________________
૧૦૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનનો ઉપયોગ મૂકીને કહ્યું : “હે અગ્નિદત્ત ! એ બાવીશ મિત્રો ખરાબ વિચાર કરતાં – કરતાં મૃત્યુ પામ્યા છે. અંતિમ ક્ષણોમાં બધા જ કામલતા વેશ્યાની કામના કરતા હતા. આથી મરીને તેઓ બધા એક સાથે એ વેશ્યાના જમણા સ્તનમાં, પોતે જ કરેલા નખક્ષતમાં કૃમિપણે ઉત્પન્ન થયા છે.
સ્તનમાં અસહ્ય વેદનાથી વેશ્યા પીડાવા લાગી. તેણે અનેક ઉપચારો કરાવ્યા. છેવટે એક કુશળ વૈદે તેના સ્તનને કાળજીથી ચીરીને તેમાંથી હાડ, માંસ અને લોહીમાં ખદબદતા એ બાવીશ બેઇન્દ્રિય કીડાઓને બહાર કાઢીને પાણીના પાત્રમાં મૂક્યા. વેશ્યાએ તે કીડાઓ જોયા તો પૂર્વભવના સ્નેહના કારણે તેને એ કીડાઓ પર દયા આવી. આથી તેણે જાતે એ કીડાઓને પૂરતી સંભાળ રાખીને, એક મરેલા કૂતરાના શબમાં મૂકી આવી. એ કીડાઓ કૂતરાના શબમાં તાપ, સુધા અને તરસથી રિબાઈને એક જ અંતર્મુહૂર્તમાં મૃત્યુ પામ્યા છે.
એ કીડાઓ હવે ત્યાંથી સાધારણ વનસ્પતિકાયમાં મોથ જાતિના કંદમાં ઉત્પન્ન થશે. ત્યાં તે કંદને ખોદતા તે મરીને પૃથ્વીકાય આદિમાં પાંચેય ઇન્દ્રિયમાં જઘન્ય અને મધ્ય સ્થિતિના આયુષ્યવાળા થશે. ત્યાંથી મારીને કામલતા વેશ્યાના ઉદરમાં કરમિયા થશે. ત્યાં વિરેચનના પ્રયોગથી તેઓ મરણ પામીને મળદ્વારે બહાર નીકળશે અને વેશ્યાની વિષ્ટામાં જ તેઇન્દ્રિયપણે ઉત્પન્ન થઈને અંતર્મુહૂર્તમાં મરીને ફરીથી તેની જ વિષ્ટામાં ચૌરેન્દ્રિયપણે ઉત્પન્ન થશે. આમ એ કીડાઓ તે જ વેશ્યાની વિષ્ટામાં મૂત્રમાં, ઘૂંકમાં, બડખામાં અને લીંટમાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયપણે સાત-સાત વાર ઉત્પન્ન થશે. એ પ્રમાણે તેઓ સૌ ઓગણત્રીસ ભવ કરશે.
ત્રીસમા ભવે તે બાવીસ જીવો તે જ વેશ્યાના ઘરની ખાળમાં સંમૂચ્છિમ દેડકા થશે. ત્યાં બેથી નવ દિવસનું આયુષ્ય ભોગવીને એકત્રીસમા ભવમાં તે વેશ્યાના ઘરમાં ઉંદર થશે. ત્યાંથી બેથી નવ માસનું આયુષ્ય ભોગવીને બત્રીસમા ભવે તે વેશ્યાના આંગણામાં ભૂંડ થશે. ત્યાં પણ બેથી નવ માસનું આયુષ્ય ભોગવીને તેત્રીશમા ભવે અવન્તી નગરીમાં ચાંડાળકુળમાં ઉત્પન્ન થશે. એ બાવીસ ચાંડાળો હુંડ સંસ્થાનવાળા, લાંબા દાંતવાળા મોટા પેટવાળા ગળી જેવા કૃષ્ણ વર્ણવાળા જોવા પણ ન ગમે તેવા પોતાના નીચ કર્મમાં કુશળ થશે. તે અગ્નિદત્ત! એ અરસામાં વૃદ્ધ થયેલ કામલતા વેશ્યા તાપસી દીક્ષા લઈ કાશી દેશમાં ગંગા નદીના કાંઠે રહેતા તાપસી પાસે આવશે. તેમની પાસે એ વેશ્યા શૌચમૂળ ધર્મ અંગીકાર કરશે. ત્યાર પછી તે ફરતી-ફરતી અવંતી દેશમાં સીપ્રા નદીના કાંઠે આવશે અને ત્યાં તે શૌચમૂળ ધર્મની પ્રરૂપણા કરશે ને કહેશે :
હે મનુષ્યો ! શૌચમય ધર્મ બે પ્રકારનો છે. દ્રવ્યશૌચ અને ભાવશૌચ. પાણી અને ધૂળથી દ્રવ્યશૌચ થાય છે અને દર્ભ તથા મંત્રથી ભાવશૌચ થાય છે. જે કંઈપણ અપવિત્ર-મેલું-ગંદુ થયું હોય તે સર્વને ધૂળ-માટી લગાડીને ચોખ્ખા પાણીથી ધોવું જોઈએ. તેમ કરવાથી વસ્તુ શુદ્ધ થાય છે. આ પ્રમાણે નિરંતર સાતવાર પાણીથી શુદ્ધ કરવાથી જીવો મોક્ષપદને પામે છે.”
ઉ.ભા.
જ-૮