________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૭૧ અર્થ :- પથારી પાથરવી-ઉપાડવી, વાસીદુ વાળવું, પાણી ગળવું, સગડી-ચૂલો સળગાવવો, વાસણ ધોવાં, અનાજ સાફ કરવાં, ખાંડવાં, દળવાં, ભરડવાં આદિ કરવું. ગાય દોહવી, દૂધ-દહીં, છાશ આદિની પળોજણ કરવી. રાંધવું, પીરસવું, બધાં વાસણો માંજવાં આદિ શૌચક્રિયા કરવી. ધણી, નણંદ, દેવર આદિનો વિનય કરવો. આ બધું જોતાં એમ લાગે છે કે ઘરની વહુ દુઃખે કરી જીવે છે. અર્થાતુ વહુનું જીવન દુઃખમય હોય છે. પણ કુળવધૂએ પોતાના અને કુળના ગૌરવ માટે બધું કરવું જ રહ્યું. હું તો બધી રીતે મારા પતિના ચિત્તને અનુકૂળ વર્તન કરીશ. તેમને ને ઘરને સારી રીતે સાચવીશ.”
આ સાંભળી તિલકશ્રી બોલી : “તું તો સાવ ભોળી છે. તે જોજે તો ખરી? કે હું કેવા કલ્લોલ કરું છું. હું તો તારા કહ્યાથી સાવ વિપરીત જ કરીશ.” આ બધી વાત સાંભળી રાજા મહેલમાં આવ્યો ને સવારે તિલકશ્રીનું માગું કરી પરણ્યો. તેના વાણી વર્તનથી તે સ્વચ્છેદ જણાતી હતી ને તેના ચરિત્રની રાજએ પરીક્ષા કરવી હતી. તેને એક થાંભલા પર બનેલા મહેલમાં રાખી અને તે મહેલમાં પુરુષ માત્રનો પ્રવેશ નિષેધ્યો. ત્યાં દરેક કાર્ય સ્ત્રીઓ જ કરતી. પુરુષનો પડછાયો પણ મહેલ પર ન પડી શકતો. એકવાર તે મહેલની નીચે કોઈ કામાનંદ નામના સાર્થવાહે વિસામો કર્યો. તિલકશ્રી અને યુવાન સાર્થવાહની નજર મળી ને અનુરાગ થયો. તેણે સંકેત કર્યો, તે મુજબ કામાનંદે ધરતીમાં સુરંગ કરાવીને તે માર્ગે રાજાની અનુપસ્થિતિમાં તે મહેલમાં જવા લાગ્યો અને રાણી તિલકશ્રી જોડે રમવા લાગ્યો. આમ એ બન્નેનો સમય સુખમાં વિતવા લાગ્યો.
એકવાર રાજા સભામાં બેઠો હતો. તે વખતે ધનનાથ નામનો યોગી ભિક્ષા માટે ચૌટામાં ભ્રમણ કરતાં બોલવા લાગ્યો કે “સબ જગ ભીના એક જ કોરી.” આ વારે વારે એક જ વાત સાંભળી રાજાએ એના મર્મનો અર્થ તારવ્યો કે ખરે જ આ યોગી પોતાની એકમાત્ર સ્ત્રીને જ સતી માનતો આમ બોલી રહ્યો છે. માટે આની ચર્યા જેવી જોઈએ. સાંજે જ્યારે ભિક્ષા લઈ એ યોગી પોતાના રહેઠાણ તરફ પાછો ફર્યો ત્યારે રાજા પણ માખીનું રૂપ લઈ તેની પાછળ પડી ગયો. યોગીના હાથમાં પુષ્પ, અત્તર, તાંબુલ, પકવાન આદિ હતાં. આગળ યોગી ને પાછળ ઊડતી માખી બને ચાલ્યા જાય છે. ગામની સીમાથી થોડે દૂર સિદ્ધવડની નીચેની મોટી શિલા ઊંચી કરી તેની નીચેના ભોંયરામાં યોગી ને તેની પાછળ માખી બનેલો રાજા પેઠો. હાથની વસ્તુ ઉચિત સ્થાનમાં મૂકી યોગીએ જટામાંથી એક માદળિયું કાઢ્યું. તેમાંની ભસ્મમાંથી એક યુવતી પ્રગટ કરી, તેની સાથે ઈચ્છાપૂર્વક આનંદ-કીડા કરી થાકેલો યોગી સૂઈ ગયો. યોગીને ઊંઘ આવતાં જ એ યુવતી ઊભી થઈ. તેણે પોતાના ગળામાં રહેલા માદળિયામાંથી એક યુવાન ઉત્પન્ન કર્યો ને તેની સાથે આખી રાત ક્રીડા કરી. યોગી જાગે તે પૂર્વે તે પુરુષને પાછો ભસ્મરૂપે બનાવી માદળિયામાં નાંખ્યો ને તેને ગળામાં પહેરી લીધું, ને યોગીની પાસે સૂઈ ગઈ. યોગીએ પણ સ્ત્રીને ભસ્મ કરી માદળિયું જટામાં ગોષવી દીધું. આ બધું જોઈ રાજાના આશ્ચર્યનો પાર જ ન રહ્યો, રાજા પાછો ફર્યો ને પોપટનું રૂપ લઈ તિલકથ્વીના મહેલમાં આવી બેઠો. થોડીવારે રાણીએ સાંકળ ખખડાવી તેથી કામાનંદ અંદર આવ્યો ને રાણી તેની સાથે વિલાસ કરવા લાગી.