________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૮૧
ભાવલિંગથી મુક્તિ પામે છે, એ સિદ્ધ થાય છે. માટે સમજુ માણસે કદાગ્રહ છોડી દઈ ભાવલિંગની અભિલાષા કરવી. આનાથી સમજાય છે કે આત્માને બાંધનાર તેમજ મુક્ત-કરનાર વ્યવસ્થા અશુદ્ધ નયને આધારે જ ઘટે છે, કિંતુ શુદ્ધનયને આધારે આત્માનો બંધ કે મોક્ષ કશું જ ઘટતું નથી.
આ પ્રમાણે અન્વય-વ્યતિરેકથી આત્મતત્ત્વનો નિશ્ચય કરેલો છે. એવી જ રીતે બુદ્ધિમાન પંડિતોએ નવે તત્ત્વોથી આત્મતત્ત્વનો નિશ્ચય કરવો. સૂક્ષ્મનય પર આધારિત આ ગુહ્યાતિગૃહ્ય તત્ત્વ કોઈ અલ્પ બુદ્ધિવાળાને ન આપવું, કેમ કે તેને તે આ તત્ત્વ વિડંબનારૂપ જ થઈ પડે. અર્થાત્ અલ્પબુદ્ધિવાળો તો આ અધ્યાત્મતત્ત્વને દૂષણ જ લગાડશે. જેમ ઘણો ભૂખ્યો થયેલો દુર્બળ માણસ જો ચક્રવર્તીનું ભોજન કરે તો તેથી અનર્થ જ થાય. તેમ અલ્પબુદ્ધિવાળા માણસને આ અધ્યાત્મતત્ત્વ પણ અહિત કરનારું બને છે. જેમ અશુદ્ધ મંત્રજાપ દ્વારા સર્પની મણિ લેવાની ઇચ્છા અનર્થકારી બને છે. તેમ લેશમાત્ર જ્ઞાનથી દુર્વિદગ્ધ થયેલા કુપંડિતોને આ અધ્યાત્મતત્ત્વ અનર્થકારી જ છે. કારણ કે તેઓ પરમાર્થથી વસ્તુતત્ત્વ જાણી શકતા નથી.
હે રાજા, કુમારપાળ ! સર્વ નયો પોતાના એકાંત પક્ષનો જ આધાર રાખીને સ્યાદ્વાદને દૂષિત કરે છે, પણ તીર્થંકર ભગવંતોની વાણી તો સર્વનયમય જ. કહ્યું છે કે
-
बौद्धानां ऋजुसूत्रतोमतमभूद् वेदान्तिनां सङ्ग्रहात्, साङ्ख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता, जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥
અર્થ :- બૌદ્ધમત ઋજુસૂત્ર નામના નયથી ઉદ્ભવ્યો છે. વેદાન્તીઓનો મત સંગ્રહનયથી થયેલ છે, સાંખ્યનો યોગરૂપી મત નૈગમનયથી ઉત્પન્ન થયો છે, વૈશેષિકનૈયાયિકનો મત પણ નૈગમનયથી થયો છે, તેમજ શબ્દબ્રહ્મના માનનારાનો મત શબ્દનયથી થયેલો છે, ત્યારે ભગવાન જિનેન્દ્રદેવની દૃષ્ટિ તો સર્વનયથી ગુંફિત થયેલી છે. તેથી તેમાં અત્યંત સારતરપણું પ્રત્યક્ષ જ જણાય છે.
આ પ્રમાણે ગુરુમહારાજના મુખકમળથી આપ્ત વચનો સાંભળી મહારાજા કુમારપાળ રાજા નિઃશંક થયા ને જિનધર્મના દૃઢ અનુરાગી બન્યા.
સર્વતત્ત્વથી ભિન્ન અને આત્મતત્ત્વમાં લીન થયેલું એવું ગુરુમહારાજે કહેલું અધ્યાત્મતત્ત્વનું રહસ્ય સાંભળીને પરમાર્હત્ કુમારપાળ રાજા સંકલ્પથી રહિત જ્ઞાનવ્યાપ્ત થઈ ધર્મમાં સુસ્થિર થયા.