________________
૨૯૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ થઈ. રાણીએ પણ રાજાને કહ્યું “જોયું તમારી તાપસીનું બ્રહ્મચર્ય? દંભ અને પાપ આખરે તો ફૂટે જ છે.” આ સાંભળી રાજાએ કહ્યું “રાણી, ઉતાવળાં ન થાવ. કોઈક વખતે તમારા ગુરુઓનું સ્વરૂપ તમને બતાવીશ.”
પછી રાજાએ પોતાના એક ચતુર સેવકને શીખવ્યું કે તું સૂર્યકાંતા વેશ્યાને ઉપવનમાં કામદેવ ચૈત્યમાં જવા અને સાધુને ઠીક કરવા સમજાવી દેજે. પ્રથમ તો અપ્સરા જેવી તેની સામે જોતાં જ કોઈપણ ચક્રાવે ચડે, પાછી તે એવી કામ કળામાં નિપુણ છે કે જોટો નહીં. તેને મૂર્તિ પાછળ સંતાવા જણાવી બધું સમજાવી દેજે, પછી તું પેલા સાધુને કોઈ ધર્મના બહાનાથી રાત્રિ પહેલાં ત્યાં લઈ આવજે.
ધર્મકાર્યના અતિ ઉત્સાહથી તે ત્યાં આવે એટલે તું બહાર નીકળી દરવાજા વાસી દેજે-ને તાળું બંધ કરજે, અને પહેલેથી જ પલંગ અને તાંબૂલ-ફૂલ-અત્તર આદિ ભોગ સામગ્રી મૂકી રાખજે, સેવકે કહ્યું; “આપ નિશ્ચિંત રહેજો. આપની ઇચ્છા પ્રમાણે બધું થઈ રહેશે.”
રાજાના કહ્યા પ્રમાણે સેવકે બધું તરકટ ગોઠવ્યું. મુનિને પણ ધર્મઉદ્યોતનું ખોટું બહાનું બતાવી તે લઈ આવ્યો. ભોળે ભાવે મુનિશ્રી મંદિરમાં પેઠા ને પેલાએ બહાર નીકળી તરત બારણું વાસી દીધું. મુનિએ બહાર નીકળવા યત્ન તો ઘણા કર્યા પણ તેમને સફળતા ન મળી. તે વિમાસણમાં પડી વિચારવા લાગ્યા “અરે રે ! ઉપયોગ ન રાખ્યો તેથી હું આ અપયશના કાર્યમાં સપડાયો છું. મને આ વેશ્યાદિકનો તો કશો ભય નથી પણ સવારે અવશ્ય શ્રી જિનશાસનની અપભ્રાજના થશે, તેનો જ ભય છે. પછી તો વેશ્યાએ પોતાની બધી જ ચતુરાઈ અજમાવી જોઈ પણ મુનિએ ધીરતા ન છોડી. મુનિ તો વિચારમાં ઊંડા ઊતરી ગયા કે પૂર્વે પરિવ્રાજિકા સાથે જે અકાર્ય કર્યું હતું તેમાં લેશ માત્ર અનુરાગ નહોતો અને રાગથી તો તરત વ્રત નાશ પામે. પછી તેમને રસ્તો સૂઝી આવતાં તેમણે રજોહરણ ડાંડો-કામળી આદિ દીપકની જયોતથી સળગાવી નાંખ્યાં. તેની ભભૂત આખા શરીરે લગાવી. પોતે લંગોટ લગાવી ઈન્દ્રિયો ગોપવી આખી રાત ધ્યાનમાં તત્પર રહ્યા. આ તરફ વેશ્યા પોતાની બધી કળા કરામત અજમાવી થાકી ગઈ ને છેવટે કંટાળી સૂઈ ગઈ.
અહીં સવારના પહોરમાં રાજાએ જાણે વાઘ પકડ્યો હોય તેમ ઘોંઘાટ કરી મૂક્યો ને રાણીઓ, કુટુંબીઓ, રાજપુરુષો, મુખ્ય નાગરિકો અને સામાન્ય જનસમૂહ સાથે ઉદ્યાનમાં આવ્યો. સેવકને કહ્યું “ખરો ચોર પકડાયો છે. તાળું ઉઘાડ.” તાળું ખોલી બારણાં ઉઘાડતાં કોપીન ધારી કોઈ અવધૂત બાવા “અલખ-નિરંજન-જય-શિવશંકર” કરી બહાર નીકળ્યા. યોગી અવિકારી, અવધૂતને જોઈ બધા ચમક્યા. રાણી બોલી, “રાજાજી ! તમે તો ઘણી મોટી વાત કરતા હતા. આ તો કોઈ તમે જેને માનો છો એમની જમાતના નીકળ્યા. આ જૈન સાધુ ન હોય !”
ખિજાયેલા રાજાએ સેવકને પૂછ્યું, “આ અવળું કેમ વેતરાયું?” તેણે કહ્યું; “મેં તો આપની આજ્ઞા પ્રમાણે જ કર્યું હતું. આ અંદર ને અંદર શું ચમત્કાર થયો તે સમજાતું નથી.”