________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૨૯ મંત્રીએ કહ્યું “મહારાજ ! આવા પક્ષપાતભર્યા વાક્યથી શો નિર્ણય થાય? યુક્તિયુક્ત વચનો સમજીને તેનું જાતે પરીક્ષણ કરી નિર્ણય લેવા યુક્ત છે.” ઇત્યાદિ કહ્યા પછી કેટલીક વારે રાજાની સંમતિપૂર્વક મંત્રીએ ચોથું પદ સમસ્યાપૂર્તિ માટે આપ્યું કે “સકુંડલ વા વદનં ન વેતિ” (કુંડલ યુક્ત મોટું છે કે નહીં ?) સભામાં જ નહીં આખા નગરમાં આ ચરણ ઘોષિત કરવામાં આવ્યું ને જણાવ્યું કે “આની ગાથા રાજ્યભંડારમાં છે. સાતમા દિવસે સભામાં પાદપૂર્તિ સમારંભ છે, જે સમસ્યાની પૂર્તિ કરશે, તેને રાજા ઈચ્છિત ધન આપશે.” આ સાંભળી બધા પાદપૂર્તિમાં જોડાઈ ગયા ને પોતાનાં કાર્યો બંધ કર્યા. સાતમા દિવસે સભા ચિક્કાર ભરાઈ ગઈ.
સર્વપ્રથમ એક પરિવ્રાજક સમસ્યા પૂર્તિની ગાથા કહી - भिक्खापविटेन मएज्ज दिटुं, पमयामुहं कमलविसालनेत्तं । विक्खित्तचित्तेण न सुट्ठ दिटुं, सकुंडलं वा वदनं न वेति ॥१॥
અર્થ - ભિક્ષા માટે કોઈના ઘરે પ્રવેશેલા મેં કમળ જેવા વિશાલ નેત્રવાળી પ્રમદાનું મુખ જોયું - પરંતુ ચિત્ત વ્યાક્ષિપ્ત-વ્યગ્ર હોવાથી મેં સારી રીતે ન જોયું કે તે મુખ કુંડલયુક્ત હતું કે નહીં ?
આ સાંભળી રાજાએ મંત્રી સામે જોયું. મંત્રીએ કહ્યું: “મહારાજ! પરિવ્રાજક પારમાર્થિક તત્ત્વ જાણ્યા વિના બોલતા જણાય છે, કારણમાં ચિત્તની વ્યાક્ષિપ્તતા જણાવતાં તેઓ પોતાની વ્યાકુળતા અને વીતરાગપણાનો અભાવ બતાવે છે. ભોજનપ્રાપ્તિના અભાવે લાંઘણ થઈ તેથી કાંઈ ઉપવાસનું ફળ મળતું નથી.” આ સાંભળી રાજાએ આ ગાથા વિસંવાદી ઘોષિત કરી.
પછી બીજા તાપસે પાદપૂર્તિની ગાથા કહી – फलोदगोगस्स गिहे पविट्ठो, तत्थासणत्था पमया निरिक्खिया । विक्खित्तचित्तेण न सुठु दिटुं, सकुंडलं वा वदनं न वेति ॥२॥
અર્થ:- ફળ-પાણી માટે હું એક ઘરમાં પેઠો – ત્યાં એક સુંદરીને આસન પર બેઠેલી મેં જોઈ, પણ વ્યાક્ષિપ્ત ચિત્ત હોવાથી હું જોઈ શક્યો નહીં કે તેનું મોટું કુંડળવાળું હતું કે વિનાનું.
આ સાંભળી રાજા-મંત્રીએ વિચાર્યું કે “આમાં પણ કાંઈ પરમાર્થ જણાતો નથી. અહીં પણ અજ્ઞાનતાનું કારણ ચિત્તની વ્યગ્રતા છે.” પછી બૌદ્ધસાધુ બોલ્યા :
मालाविहारे मइ अज्जदिट्ठा, उवासिया कंचणभूसियंगी । विक्खित्तचित्तेण न सुट्ठ नायं, सकुंडलं वा वदनं न वेति ॥३॥