________________
૨૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - તે સમતાનો પરિપાક થતાં વિષયની પકડ નાશ પામે છે, જેના દ્વારા એ ઉજ્વળ યોગવાળા મહાત્માને ફરસી (કુહાડી જેવું હથિયાર) અને ચંદનમાં સરખાપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ બન્નેની ભિન્નતા નાશ પામે છે..
આ ભાવનાથી સુભદ્રનું અંતઃકરણ સંવેગમય થઈ પશ્ચાત્તાપથી જાણે બળવા લાગ્યું. ત્યાં સુધી કે તે પત્ની સાથે આંખ પણ મેળવી ન શકતો-તેની આંખો ઢળી પડતી. તેની આ સ્થિતિ જોઈ પત્નીએ વિચાર્યું “મારા પતિ લજ્જાવાન છે માટે સરળતાથી ધર્મ પામશે, જે સાવ નિર્લજ્જ અને વાચાળ હોય છે તેમને ધર્મને માટે અયોગ્ય કહ્યા છે, તે આવા નથી.” પછી તો સુશીલા સામાયિકમાં સ્વાધ્યાય કરતી વેળા વ્રત-પાળવા ન પાળવાના પ્રસંગો વાંચતી ને તે પણ સુભદ્ર સાંભળે એવી રીતે બોલતી તેમાં વ્રતભંગથી થતી હાનિ તો માથું ધુણાવીને બોલતી જેમ કે વ્રત લેવું તે સહેલું છે પણ પાલન કરવું દુષ્કર છે. તેઓ ધન-કૃતપુણ્ય છે જેઓ વ્રત લઈને પ્રાણની જેમ પાળે છે. વ્રત લેવા-પાળવાની ચઉભંગી છે. જેમ લેવું સરળ પણ પાળવું મુશ્કેલ. લેવું કઠિન પણ પાળવું સરળ, લેવું સહેલું ને પાળવું સહેલું અને લેવું પાળવું બને મુશ્કેલ. આમાં ત્રીજો ભાંગો ઉત્તમ ને ચોથો અનિષ્ટ.
આ બધું સાંભળી સુભદ્ર પોતાની પત્નીની ભાવનાનાં મનોમન વખાણ કરવા લાગ્યો છતાં મનમાં વ્રતભંગનું દુઃખ તો તેને સાલ્યા જ કરતું હતું. તે દિવસે દિવસે દૂબળો થવા લાગ્યો, પત્નીએ આગ્રહ કરી કારણ પૂછ્યું. ત્યારે તે ખિન્ન થઈ બોલ્યો “હે સુભગે ! મોક્ષ પ્રાપ્તિના અવંધ્ય કારણરૂપ તે વ્રત મેં લાંબા કાળથી પાળ્યું હતું પણ તે મન કલ્પિત સુખને માટે ક્ષણવારમાં મેં નષ્ટ કરી મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય કર્યું. આથી હું દિવસે દિવસે સુકાતો જાઉં છું. હવે આ પાપનું પ્રાયશ્ચિત્ત કોણ આપશે? મારી ભ્રષ્ટની સ્થિતિ-ગતિ કઈ થશે? વ્રતનો નાશ ને ખરાબ આચરણ કરી કહેતા ફરવું કે મેં મોટું પાપ કર્યું, મેં મોટું પાપ કર્યું! ને ધ્યાન વૈરાગ્ય લઈને બેસવું તે તો વ્યર્થ છે, ને કુંભારને મિથ્યા દુષ્કૃત આપનાર ક્ષુલ્લક મુનિ જેવી તેની સ્થિતિ છે.”
આમ શુદ્ધ અંતઃકરણ ને શુભ પરિણામ જાણી - આ માત્ર પત્ની સમક્ષનો ઉપચાર નથી એમ સમજી, તથા સંવેગ રંગથી રંગાયેલું આ હૃદય હવે ઇન્દ્રની અપ્સરાથી પણ હારે એવું નથી એવો વિશ્વાસ થવાથી તેણે નિશાનીઓ, વાતો, સંકેતોપૂર્વક બધી સાચી વાત બતાવી સમજાવ્યું કે
તે મારી સહેલી નહીં પણ હું પોતે જ હતી.” આ વાતની સચ્ચાઈની સાબિતીથી વિશ્વાસ થતાં તેણે વિચાર્યું “અહો ! લોકોત્તર ધર્મમાં નિપુણ આ નારીને ધન્ય છે.” “મારો ધણી પરનારીના સંગથી નરકમાં ન જાય.”
- એવા શુદ્ધ આશયથી તેણે કેવી ચતુરાઈ અને ધીરતાથી કામ લીધું! મારું એટલું સૌભાગ્ય છે કે અંતઃકરણથી મારી હિતચિંતા કરનાર સુશીલ પત્ની મળી છે. તેની સ્થિરતા ને ગંભીરતા તો વાણીનો વિષય નથી. ઇત્યાદિ તેણે અંતરથી સ્ત્રીની સ્તુતિ કરી. પત્નીના કહેવાથી તેણે ગુરુમહારાજ પાસે પરસ્ત્રી સેવનનો સર્વથા ત્યાગ કર્યો. પાપની આલોચના કરી ને ધર્મમાં આદરવાળો થયો.