________________
૨૬૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
ચૂક્યું હતું છતાં સાહસ અને પરાક્રમથી તેમણે રાજા સમરસેનને મારી નાખ્યો. તેના દેશમાં કુમારપાળ રાજાની આણા ફેરવી ઉદયન પાછા ફર્યા. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમનું શરીર જાણે ચૈતન્ય ખોવા લાગ્યું. આંખે અંધારાં આવ્યાં ને તેઓ ધરતી પર ઢળી પડ્યા. શીતોપચારથી તે સ્વસ્થ થયા ને બાળકની જેમ રોવા લાગ્યા. આ જોઈ સામંત આદિએ પૂછ્યું : “તમે શૂરવીર છો. તમારી સહનશક્તિને અમે જાણીએ છીએ. તમે કોઈ દિવસ નહીં ને આજે શા માટે રડો છો? જો કે શરીર પર ઘા તો ઘણા મોટા ને ઊંડા પડ્યા છે.” મંત્રી બોલ્યા : “આ રડવું ઘાનું કે મૃત્યુનું નથી. પણ કરવાના અધૂરા રહ્યા કામનું છે. તેમણે કહ્યું: તમે સંકોચ વિના કહો. તમારા કહ્યા પ્રમાણે બધું જ અમે કરીશું.” મંત્રીએ કહ્યું, “મારી આ ચાર ભાવના હતી; મારા નાના દીકરા અંબડને સેનાપતિ બનાવવો, સિદ્ધગિરિનો ઋષભદેવ દાદાનો પ્રાસાદ જે લાકડાનો છે તેનો ઉદ્ધાર કરાવી પાષાણનો કરાવવો. ગિરનાર પર્વત પર જવા નવાં પગથિયાં કરાવવાં અને મૃત્યુ સમયે નિર્ધામણા કરાવનાર કોઈ ગુરુનો યોગ મેળવવો. પણ એક વાત પૂરી થતી નથી દેખાતી. તેથી તે શલ્યની જેમ ખૂંચે છે.” સામંતોએ કહ્યું : “મંત્રીશ્વર ! ચિંતા ન કરો. પહેલી ત્રણ વાત તો તમારા મોટા દીકરા બાહડદેવ પૂરી કરશે. તેમાં અમે સાક્ષી છીએ. હવે રહી નિર્ધામણા-આરાધનાની વાત તો અમે હમણાં જ કોઈ ગુરુમહારાજને શોધી લાવીએ છીએ. આ
એમ કહી તેઓ એક તરફ ચાલ્યા ને વિચાર્યું “આ યુદ્ધની ભૂમિમાં ગુરુમહારાજ મળવા અશક્ય છે ને મંત્રીશ્વરની સ્થિતિ પણ ઝોલાં ખાય છે” ઇત્યાદિ વિચારી તેમણે એક ભાંડ (ભવાયા)ને સાધુવેષ પહેરાવી મંત્રીને કેવી રીતે શું કહેવું વગેરે શિખવાડી ત્યાં લઈ આવ્યા. તેણે પણ સાધુની જેમ જ બધો અભિનય કર્યો ને ધર્મલાભ કહી ઊભો રહ્યો. મંત્રીએ તેને ગૌતમસ્વામીની જેમ વંદના કરી, સર્વ-જીવોને ખમાવ્યા. દુષ્કતની ગર્તા અને સુકૃતની અનુમોદના કરતાં તે સ્વર્ગગામી બન્યા.
આ ભાંડ વિચારે છે કે “અહો કેવો આશ્ચર્યકારી મહિમા છે આ મુનિવેષનો. ક્યાં હું સાધનહીન ગરીબડો ને ક્યાં સર્વને ઝાંખા પાડનાર સમૃદ્ધ મંત્રીશ્વર ! આમણે મને વંદના કરી મને પૂજ્ય કહી માથું નમાવ્યું. હવે આ વેષ ઉતારવો ન જોઈએ. વિશ્વવંદ્ય વેશને હું હવે ભાવથી સ્વીકારું છું.” ઈત્યાદિ વિચારી તેણે સાધુત્વ સ્વીકાર્યું. તેણે પણ ગિરનારજી જઈ બે માસના અણસણપૂર્વક સ્વર્ગ સાધ્યું.
- ઉદયનમંત્રીના આદર-માન, અને પ્રશંસા તેમજ સામંતાદિકની પણ પ્રશંસાથી તે સામાન્ય માણસને શ્રદ્ધા થઈ ને તે ગિરનાર જઈ દેવપણું પામ્યો.
ક્રમે કરી સામતાદિ પાટણ આવ્યા અને શ્રી કુમારપાળ મહારાજાના ચરણમાં શત્રુની લક્ષ્મી આદિ અર્પણ કરતાં મંત્રીશ્વર શૌર્યની પ્રશંસાપૂર્વક તેમની ભાવનાની વાત કરી. તે સાંભળી રાજા સામંતો સાથે મંત્રીશ્વરના ઘરે આવ્યા ને તેમના પુત્રો બાહડ-અંબડ આદિનો શોક ઉતરાવી કહ્યું -