “મને શાથી આવો રોગ થયો ?” કેવળીએ કહ્યું; “રજ્જા ! તમને રક્તપિત્તનો રોગ છતાં સ્નિગ્ધ આહાર વધારે પડતો લેવાથી, ને એ આહારમાં કરોળિયાની લાળ મિશ્રિત હોવાથી. વળી તે શ્રાવકના બાળકના નાકે લાગેલા સેડા-લીંટને તમે સચિત્ત પાણીથી સાફ કરેલ, જે શાસનદેવીથી સહેવાયું નહીં. બીજા પણ આવું અકાર્ય ન કરે એવા ઉદ્દેશથી તે કર્મનું ફળ તમને તરત આપવામાં આવ્યું. આમાં પ્રાસુક પાણીનો જરાય દોષ નથી.
આ સાંભળી રજ્જાસાધ્વીએ પૂછ્યું; “ભગવન્ ! વિધિપૂર્વક હું પ્રાયશ્ચિત્ત લઉં તો મારું શરીર સારું થાય ને ?” કેવળીએ કહ્યું “હા, જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો અવશ્ય સારું થાય.” રજ્જાએ કહ્યું; તો “આપ જ આપો. આપના જેવા ક્યાં મળવાના છે ?” કેવળી બોલ્યા તમને બાહ્યરોગની ચિંતા લાગી છે, ત્યારે તમારા અંતરંગ રોગો ઘણી વૃદ્ધિ પામ્યા છે. તે શી રીતે જશે ? છતાં હું તમને પ્રાયશ્ચિત્ત આપું છું. પણ એવું કોઈ જ પ્રાયશ્ચિત્ત જ નથી જેથી તમારા આત્માની શુદ્ધિ થાય. કારણ કે તમે સર્વ સાધ્વીઓને કહ્યું કે “આ અચિત્ત જળ પીવાથી મને રોગ થયો.”
આ દુષ્ટ વચનોથી તે સર્વ સાધ્વીના મનને ડહોળી નાંખ્યું ને શ્રદ્ધામાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. તેથી તેં મહાપાપ જ ઉપજાવ્યું છે. તેથી તારે કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસ, અટાં, ગંડમાળ આદિ અનેક મહારોગથી અનંત ભવના દીર્ઘકાળ સુધી દુ:ખ વેઠવું પડશે. નિરંતર દુઃખ, દારિત્ર્ય, દુર્ગતિ, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું પાત્ર થવું પડશે. ઇત્યાદિ કેવળીનું વચન સાંભળી બધી સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપી પાપથી છુટકારો મેળવ્યો. માટે હે ગૌતમ ! જેઓ ભાષાસમિતિથી શુદ્ધ વાક્ય બોલે છે, તે કેવળજ્ઞાન પામે છે ને જે ભાષા સમિતિ નથી જાણતા તે વિના વિચારે બોલે છે, તે આચાર અને કદીક શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ રજ્જાસાધ્વીની જેમ કુગતિઓમાં અનેક પ્રકારની વિડંબના અને દુઃખના ડુંગરા પામે છે. માટે ભાષા સમિતિમાં ઉપયોગવંત થવું.
૨૦૦
ચારિત્રાચારનો ત્રીજો આચાર એષણા સમિતિ
·
सप्तचत्वारिंशता यद् दोषैरशनमुज्झितम् । भोक्तव्यं धर्मयात्रायै, सैषणासमितिर्भवेत् ॥१॥