________________
૨૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ત્રણે લક્ષણ તથા ગુણો છે; એ વાક્યમાં આત્મા શબ્દને છઠ્ઠી વિભક્તિ છે ને જ્ઞાનાદિકને પ્રથમ વિભક્તિ છે, તેથી વ્યવહાર દષ્ટિએ ભિન્નતા ગણાય પણ નિશ્ચયનયે તો અભિન્ન જ છે. તેનો ભેદ માનવાથી આત્મા અનાત્મા થઈ જાય તે જ્ઞાનાદિક ગુણો પણ જડપણું પામે એટલે જ નિશ્ચયનયને આધારે ચૈતન્ય લક્ષણવાળો એક આત્મા જ મહાસત્તાવાળો સામાન્યથી જાણવો. પણ વ્યવહારનયને આધારે એકેન્દ્રિયાદિના ભેદ કરી અનેક પ્રકારનો માનવામાં આવે છે. તે નિશ્ચયમાં ઘટી શકતું નથી. તે નામકર્મથી થયેલો ઉપાધિજન્ય ભેદ જાણવો.
વળી આત્મા કર્મની સાથે એક જ ક્ષેત્રમાં રહેવા છતાં કર્મરૂપ કર્મત્વને પામતો નથી. કારણ કે તે આત્મા ધર્માસ્તિકાયાદિની જેમ સ્થિર સ્વભાવી છે. એટલે કે આત્માનો મૂળ સ્વભાવ બદલાતો નથી. જે ઉષ્ણ અગ્નિના સંયોગે “ધી ઊનું થયું” જણાય છે તેમ મૂર્ત કર્મના સંયોગે આત્મામાં મૂર્તિપણાનો ભ્રમ થાય છે. આત્મા નજરે દેખાતો નથી. હૃદયથી ગ્રાહ્ય પણ નથી. વાણીથી વર્ણવી શકાય તેમ પણ નથી. તથા જેનું સ્વરૂપ સ્વયં પ્રકાશી છે એવો આત્મા મૂર્ત કેવી રીતે હોઈ શકે? મનોવણા, ભાષાવર્ગણા અને કાર્મણવર્ગણાના પુદ્ગલો આત્માની પાસે અને ધનાદિકથી દૂર હોય છે. છતાં તે બધાં પુદ્ગલો આત્માથી તો અકસરખાં ભિન્ન જ છે.
જેમ આત્મા પાંચે અજીવદ્રવ્યથી ભિન્ન છે, તેમ બીજા નયની અપેક્ષાએ આત્માનું અજીવપણું પણ માનેલું છે. સિદ્ધના જીવો દશ દ્રવ્ય-પ્રાણરૂપ જીવથી રહિત છે અને જ્ઞાનાદિક ભાવપ્રાણથી યુક્ત છે, માટે તેને અજીવ પણ કહ્યા છે. તેમ તે આત્માઓ પુદ્ગલમય પુણ્યપાપાદિથી પણ રહિત છે, અહીં કોઈને શંકા થઈ શકે કે પુણ્યકર્મ શુભ છે તો તે જીવને સંસારમાં કેમ રખડાવે છે? શા માટે જન્માદિ આપે છે? તેનું સમાધાન આ છે કે બેડી-લોઢાની હોય કે સોનાની પણ એ જેને વળગી હોય તેને પરતંત્રપણું સમાન હોઈ બંધનરૂપ ફળમાં કશો જ ફરક પડતો નથી. તેમ પુણ્યફળ કર્મોદય કરનાર હોઈ દુઃખરૂપ જ છે પણ મૂઢ જીવોને શુભકર્મના ઉદયથી દુઃખનો પ્રતિકાર થાય છે. તેથી તે સુખરૂપ ભાસે છે. ડુક નામના બ્રાહ્મણે પોતાના પોષણ માટે પુષ્ટ કરેલા બકરાની જેમ, નરેન્દ્ર દેવેન્દ્રનાં સુખ પણ પરિણામે દારૂણ વિપાકવાળાં છે, એટલે કે અંતે અતિ દુઃખદાયી છે. લોહીના પાનમાં સુખ માનતી જળોની જેમ વિષયોથી સુખ માનતા મનુષ્યો પરિણામે મહાઅનર્થને જ પામે છે.
જેમ અત્યંત તપેલા તવા ઉપર પાણીનું બિન્દુ પડતાં જ સુકાઈ જાય છે તેમ સતત ઉત્સુકતાથી તપેલ ઈન્દ્રિયોને સુખનો લેશ પણ ક્યાંથી હોય ! અર્થાત્ ઔસુક્યથી ઈન્દ્રિયો સતત અસંતપ્ત રહેતી હોય છે. જેમ કોઈ માણસ પોતાના એક ખભા પરથી ભાર બીજા ખભા ઉપર મૂકે છે. જેથી ઉપાડવામાં રાહત રહે છે પણ તેથી કાંઈ ભાર ઓછો થઈ જતો નથી. તેમ દુઃખનું વિસ્મરણતા થતાં ઇન્દ્રિયસુખનો અનુભવ થયો પણ ખરેખર તો દુઃખના સંસાર ગયા ન હોવાથી દુઃખ તો પાછું આવવાનું જ છે. કારણ કે તાત્વિક રીતે દુઃખ ગયું જ નથી. ઇન્દ્રિય સંબંધી ભોગોને જ્ઞાનીઓએ ક્રોધિત થયેલા સર્પની ફણાની ઉપમા આપી છે. તે કારણે ભોગથી ઊપજેલાં સમસ્ત સુખ, વિલાસના ચિહ્નરૂપ હોવા છતાં વિવેકી જીવો માટે તો ભયના જ હેતુઓ છે.