________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૭૩ પતિ સાથે બળી મરવા તૈયાર થઈ, ત્યારે રાજાએ આવી તેને સમજાવતાં કહ્યું “બાઈ ! માત્ર લોકોને છેતરવા માટે તું આવું અજ્ઞાની જીવને યોગ્ય આચરણ કેમ કરે છે?”
આનંદઘનજી મહારાજે પણ કવિત ગાયું છે કે – કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મીલશું કંતને ધાય; એ મેળો કદીય ન સંભવે રે, મેલો ઠામ ન થાય. ઋષભo !
હે ભોળી ! આમ બળી મરવાથી ઇચ્છિતની પ્રાપ્તિ થતી હોય તો દીપકની જ્યોતમાં પડી બળી મરનાર પતંગિયાનો તો ઉદ્ધાર જ થઈ જાય. પૂર્વોપાર્જિત કર્માનુસાર જીવો મરીને અન્ય ગતિ-જાતિમાં ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે પતિ-પત્ની પણ મરીને ઉચ્ચ-નીચ ગતિને પામે છે ને તેમને સંખ્યાતા કે અસંખ્યાતા યોજનાનું પરસ્પર અંતર પણ પડી જાય છે. પરિણામે તેઓ ભેગા થવાની સંભાવના પણ રાખી શકતા નથી તો શા માટે સળગીને જીવતા રાખ થાય છે? તારા અજર-અમર આત્માનો અવિનાશી ભગવાન સાથે સંબંધ બાંધ ઈત્યાદિ ઘણી રીતે સમજાવવા છતાં તે સ્ત્રીએ હઠ ના છોડી ત્યારે રાજાએ ધીરે રહી કાનમાં ઠપકો આપતાં કહ્યું “રાતે તો પેલા આચારહીન ગવૈયા સાથે ગેલ કરતી'તી ને અત્યારે સતી થવા તૈયાર થઈ છે? - - આ સાંભળતાં જ વિફરીને વિકરાળ થયેલી તે બાઈએ ઊભા થઈ લોકો સમક્ષ જોરથી કહ્યું “અરે નગરજનો ! હું તો સમજતી હતી કે રાજા કુમારપાળ જેવો ધર્મી કોઈ થયો નથી. પણ આણે તો ગજબ કર્યો. મને કાનમાં કહે છે કે તું આવી સુંદર ને યુવાન થઈ શા માટે બળી મરે છે. તું મારે ત્યાં રહે હું તને પટરાણી કરીશ. પણ ઓ રાજા ! કાન ખોલીને સાંભળી લો. હું બાળપણથી જ પતિવ્રતા ને સીતા આદિ સતીની હરોળને યોગ્ય છું. મને તો કદી ભોગની ઇચ્છા જ થઈ નથી. તમે રાજા થઈ આટઆટલું સુખ પામી ને હજી સંતોષ નથી. શરમ આવવી જોઈએ.” આટલું કહી તે ચિતા ઉપર ચડી ને લોકોમાં રાજાની નિંદા થવા લાગી. રાજાએ વજાઘાતનો આંચકો અનુભવ્યો ને વ્યથા પામી મહેલમાં આવ્યો. વાયુની જેમ નગરમાં વાત પ્રસરી ગઈ કે સતી માતાને પણ રાજાએ હલકાં વચનો કહ્યાં. લોકો ટોળે મળી વાતો કરતા કે અમે રાજાને આવા ધાર્યા નહોતા. રાજાના દુઃખનો પાર નહોતો. ગુરુમહારાજે મહેલમાં આવી રાજાને પૂછ્યું “કેમ રાજા ! જોયું ને સ્ત્રીચરિત્ર ?” રાજાએ કહ્યું, “ગુરુભગવંત ! આપની આજ્ઞાભંગ કરવાનું ફળ મળી ગયું, આ કલંકિત જીવનથી તો મૃત્યુ જ સારું છે, માટે અનશન કરવું જ ઉચિત છે.' ગુરુમહારાજે કહ્યું : “રાજા! તમે શા માટે ખેદ કરો છો? તમે તો જન્મથી જ પરનારી સહોદર છો. પરમાર્થ એટલો જ છે કે તમે હવે પરમાત્માના વચનમાં દઢ પ્રતીતિ રાખો અને સ્વમતિની સ્વચ્છંદતાનો ત્યાગ કરી શાસ્ત્રનાં વચનો ઉપર શ્રદ્ધાવાન બનો. એક સામાન્ય વાતને લઈ, એક નાના વાક્યને લઈ, આવી અસ્થિરતા તમે બતાવી. તમે આટલા ચંચળ થઈ ગયા તો પછી શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોના સ્વરૂપમાં - જ્યાં અતિનિપુણ બુદ્ધિ પણ પોતાનું નૈપુણ્ય નથી બતાવી શકતી ત્યાં તમારા મનની સ્થિરતા રહેશે કેવી રીતે ?' રાજાએ કહ્યું : ભગવંત મારો અપરાધ ક્ષમા કરો. વારે વારે હું ક્ષમા માંગું છું