________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૫૯ એકવાર વિશ્વવત્સલ ભગવાન મહાવીદેવ ચંપાનગરીના પૂર્ણભદ્રચૈત્યમાં પધાર્યા. દેવોએ અભુત સમવસરણની રચના કરી. તે તરફ લોકો ઊલટભર જતા હતા. તે જોઈ કોઈને કામદેવે પૂછયું : “આ બધાં આટલા ઉલ્લાસથી આમ ક્યાં જઈ રહ્યા છે?” જાણવા મળ્યું કે શ્રમણ ભગવાન મહાવીરદેવ સમવસર્યા છે. તેમની અધ્યાત્મદર્શન કરાવતી સ્યાદ્વાદ સિદ્ધાંતવાળી વાણી અનેક પાપ-સંતાપનો નાશ કરે છે. તેમનાં દર્શન માત્રથી અદ્ભુત શાંતિ મળે છે.”
આ સાંભળી કામદેવને પણ દર્શન અને દેશનાશ્રવણના ભાવ જાગ્યા. તે પણ ભગવંતના ચરણમાં ઉપસ્થિત થયા. પરમાત્માની વાસ્તવિક પરિસ્થિતિ સમજાવતી વાણી સાંભળી કામદેવ બોધ પામ્યા. તેમને વાણીની પ્રતીતિ થઈ, ને તેઓ પ્રભુના શ્રાવક થયા. ઘેર આવ્યા પછી આનંદોલ્લાસનું કારણ બતાવતા પત્ની ભદ્રાને જેમ આણંદ શ્રાવકે શિવાદેવી ભાર્યાને કહ્યું હતું તેમ ધર્મપ્રાપ્તિનું સૌભાગ્ય કહી સમજાવ્યું. તેથી ભદ્રાશેઠાણી પણ ઉછરંગપૂર્વક સમૃદ્ધિ સાથે ભગવાન પાસે ધર્મ સાંભળવા ગઈ અને ધર્મ સ્વીકારી શ્રાવિકા થઈ ઘરે આવી. ધર્મપ્રાપ્તિથી તેઓને ઘણો જ પ્રમોદ થયો. તેઓ નિરંતર ધર્મકરણી કરતાં-જિનપૂજા-ગુરુ ઉપાસના-આદિમાં રત રહેતા. આમ કરતાં ચાર વર્ષ વીતી ગયાં.
એકવાર મધ્યરાત્રિએ કામદેવ જાગી ગયા ને આત્મતત્ત્વના વિચારે ચડ્યા. તેમના માટે ધર્મજાગરિકાની રાત્રિ થઈ. તેમણે વિચાર્યું “જીવન એમ જ વીતી જવા આવ્યું. શ્રમણધર્મ વિના ઉચ્ચ કોટિનો ધર્મ આચરાતો નથી. ક્યારે સર્વવિરતિ પામીશ? હવે હું વ્યવહાર-સંસારકાર્યથી ખસી શ્રાવકની ૧૧ પ્રતિમાની આરાધના કરું.” ને સવારે પુત્રાદિને કાર્યભાર ભળાવી પોતે પૌષધશાળામાં દર્ભનો સંથારો કરી શ્રી જિનેશ્વરદેવના ધ્યાનમાં નિશ્ચલ થઈ બેઠા. આણંદ શ્રાવકની જેમ તેમણે પણ શ્રાવકની પ્રતિમા આદરી. એક રાત્રિએ કામદેવ પોતાના શુભ અધ્યવસાયમાં વર્તતા બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્ર દેવોથી ભરેલી સભામાં કામદેવની અડગતા, ધર્મરૂચિ, શ્રદ્ધાની તેમજ વૈદિની પ્રશંસા કરી. આ વાતની શ્રદ્ધા ન થતાં એક દેવ કામદેવની પરીક્ષા લેવા આવ્યો. દૈવી શક્તિથી ઘણાં ભયંકર રૂપો વિતુર્વી ડરાવવા લાગ્યો પણ કામદેવ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહ્યા. રાક્ષસનું રૂપ લઈ હાથમાં પકડેલી વિકરાળ તલવાર ઉગામી ભીષણ આંખો ચડાવી બોલ્યો “ધૂર્ત આ ધર્મનો ડોળ મૂકી ઊભો થા. નહીં તો એક જ ઝાટકે મરી દુર્ગાનથી દુર્ગતિમાં જઈશ.
આમ વારંવાર કહેવાથી કામદેવને કશી જ અસર ન થઈ એટલે ખિજાયેલા દૈત્યે ક્રોધિત થઈ ખગના પ્રહાર કર્યા. અંગ કપાઈ ગયાં ને લોહી વહેવા લાગ્યું પણ કામદેવ સ્વસ્થ રહ્યા. દેવે ભીષણ હાથીનું રૂપ વિકુવ્યું ને સૂંઢ તેમજ દંતશૂળથી ઉપસર્ગ કર્યા. તેથી પણ ધાર્યું પરિણામ ન આવતાં ભયંકર વિષધારી સર્પ બની આવ્યો. શેઠને ભરડો દઈ કંઠ પર ડંખ દીધા. ગેબી અવાજ આવ્યો કે “ઊઠી ચાલ્યા જાવ, તમારા માટે અહીં રહેવું કોઈ રીતે સારું નથી.”