________________
૧૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ લાભ થયો છે તે જ પર્વની આરાધના આ ભવે પણ તમે રૂડી રીતે કરો. કારણ કે ઔષધથી વ્યાધિ જાય તે જ ઔષધ બીજી વાર પણ એ જ વ્યાધિ માટે લેવું જોઈએ અને શાસ્ત્રોમાં કહ્યું છે કે -
विधिना मार्गशीर्षस्यै-कादश्यां धर्ममाचरेत् ।
य एकादशभिर्व-रचिरात् स शिवं भजेत् ॥ “માગસર માસની સુદ અગિયારસનું જે અગિયાર વરસ સુધી વિધિપૂર્વક આરાધન કરે છે તે શીધ્ર મુક્તિને પામે છે.”
સુવ્રતશેઠે ત્યાર પછી ઘણા ઉલ્લાસથી મૌન એકાદશી પર્વનું આરાધન શરૂ કર્યું. આવા એક દિવસની વાત છે. સુવ્રતશેઠે સપરિવાર ઉપવાસ અને મૌનપૂર્વક મૌન એકાદશીએ પૌષધ કર્યો. બધા પૌષધશાળામાં હતા. તેમનું ઘર આથી સૂનું હતું. ચોરોએ આ તકનો લાભ લીધો, ઘરમાં ઘૂસી જઈને જેટલું બંધાય તેટલું બાંધવા માંડ્યું. પોટલાં બાંધી માથે મૂકીને ઘર બહાર નીકળવા લાગ્યા. પરંતુ આશ્ચર્ય ! કોઈ ચોરથી એક ડગલું આગળ વધી ન શકાયું. બધા જ ચોર ખંભિત બની ગયા. ને હાથ હલાવી શકાય, ન પગ છૂટો કરી શકાય. આ વેદનાથી તેઓ ચીસો પાડી ઊઠ્યા. ચીસો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા. જોયું તો બધા ચોરો. તેમણે તરત જ રાજાને ખબર કરી. કોટવાળો દોડી આવ્યા. તેમણે બધાને બાંધી લીધા અને કારાવાસમાં લઈ જવા ખેંચ્યા. દોરડું ખેંચાતાં જ બધા ચોરો આપોઆપ ચાલવા લાગ્યા.
સુવ્રતશેઠ સપરિવાર સવારે ઘરે આવ્યા. રાતની બધી વિગતની તેમને જાણ થઈ. આ માટે તેમણે વ્રતની અનુમોદના કરી. આ મૌન એકાદશી વ્રતનો જ પ્રભાવ કે ચોરો એક તણખલું પણ ન લઈ જઈ શક્યા ! ત્યાં સુવ્રતશેઠને વિચાર આવ્યો : “ચોર બધા રંગેહાથ પકડાઈ ગયા છે. આથી રાજા જરૂર તેમનો વધ કરશે. નહિ, નહિ, તેમને બધાને મારે બચાવી જ લેવા જોઈએ અને સુવ્રતશેઠ વિના વિલંબે રાજા પાસે પહોંચ્યા. તેમને ભેટશું ધર્યું અને ચોરોને હેમખેમ છોડી મૂકવા માટે આગ્રહભરી વિનંતી કરી અને એ ચોરોને સહી સલામત છોડી મુકાયા. પછી જ તેમણે ઉપવાસનું પારણું કર્યું.
બીજા વરસે એકાદશીએ પૌષધશાળાવાળા લત્તામાં પ્રચંડ આગ લાગી. જીવ બચાવવા લોકોએ નાસભાગ કરી મૂકી. મકાનો બધાં ભડભડ બળવા લાગ્યાં. આગ કાબૂમાં આવવાના બદલે વધતી ગઈ. વધતી-વધતી તે પૌષધશાળામાં આવી તે પણ બળવા લાગી. લોકોએ બૂમાબૂમ કરી મૂકી : “સુવ્રત શેઠ ! સુવ્રત શેઠ ! ભાગો, જલદી ભાગો, આગ લાગી, આગ લાગી છે. પૌષધશાળા ભડકે બળી રહી છે. જલદી દોડો અને જીવ બચાવો.”
પણ સુવ્રતશેઠ પૌષધમાં અને મૌનમાં સ્થિર રહ્યા. તેમણે કશી જ હાયવોય ન કરી. કાયોત્સર્ગમાં એ સ્થિર ઊભા રહ્યા અને આત્મધ્યાનમાં લયલીન જ રહ્યા.