________________
૨૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ થાય તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય. આવા વૈરાગી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં પાછા વૈરાગ્યથી ભ્રષ્ટ પણ થઈ જાય. આવા જીવો નિરસ તર્ક, સાહિત્ય, દોધક, ગીત રૂપક આદિ જે કાંઈ બોલે, સાંભળે કે ચિંતવે તે બધું તેમની નાસીપાસીનું જ દ્યોતક હોય છે. અર્થાત ઈષ્ટ પદાર્થની અપ્રાપ્તિનો તે ધ્વનિ હોય છે. કોઈ વાર એ ભાવના લોકો સમક્ષ પ્રકટ પણ થઈ જાય છે કે અહો આ સંસાર અસાર છે. દુર્દેવે મારો તો સર્વ નાશ કર્યો. મૃત્યુએ આખા કુટુંબનો ગ્રાસ કર્યો. ઘણા યત્નો કર્યા પણ સફળતા ન મળી તે ન જ મળી. આ સંસારને ધિક્કાર છે. આમ અનેકવાર બોલે પણ બોલવાનું કારણ તો ઇષ્ટ પદાર્થની અપ્રાપ્તિ જ હોય છે. માટે તે કોઈ રીતે સાર્થક થતું નથી. માટે આ વૈરાગ્ય પારમાર્થિક નથી. આવા વૈરાગ્ય તો જીવને અનેકવાર થતા હોય છે પણ તેનું કશું સારું ફળ આવતું નથી.
કોઈને અહીં શંકા થાય કે આ દુ:ખગર્ભિત વૈરાગ્ય વ્યર્થ છે તો તેની વૈરાગ્યમાં ગણતરી જ શા માટે કરવી? તે બાબત ઉત્તર આપતાં ભગવાને ફરમાવ્યું છે કે “આ વૈરાગ્ય પણ ક્યારેક બીજનું કામ કરી જાય છે. આમાંથી પારમાર્થિક વૈરાગ્ય પણ ઊપજી શકે છે ને જીવનું કલ્યાણ થઈ શકે છે માટે આવી ગણતરી વૈરાગ્યમાં કરાઈ છે. આ વૈરાગ્યવાનને સારા સંયોગો શીધ્ર અસર કરી જતા હોય છે.
બીજો મોહગર્ભિત વૈરાગ્ય કુશાસ્ત્રના અભ્યાસને સંસ્કારથી ઊપજેલા સંસારની અસારતાના દર્શનથી બાળતપસ્વીઓને થાય છે. તામલી તાપસ, પૂરણ, વલ્કલચીરી ને પ્રસન્નચંદ્ર રાજર્ષિના પિતા સોમચંદ્ર તાપસ આદિને આ બીજો વૈરાગ્ય હતો. પૃથ્વી આદિ જીવોના સ્વરૂપનું વસ્તુતત્ત્વથી વિપર્યયપણે (ઊંધું) ગ્રહણ કરવાને કારણે તેમનો વૈરાગ્ય અજ્ઞાન (મોહ) ગર્ભિત કહેવાય છે. જૈનોમાં પણ જેઓ વિરુદ્ધ અર્થ કહેનારા છે, સિદ્ધાંતનો અભ્યાસ કરી તેના ઉપર જેઓ જીવન નિર્ભર કરે છે, જીવિકા ચલાવે છે, તેમજ જેઓ અલ્પશક્તિવાળા છતાં પણ પોતાનો અનાચાર ગુપ્ત રાખવા મોટા ડોળ અને દેખાવપૂર્વક ક્રિયા કરતા હોય છે, તેમનો વૈરાગ્ય પણ પારમાર્થિક વૈરાગ્ય નથી. કેમ કે –
अमीषां, प्रशमोऽप्युच्चैः दोषपोषाय केवलम् । अन्तर्निलीनविषम-ज्वरानुभवसन्निभः ॥१॥
અર્થ:- અંદર રહેલા વિષમ (જીર્ણ) જ્વર-તાવના અનુભવની જેમ આ જીવોનો વૈરાગ્ય માત્ર અનેક દોષને પોષનાર જ હોય છે.
ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહ્યો છે. આ વૈરાગ્ય જે સ્યાદ્વાદ સિદ્ધાંત સમજનારની બુદ્ધિ સ્વ અને પર આગમમાં યથાસ્થિત પ્રવર્તતી હોય તેને થાય છે. કોઈ જીવને વિરક્ત છતાં પણ શાસ્ત્રના અભ્યબોધથી કોઈ એક પક્ષમાં તણાઈ જવાથી એકાંત નય માનવાનો કદાગ્રહ થઈ આવે છે તેનો વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત નથી કહેવાતો. કહ્યું છે કે -