________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૪૭ સ્ત્રીના કહેવાથી પેલો જાર પણ સ્ત્રીવેશે ત્યાં આવ્યો ને અવસરે સ્ત્રીઓની પંગતમાં જમવા બેઠો. તે જોઈ ભાણાએ સ્ત્રીઓમાં પીરસવા માંડ્યું ને પેલા જાર પાસે આવી ધીરેથી પૂછ્યું: “કેમ, ગમાણમાં લાકડાનો માર ખાધો હતો તે તું જ છે ને?” તેણે માથું ધુણાવી “ના' પાડી. ફરી બીજી ને ત્રીજી વસ્તુઓ પીરસતાં પણ તેણે એમ પૂછ્યું ને જાણે ના પાડી એટલે ભાણો તેને કાંઈપણ પરસ્યા વિના આગળ વધી જતો, કોઈએ પૂછ્યું કે “શું પૂછે છે?” ભાણાએ કહ્યું : “હું જે કાંઈ પીરસવા જાઉં છું તેની તે માથું ધુણાવી ના પાડે છે. કહે છે મારે જમવું નથી. જો જમવું જ ન હોય તો અહીં શા માટે બેસી રહેવું?”
આ સાંભળી ભોગવતી ઘણી વિમાસણમાં પડી. ભાણો જરા દૂર ગયો એટલે ભોગવતીએ થોડા લાડવા જારના ભાણામાં મૂક્યા, પણ તે બિચારો ખાઈ શકે એવી સ્થિતિ જ ન રહી. એટલે ચાર લાડવા સાડલાના છેડામાં સંતાડી તે રવાના થયો. દરવાજા પાસે ઊભેલી સ્ત્રીઓ સાથે તેને જતો જોઈ ભાણો દોડતો આવ્યો ને બધાને ચપટી ચોખા આપી કહ્યું: “બધી બાઈઓ બે હાથે આ માંડવાને વધાવો.' મંગળ માટે બધાએ માંડવો વધાવ્યો ને પેલો જાર એમ જ ઊભો રહ્યો એટલે ભાણો બોલ્યો “કેમ માડી ! તમને વધાવતાં શું જોર પડે છે? જમવા તો બધાની સાથે બેઠાં ને વધાવતાં શાને જુદાં પડ્યાં ?”
“આ સાંભળી શરમાઈ તેણે બન્ને હાથ માંડવો વધાવવા ઊંચા કર્યા ને ચારે લાડવા પૃથ્વી પર દડી પડ્યા. લોકો ભેગા થઈ ગયા. મામાએ પૂછ્યું: “ભાઈ ! આ લાડવા ક્યાંથી આવ્યા?” તેણે કહ્યું : “તમારા પુત્રના વિવાહોત્સવમાં માંડવે લાડવા વર્ષાવ્યા.’ મામાએ આશ્ચર્યથી પૂછ્યું
ભાણાભાઈ ! આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?” તેણે કહ્યું: “અવસરે બધું એકાંતે કહીશ.' અંતે બધું કામ પૂરું થયે શેઠની સર્વ રીતે વાહ વાહ અને યશ વિસ્તર્યે ભાણાએ સર્વ યથાર્થ વાત કહી અને પોતે દેવરૂપે પ્રગટ થયો અને એકાંતમાં ભોગવતીને કહ્યું: ‘તમારી કુટિલતા અને કુકર્મ હું જાણું છું, પરંતુ ત્રિભુવનમાં એકમાત્ર શરણ શ્રી વીતરાગદેવના ભક્તનાં તમે પત્ની છો, તેથી જ મેં ઉપેક્ષા કરી છે, માટે હવે બધો દુરાચાર ને દંભ છોડી ધર્મકાર્યમાં તત્પર બનો, અનંતવાર આવા ભોગો ભોગવ્યા છતાં માણસ ધરાતો નથી અને સમજે કે આવા ભોગ તો મને કદી જ મળ્યા નથી. આમ મૂર્ખ માણસની કામેચ્છા અને તૃષ્ણા કોઈ રીતે પૂર્ણ થતી નથી. આવા જીવોને વૈરાગ્ય ક્યાંથી થાય ? અધ્યાત્મસારમાં પણ લખ્યું છે કે :
सौम्यत्वमिव सिंहानां, पन्नगानामिव क्षमा ।
विषयेषु प्रवृत्तानां, वैराग्यं खलु दुर्लभम् ॥१॥ અર્થ - સિંહોમાં સૌમ્યતા અને સર્પોમાં ક્ષમાની જેમ વિષયોમાં પ્રવર્તેલા જીવોમાં વૈરાગ્ય અતિ દુર્લભ છે.
ઉ.ભા.૧-૧૦