________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - જેનો પાર નથી એવા પારાવાર (સમુદ્ર)નો પાર પામી શકાય છે - કિંતુ સ્વભાવથી જ વક્ર એવી નારીના સ્ત્રીચરિત્રનો પાર પામી શકાતો નથી.
આ સાંભળી હસતાં રાજાએ કહ્યું “ભગવન્! કવિઓનો વિહાર અગમ્ય છે. તેઓ મેરુને કાંકરા તુલ્ય અને કાંકરાને મેરુ તુલ્ય કરી શકે તે વાત સત્ય લાગે છે. કહ્યું છે કે –
कविजन कबहु न छोडिये, जो होय हियडे सान । मेरु टाली कर्कर करे, कर्कर मेरु समान ॥
અર્થ:- આ ઉક્તિ પ્રમાણે આપે પણ આપના કવિહૃદયનો જ પરિચય આપ્યો છે. કેમ કે સ્વભાવથી જ ડરપોક આ અબળાનું ચરિત્ર અતિગહન બતાવી આપે કવિજનોની કાવ્યકુશળતાનો સુંદર ચિતાર કર્યો છે.
આ બાબત રાજાની જીદ જાણી ગુરુશ્રીએ કહ્યું: રાજા! આ કવિત્વનું કૌશલ્ય નથી પણ નિર્ભેળ સત્ય છે. પૂર્વના અનેક આચાર્યોએ આ બાબત ઘણું નિરૂપણ કર્યું છે. ઇતિહાસમાં પણ ઘણા કિસ્સાઓ બનેલા છે. તમારી ઇચ્છા હોય તો એકાદ સાંભળો -
પરકાયપ્રવેશ આદિ અનેક વિદ્યાવાળા મહારાજ વિક્રમ અવંતીનગરીમાં રાજ્ય કરતા હતા. તેમની સભામાં એકવાર એક પંડિતે કહ્યું કે -
अश्वप्लुतं माधवगर्जितं च, स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्यम् । अवर्षणं चापि च वर्षणं च, देवो न जानाति कुतो मनुष्यः ॥१॥
અર્થ - ઘોડાનો અવાજ, વૈશાખની ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય, સુકાળ અને દુષ્કાળ આવી બાબતમાં દેવ પણ કાંઈ જાણી શકતા નથી તો માણસનું શું ગજું?
આ સાંભળી વિદ્વાન રાજાએ કહ્યું : “પંડિત ! બીજું બધું તો ઠીક પણ સ્ત્રીચરિત્રની તમે ગહનતા કહી તેમાં ન જાણવા જેવું શું છે? આ વાત મારા ગળે ઊતરતી નથી.” પંડિતે કહ્યું: “આ શ્લોકમાં શંકા રાખવા જેવું નથી.' રાજાએ કહ્યું: “હું આ બાબતની પરીક્ષા કરી તમને પારિતોષિક આપીશ.” પંડિતે “સારું' કહી વિદાય લીધી. રાજા એકવાર રાતે નગરચર્યા જોવા નીકળ્યા. અંધારામાં ફરતા રાજાએ એક હવેલીની છત પર તિલકશ્રી અને કનકશ્રી નામની બે સખીનો આ પ્રમાણે વાર્તાલાપ સાંભળ્યો. તિલકશ્રીએ પૂછયું : “કનકશ્રી તું પરણી પતિના ઘરે જઈશ પછી ત્યાં શું કરીશ? તેણે ઉત્તરમાં કહ્યું -
शय्योत्पाटनगेहमार्जनपयःपावित्र्यचुल्लीक्रियास्थालक्षालनधान्यपेषणभिदागोदोहतन्मन्थनैः । पाकैस्तत्परिवेषणैः समुदितैर्भाण्डादिशौचक्रियाकार्यैर्भर्तृननान्दृदेवृविनयैः कष्टं वधूर्जीवति ॥१॥