________________
૨૭૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - ઉચિત એવી શુભ ક્રિયાને ઇચ્છતા માણસે સહુથી પહેલાં મનની શુદ્ધિ કરવી જોઈએ. કારણ કે રોગી માણસની મળશુદ્ધિ કર્યા વિના આપેલું રસાયણ પણ કાંઈ ગુણ કરી શકતું નથી.
મનરૂપી પવન એવો બળવાન છે કે તે જિનેશ્વરદેવના વચનરૂપી ઘનસારને ચોરી જાય છે. કામદેવરૂપી આગને અજવાળે છે અને શુભમતિરૂપ વૃક્ષોને ઉખેડી ફેંકે છે. મન જ્યારે અતિ ચપળ હોય છે ત્યારે આંખ, મોટું વચન અને હાથ આદિની ચેષ્ટા ઊંધી જ થતી હોય છે. અહો ઘોર દંભને આચરનારા માણસોએ આવી ધૂર્તતાથી જ આખા સંસારની આંખમાં ધૂળ નાંખી છે. માટે પ્રથમ તો વ્યવહારનયમાં રહીને અશુભવિકલ્પની નિવૃત્તિ કરવી કેમ કે શુભ વિકલ્પમય વ્રતની સેવનાથી અશુભ વિકલ્પ દૂર થાય છે, જેમ એક કાંટો બીજા કાંટાને કાઢે છે તેમ. ત્યાર બાદ સુવર્ણની જેવા નિશ્ચયનયની દઢતા થવાથી વ્યવહારનયની મર્યાદા દૂર થાય છે, ને કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ વિના સર્વ નિવૃત્તિઓ સમાધિને માટે જ થાય છે. પરંતુ કદાગ્રહના વશ પડવાથી ચિત્તશુદ્ધિ થતી નથી, મિથ્યાત્વની હાનિ થતી નથી ને તત્ત્વની પ્રાપ્તિ પણ થતી નથી. જેના અંતઃકરણમાં કદાગ્રહનો અગ્નિ બળતો હોય ત્યાં, તત્ત્વવિચારણા સ્વરૂપ વેલડી ક્યાંથી ટકી શકે ? ત્યાં શાંતિરૂપ ફૂલ અને હિતોપદેશરૂપ ફળ તો હોય જ ક્યાંથી? નિતવોએ અનેક વ્રતો આચર્યા, વિભિન્ન તપસ્યાઓ કરી, પ્રયત્નપૂર્વક શુદ્ધ આહારાદિની ગવેષણા (ગ્રહણ) કરી, છતાં તેમને કશી જ ફળપ્રાપ્તિ થઈ નહીં.
અહીં માત્ર કદાગ્રહનો જ દોષ છે. માટે કદાગ્રહના ત્યાગથી જ ક્રિયાયોગ અને જ્ઞાનયોગ શુદ્ધિ થાય છે. ક્રિયાયોગ શરીરાદિની અસ્થિરતાનો નાશ કરવામાં સમર્થ છે તો જ્ઞાનયોગ મનોનિયંત્રણ અને ઇન્દ્રિયોનું દમન કરી આત્મસ્વરૂપમાં રમણતા લાવનાર છે. અપ્રમત્ત ગુણઠાણે વર્તતા મુનિરાજો ધ્યાનથી જ શુદ્ધ છે તેથી તેમને આવશ્યકાદિ ક્રિયા કરવાનું નિયતપણું નથી. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
यश्चात्मरतिरेव, स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥१॥
અર્થ - જે આત્માનંદી છે, જેનો આત્મા જ તૃપ્ત થયેલો છે, ને જે પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે તેને કાંઈપણ કરવાનું શેષ રહેતું નથી. જ્ઞાનયોગમાં ગમા-અણગમારૂપ રતિ-અરતિનો પ્રવેશ જ નથી. જ્ઞાનયોગમાં આનંદ-ગ્લાનિનો અવકાશ શાસ્ત્રમાં નિષિદ્ધ જણાવ્યો છે. કારણ કે તેને ધ્યાનનું જ આલંબન હોઈ રતિ-અરતિરૂપ ક્રિયાનો વિકલ્પ જ નથી. તથા માત્ર શરીર નિર્વાહ અર્થે ગોચરી આદિ જે કાંઈ ક્રિયાઓ જ્ઞાનિ પુરુષો કરે છે, તે પોતે નિઃસંગ હોવાને લીધે ધ્યાન વિઘાત કરનારી નથી થતી. માટે સુબુદ્ધિશાળી જ્ઞાનીઓએ મનની નિશ્ચલતાપૂર્વક સમગ્ર વિષયોનું દમન કરવા માટે શાસ્ત્રવિધિ અનુસાર ક્રિયાઓ કરી છે. કેમ કે નિશ્ચયમાં લીન થયેલા જ્ઞાનીને ક્રિયાનું અત્યંત પ્રયોજન નથી, પણ વ્યવહાર દશામાં રહેલા જીવોને માટે તો તે તે ક્રિયાઓ