________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૭૯ આ પ્રમાણે પુણ્ય કે પાપ તેના ફળથી જુદા નથી, પણ એકરૂપ છે. એમ સિદ્ધ થાય છે. નિશ્ચયથી તો ચિદાનંદ સ્વરૂપ આત્મા પુણ્ય અને પાપથી ભિન્ન છે, એમ પણ સિદ્ધ થાય છે. વાદળાં ખસી જતાં જેમ સૂર્યનો ઉષ્માભર્યો પ્રકાશ પ્રસરી ઊઠે છે તેમ કર્મના આવરણનો નાશ થતાંની સાથે આત્માનું ચિદાનંદ સ્વરૂપ ચોથી (તુરીય) દશામાં સ્પષ્ટ રીતે પ્રકાશિત થઈ ઊઠે છે. એટલે કે ચૌદમા અયોગી ગુણસ્થાને સર્વકર્મનો નાશ થતાં, ઉજ્જાગૃતા નામની ચોથી દશા પ્રાપ્ત થાય છે, વળી કર્મબંધનું મૂળ કારણ રાગ-દ્વેષ છે, જેમ લોહચુંબક લોઢાને ખેંચે છે તેમ આત્મામાં રહેલા રાગ-દ્વેષ સર્વપ્રકારનાં કર્મોને ખેંચે છે. તેથી આત્મા સાથે કર્મ એકમેક થતાં બંધ થાય છે. શુદ્ધ સ્ફટિક પારદર્શક હોય છે. પણ લાલ-પીળા-કાળા પુષ્પાદિના સંસર્ગથી તે સ્ફટિક પણ લાલપીળો કે કાળો થઈ જાય છે તેમ પુણ્ય તથા પાપના સંસર્ગથી આત્મા રાગી કે દ્વેષી થાય છે. પુણ્યપાપ રહિત શુદ્ધસ્વરૂપ ભગવંતનું જ છે. તેનું ચિંતન-મન-ધ્યાન કરવું એ જ ભગવાનની સ્તુતિ છે, તે જ ભક્તિ છે. ભગવંતના રૂપ લાવણ્ય શરીરનું વર્ણન, સમવસરણરૂપ ત્રણ કિલ્લા, છત્ર, ચામર ધ્વજા આદિ પ્રાતિહાર્યનું વર્ણન જે વીતરાગદેવનું કરેલું છે, તે વસ્તુતઃ પ્રભુના ગુણનું વર્ણન નથી. તે તો માત્ર વ્યવહારથી સ્તુતિ કરવામાં આવી છે, પરંતુ જિનેન્દ્રદેવમાં રહેલા જ્ઞાનાદિ રત્નત્રયીનું વર્ણન કરવું તે જ તેમની વાસ્તવિક સ્તુતિ છે; તત્ત્વથી નિર્વિકલ્પ તથા પુણ્ય-પાપ રહિત એવા આત્મતત્ત્વનું નિરંતર ધ્યાન કરવું તે શુદ્ધનયની સ્થિતિ છે. આશ્રવ અને સંવર તે આત્મવિજ્ઞાનનું લક્ષણ નથી, અર્થાત્ આશ્રવ ને સંવર આત્માને નથી હોતા, કર્મનાં પુદ્ગલોનું ગ્રહણ કરવું તે આશ્રવ અને તે પુગલોનો નિરોધ તે સંવર કહેવાય. આત્મા જે જે ભાવે કર્મ ગ્રહણ કરે છે, તે તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગરૂપ આશ્રવ કહેવાય છે અને બાર ભાવના, દશ પ્રકારનો યતિધર્મ, પાંચ પ્રકારના ચારિત્ર તથા બાવીશ પરિષહ સહન કરવા, ઇત્યાદિ જે આશ્રવનો નાશ કરનાર ભાવો છે તે આત્માના સંબંધમાં ભાવસંવર કહેવાય. આશ્રવનો નિરોધ કરનાર સંવરના સત્તાવન ભેદ છે. આશ્રવનો રોધ કરનાર જે ક્રિયા તે પણ આત્મા નથી; કેમ કે આત્મા તો પોતાના ભિન્ન આશયે કરીને અન્યની અપેક્ષા રાખતો નથી, તે તો હંમેશાં પોતે જ સામર્થ્યવાન છે. હિંસા-અહિંસાદિ જે પરપ્રાણીના પર્યાયો છે. તે તો નિમિત્ત માત્ર જ છે. પણ આત્મફળના હેતુ નથી. એટલે કે પરજીવને મારવો તે હિંસા અને તેનું રક્ષણ કરવું તે અહિંસા કહેવાય છે ઇત્યાદિ હિંસા-અહિંસાદિ પરપ્રાણીના પર્યાયો છે. તેથી પર જીવનની હિંસા-અહિંસા કરવાના સમયે તેમાં પરની અપેક્ષા આવે છે માટે તે આત્માના ચિતૂપને પ્રગટ કરવામાં કારણભૂત નથી, આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તો આત્મા પોતે જ સમર્થ છે. તેનો ધર્મ અન્યની અપેક્ષા રાખતો નથી. કિન્તુ હિંસા-અહિંસાદિ નિમિત્તભૂત હોઈ તેને સર્વથા નિષિદ્ધ માનેલ નથી.
માત્ર વ્યવહારનયમાં જ મગ્ન રહેતા જીવો આત્મસ્વરૂપ પ્રકટ કરવામાં તે અહિંસાદિકને જ હેતુ માને છે તેથી તેઓ બાહ્યક્રિયામાં જ આસક્ત રહેતા હોય છે. અર્થાત્ તેઓ તેના મર્મભૂત ગૂઢ તત્ત્વને જોઈ શકતા નથી. નિશ્ચય પક્ષવાળા કોઈવાર શુભ-અશુભના કારણભૂત હિંસાદિક હેતુઓને માને છે, ને કોઈવાર નથી પણ માનતા, કારણ કે આશ્રવ જેટલાં જ પરિશ્રવ કહ્યાં છે.
ઉ.ભા.જ-૧૯