________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
૨૫૫ અર્થ - વિરક્ત માણસના હૃદયમાં મુક્તિનો લોભ પણ નથી હોતો. તેનું શુભાનુષ્ઠાન અસંગતાને પામે છે. એટલે કે તે અસંગાનુષ્ઠાનના બળથી ક્રિયા કરે છે. તેવા આત્માઓની અવસ્થા જ સહજાનંદના તરંગોથી રંજિત હોય છે, ઈત્યાદિ તત્ત્વસ્વરૂપમય ઉપદેશ પ્રભુ પાસે સાંભળી લેપશ્રેષ્ઠી બોધ પામ્યા ને કહ્યું “ભગવાન ! આપ પરમાત્માએ સાક્ષાત્ કહેલ આત્મતત્ત્વને અનેક પંડિતો-તાપસાદિક જાણતા પણ નથી, છતાં પ્રભુ ! આ પંડિતાદિ તત્ત્વ જાણ્યા વિના જે કાંઈ કરે છે તેમાં તંત જણાતું નથી, છતાં તેઓ તો એમ જ માને છે કે અમે ધર્મક્રિયા કરીએ છીએ પણ વાસ્તવમાં ધર્મક્રિયા જેવું કશું જણાતું નથી. તેઓ આકાશમાં બાચકા ભરતા હોય તેમ લાગે છે.” પ્રભુએ કહ્યું “હે શ્રેષ્ઠી ! કેટલાક ઉત્તમ જીવો પૂર્વભવથી પુણ્ય લઈને આવે છે અને આ ભવમાં પણ પુણ્યાઈ કરે છે. તેઓ ચક્રવર્તી ભરત, બાહુબલી, અભયકુમાર આદિની જેમ પરલોકમાં અવિનાશી સુખ પામે છે.
કેટલાક જીવો પૂર્વનું પુણ્ય તો લઈને અવતર્યા હોય છે પણ આ ભવમાં નવું કશું જ પુણ્ય ઉપાર્જન કર્યા વિના કોણિક આદિની જેમ ખાલી હાથે બધું ખોઈને ચાલતા થાય છે. કેટલાક જીવો પરલોકથી ખાસ પુણ્યાઈ લીધા વિના આવે છે, પણ કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસની જેમ અહીં મોટી પુણ્યાઈની કમાણી કરે છે અને કેટલાક જીવો તો બિચારા પુયાઈ લીધા વિના આવે છે ને દુર્ભાગીની જેમ પુણ્યાઈ કીધા વિના જ પાછા જાય છે. તેઓ આલોક ને પરલોક બન્નેમાં દુઃખી જ દુઃખી થાય છે.”
ઈત્યાદિ ધર્મઉપદેશ સાંભળી શેઠે શ્રાવકધર્મ સ્વીકાર્યો ને મિથ્યાત્વની બધી જ ક્રિયાઓનો ત્યાગ કર્યો. આ જોઈ તેના પ્રથમના ધર્મસાથીઓ કહેવા લાગ્યા “આ શેઠ તો મહામૂર્ખ છે. કુળપરંપરાથી ચાલ્યો આવતો પોતાનો ધર્મ છોડી જૈનોનો ધર્મ ને તેની ક્રિયા કરવા માંડી છે.” ઇત્યાદિ ઘણી વાતો સાંભળી અને દબાણ અને દાક્ષિણ્યના વર્તુળમાં રહીને પણ શેઠે તે એકાંતિઓનો ધર્મ સ્વપ્નમાં પણ ક્યો નહીં ઊલટાનો તે જિનધર્મની આરાધનામાં વધારે લીન થયો. કહ્યું છે કે -
सर्वथा स्वहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते स न हि कश्चिदुपायः, सर्वलोकपरितोषकरो यः ॥१॥
અર્થ:- સર્વ પ્રકારે જે આત્માને માટે હિતકારી હોય તે સદા કરતા રહેવું. બહુ બોલનારા શું કરશે? કારણ કે એવો કોઈ ઉપાય જ નથી જે બધાંને સંતોષી શકે.
લેપશેઠના પૂર્વગુરુ શિવભૂતિ તાપસ તે શેઠના ગામે આવ્યો. શેઠ સામે તો ન ગયા પણ સ્થાને મળવા પણ ન ગયા. તાપસે વિચાર્યું “મારું આગમન સાંભળતાં જ તે પાંચ-પાંચ યોજન સામે આવતો, માર્ગમાં ઘણી સેવા કરતો અને આ વખતે તો અહીં પહોંચ્યા દિવસ પૂરો થવા આવ્યો છતાં કુશળ પૂછવા પણ આવ્યો નથી. તેણે ભક્તોથી જાણ્યું કે તે તો શ્રમણ મહાવીરનો