________________
૨૫૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
उत्सर्गे चापवाऽपि, व्यवहारेषु निश्चये । ज्ञाने कर्मणि वादे चेत्, न तदा ज्ञानगर्भता ॥१॥
અર્થ - ઉત્સર્ગમાં, અપવાદમાં, વ્યવહાર કે નિશ્ચયમાં, જ્ઞાનમાં કે ક્રિયામાં જો વિવાદ હોય તો તેનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન સમજવો.
જેઓ પારકા અવર્ણવાદ બોલવામાં મૂંગા છે, અપવાદની ચેષ્ટામાં આંધળા કે બહેરા જેવા છે, જેઓ માધ્યચ્ય બુદ્ધિવાળા હોઈ સર્વત્ર હિતચિંતક છે અને જેઓ આજ્ઞારુચિવાળા છે, તેમને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો અનુભવ થાય છે. કહ્યું છે કે -
स्वभावान्नैव चलनं चिदानन्दमयात् सदा । वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावलिः ॥ અર્થ - ચિદાનંદમય સ્વભાવથી જરાય ખસવું નહીં એ ત્રીજા વૈરાગ્યનું લક્ષણ છે.
આમ વૈરાગ્યનું સ્વરૂપ સાંભળીને લેપશ્રેષ્ઠીએ ફરી પૂછ્યું કે “ભગવંત! આપશ્રીએ પ્રથમ અધ્યાત્મનું જે વર્ણન કર્યું હતું તે ભાવ અધ્યાત્મ કયા વૈરાગ્યવાનને હોય?” પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું –
विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रर्वतते । अपरं प्रथम प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥१॥
અર્થ - આ સંસારમાં વિષયોમાં અને ગુણમાં એમ બે પ્રકારે વૈરાગ્ય વર્તે છે. તેમાં પ્રથમ વૈરાગ્યને ઊતરતું ને બીજાને ઉત્કૃષ્ટ અધ્યાત્મ કહેવામાં આવ્યું છે.
પ્રથમના વૈરાગ્યમાં ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિનો અભાવ કારણ છે. ત્યારે બીજામાં ગુણની ઉત્પત્તિ કારણ છે. પ્રથમનો વૈરાગ્ય મિથ્યાત્વાદિક પાપના હેતુયુક્ત હોવાથી હલકો કહેવામાં આવ્યો છે. આ અધ્યાત્મમાં પૂર્વે કહેલા બે વૈરાગ્ય (દુ:ખગર્ભિત અને મોહગર્ભિત)નો સમાવેશ થાય છે. બીજું અધ્યાત્મ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ઉત્પન્ન થાય છે. તેને ઉત્કૃષ્ટ કહેલ છે. ઉત્કૃષ્ટ વૈરાગ્યવાન મહાત્માઓ સદા વિષયોથી પરાક્રમુખ હોય છે. કહ્યું છે કે -
न मुदे मृगनाभिमल्लिका, लवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधित-स्मरशीलेन सुगन्धिवर्मणाम् ॥१॥
અર્થ - નિરુપાધિક ગુણથી કામદેવ (વાસના)ને બાધિત કરેલ છે જેમણે અને તેથી જ સુગંધી થઈ ગયું છે શરીર જેનું એવા વિદ્વાનને કસ્તૂરી, માલતી, લવલી કે ચંદનની આહલાદક સૌરભ આનંદ આપી શકતી નથી.