________________
૫૮.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ અર્થ - જેણે શ્રી જિનશાસનમાં ધર્મનો મહાન ઉદ્યોતુ કરવારૂપ શાસનપ્રભાવનાનું કાર્ય કર્યું હોય તેની પ્રશંસા ગુરુઓએ પણ કરવી. કારણ કે તેથી સામાના ભાવથી વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે :
श्लाघिता एव तुष्यन्ति, सुरादयो नरादयः । स्वेष्टकार्यं च कुर्वन्ति, लोकलोकोत्तरेऽपि च ॥२॥
અર્થ:- દેવતા આદિ અને મનુષ્યાદિ પણ વખાણવાથી રાજી થાય છે. પ્રસન્ન થાય છે ને લૌકિક કે લોકોત્તર ઇચ્છિત કાર્ય સાધી આપે છે કે તેમાં સહાયક થાય છે.
લોકમાં પણ કોઈએ સારું કાર્ય કર્યું હોય તો તેને વખાણવામાં આવે છે ને તેથી સારું ફળ આવે છે. પ્રાયઃ મોટા ભાગનાં કાર્યો તો પ્રશંસાથી જ પાર પડતાં હોય છે. નોકર-ચાકરની પ્રશંસા કરવા માત્રથી તેઓ ધાર્યા કરતાં વધારે સારું કામ કરી આપે છે. મહારાજા ભોજ અને વિક્રમ રાજા આદિ કવિઓની પ્રશંસામય કાવ્યરચનાથી સંતુષ્ટ થતા ને હજારો-લાખો રૂપિયા કે મોટી મોટી જમીન પણ દાનમાં આપી દેતા. દેવ-દેવીઓ પણ પ્રશંસાભર્યા સ્તોત્ર-સ્તુતિ સાંભળીને જ પ્રસન્ન થાય છે. આમ લૌકિક કાર્યમાં જ નહીં કિંતુ તપ, સ્વાધ્યાય, કવિતા કે ઉગ્ર વિહારાદિ, વાદી જીતવા કે પરિષહ સહવા કે ધર્મપ્રચાર માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવો આદિ કાર્યો પ્રશંસાને યોગ્ય છે, માટે આવાં કાર્યો કરનારની પ્રશંસા ગુરુમહારાજે પણ અવશ્ય કરવી. જે ગુરુઓ અદ્ભુત ધર્મકાર્ય કરનારાઓની પ્રશંસા કરતા નથી, તેમનો ગચ્છ રુદ્રસૂરિજીની જેમ સીદાય છે. કહ્યું છે કે :
जो पुण पमायओ दप्पओ अ, उववूहणे न वट्टिज्जा । नासिज्जइ अप्पाणं, मुणिजणं च सो रुद्दसूरिव्व ॥३॥
અર્થ - પ્રમાદ કે અહંકારવશ જેઓ બીજાએ કરેલા ઉત્કૃષ્ટ ધર્મકાર્યની પ્રશંસા કરતા નથી. તેઓ પોતાનો તેમજ પોતાના ગચ્છનો રુદ્રસૂરિજીની જેમ નાશ કરે છે.
શ્રી મહાવીર ભગવંતે પણ ભરી પર્ષદામાં કામદેવ શ્રાવકની પ્રશંસા કરી હતી. આ બાબત શ્રી ઉપાસકદશાંગ નામના સાતમા અંગસૂત્રમાં જણાવ્યું છે.
શ્રી કામદેવ શ્રાવકની કથા ચંપા નામની નગરીમાં કામદેવ નામના ધનાઢ્ય ગૃહસ્થ રહેતા. તેમનાં પત્નીનું નામ હતું ભદ્રા શેઠાણી. તેમણે છ કરોડ દ્રવ્ય નિધાનરૂપે ભંડાર્યું હતું. છ કરોડ વ્યાપારમાં રોકી વ્યવસાય કરતા અને છ કરોડ દ્રવ્ય ઘર, ઘરવખરી, વાસણ, વસ્ત્ર, આભૂષણમાં રોક્યું હતું. દશ દશ હજાર ગાયોવાળાં છ ગોકુળ હતાં.