________________
૧૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ત્યાં ભગવાન વત્સલતાથી બોલ્યા : “હે ગોશાળક ! તું અત્યારે કુબુદ્ધિ અને મહામિથ્યાત્વને વશ થઈને વર્તી રહ્યો છે. આમ કરીને તું તારા આત્માને અધોગતિમાં નાંખવા. શા માટે તૈયાર થયો છે ?'
ગોશાળકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે ભગવાન ઉપર તેજોલેશ્યા છોડી. પર્ષદામાં હાહાકાર થઈ ગયો. પરંતુ ભગવાન તો સ્વસ્થ અને પ્રસન્ન જ હતા. ત્યાં સૌએ જોયું કે એ તેજોલેશ્યા ભગવાનને પ્રદક્ષિણા કરીને ગોશાળકના શરીરમાં ઊતરી ગઈ. એ ચીસ પાડી ઊઠ્યો. છતાંય એ બોલ્યોઃ “હે કાશ્યપ ! મારું આ વચન યાદ રાખજો. મારા તપતેજથી તમે છ જ મહિનામાં મૃત્યુ પામશો.”
ત્યાં ભગવાને ચીસો પાડતા ગોશાળકને પ્રેમથી કહ્યું: “હે ગોશાળક ! મારે હજુ સોળ વરસનું આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી છે. પણ તું પિત્તજ્વરથી વ્યથિત થઈને સાતમા દિવસે છધસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામીશ.”
ભગવાનશ્રીના આ છેલ્લા શબ્દો સાંભળીને આગની વેદનાથી પીડાતો અને ચીસો પાડતો ગોશાળક ઝડપથી પોતાના સ્થાનકે પહોંચ્યો. અસહ્ય બળતરા શાંત કરવા વિવિધ ઉપચાર કરવા લાગ્યો. પણ વેદના શાંત થવાને બદલે વધુ વકરતી ગઈ.
ગોશાળકની સ્થિતિ ગંભીર જાણીને તેના શિષ્યો અને ભક્તો ભેગા થઈ ગયા. સૌએ ઉત્તમોત્તમ ઉપચાર કરવા માંડ્યા. ત્રણ ચાર દિવસે પણ કશો ફરક ન પડ્યો. ઊલટું વેદના વધુ ને વધુ તીવ્રતર બનતી ગઈ. છઠ્ઠા દિવસે ગોશાલકને પ્રતીતિ થઈ ગઈ કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરની ભવિષ્યવાણી અચૂક સાચી પડશે. આથી તેણે પોતાના શિષ્યો અને ભક્તોને પોતાની અંતિમ ઇચ્છા જણાવી -
હે શિષ્યો ! મારા મૃત્યુની હવે ઘડીઓ ગણાઈ રહી છે. હું મૃત્યુ પામું તે પછી મારા શરીરને તમે સુગંધી જળથી સ્નાન કરાવજો, ગોશીષ ચંદનનું વિલેપન કરજો અને એ મૃતદેહને તમે સૌ હજાર માણસ વહન કરે તેવી શિબિકામાં બેસાડીને, અંતિમ ક્રિયા માટે લઈ જજો.”
આ શિબિકા શ્રાવસ્તી નગરીના મુખ્ય માર્ગ પર આવે ત્યારે તમામે તમામ સાંભળી શકે એવા ઊંચા અવાજે ઘોષણા કરજો કે “પોતે સર્વજ્ઞ ન હોવા છતાંય પોતાને સર્વજ્ઞ તરીકે જાહેર કરનાર આ મંખલિપુત્ર ગોશાળક, પોતે જિન ન હોવા છતાં પોતાને જિન કહીને તીર્થકરની ઘોર આશાતના કરનાર, બે મુનિઓની હત્યા કરનાર, અનેક ભોળા જીવોને મિથ્યાત્વ પમાડનાર, પોતાની જ તેજોલેશ્યાથી અને સર્વજ્ઞ ભગવાન મહાવીરની ભવિષ્યવાણી પ્રમાણે સાતમી રાતે છદ્મસ્થપણે મૃત્યુ પામ્યો છે.”