________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૪૫ એકવાર તેની પત્નીએ ને બીજા ઘણા માણસોએ તેમને કહ્યું કે “શેઠ ! આ વીતરાગદેવ તો કદી રાજી થાય નહીં ને કૃપા પણ કરે નહીં, તેમની સેવા-ભક્તિથી લાભને બદલે તમને ચોખ્ખી હાનિ ને દારિદ્રયની પ્રાપ્તિ થઈ છે. છોડો આ પૂજા ને પાઠ. હનુમાન, ગણપતિ, દુર્ગા આદિ પ્રત્યક્ષ દેવોની સેવા કરવા લાગો, તેઓ પ્રસન્ન થતાં બેડો પાર. બધી જ ઇચ્છા અને આશા સફળ.
આ સાંભળી શેઠે વિચાર્યું કે “આ બધા બિચારા ધર્મના મર્મથી અજાણ છે. મોહમદિરાના ઘેનથી છકેલા હોઈ ઉન્મત્તની જેમ, જેમ ફાવે તેમ બોલે છે. પૂર્વભવમાં ઓછું પુણ્ય કરીને સંપૂર્ણ પુણ્યનું ફળ મેળવવા-ભોગવવાની ઇચ્છા રાખે છે. આ બધી મિથ્યાત્વથી ઊપજેલી મૂઢતાનો વિલાસ છે. આ ગણેશ, હનુમાન આદિ કોનું દળદર ફેડવા સમર્થ છે? જેવું બીજ તેવું ફળ. જેવું વાવીએ, તેવું લણીએ. આમાં કોઈનો દોષ ક્યાં છે? આ સંસાર જ દુઃખમય છે. તેનું કારણ મોહ છે. વીતરાગદેવનું સતત સ્મરણ કરવું જોઈએ. કેમ કે વીતરાગદેવના ગુણોનું સ્મરણ કરવાથી જ મોહ નાશ પામે છે. સ્વાર્થપરાયણ મિથ્યાત્વી જીવો સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ માટે સ્તુતિ કરે છે યા સ્વાર્થપૂર્તિ પછી સ્તુતિ કરે છે, કે “હે ભગવન્! મારું આ કાર્ય પાર પાડી દે” અથવા “હે ભગવન્! તું જ સાચો છે. તે જ મારું આ કામ કરી આપ્યું. પુત્ર-પુત્રી આદિના વ્યવહાર કે વ્યવસાય તેં તરત કરી આપ્યા.” અથવા કોઈ દેવ કે દેવીને કહે છે કે “આ દુર્ગમ યુદ્ધમાં આ પરમેશ્વરી વિજય અપાવ્યો, કે યશ અપાવ્યો. આમ જીવો સાંસારિક કાર્યોમાં નિરર્થક પ્રભુને ઘસડે છે.
ઇત્યાદિ વિચારણામાં ઊંડાણથી અવલોકન કરતાં શેઠે જનસાધારણની જેમ વિચિકિત્સા (અન્ય અન્ય દેવો-મતોની અભિલાષા) ન કરી. સમય જતાં શેઠ સાવ ગરીબ થઈ ગયા. છતાં તેમની પત્ની તો મોજ માણવામાં ને શોખ કરવામાં પાછી પડતી નથી. પોતે સારું ખાય ને શેઠને ચોળા આદિ સાવ સામાન્ય ખાણું આપે. શેઠ ઘણો પરિશ્રમ કરે છે ને કઠિનાઈથી રોટલો રળે છે, ત્યારે મોજીલી ભોગવતી પરપુરુષ સાથે હળી છે, અને પોતાના સ્વાદ શોખને પોષવા અનાચારિણી બની છે. યથેચ્છ જીવન જીવે છે ને બચાવેલું નાણું ધરતીમાં દાટી દીધું છે.
શેઠે બંધાવેલા શ્રી શાંતિનાથજીના દહેરાસરના અધિષ્ઠાયક દહેરાસરની ખરાબ હાલત અને શુદ્ધ ને સુગંધી દ્રવ્યોનો અભાવ જોયો. પ્રભુની પૂજામાં આવેલી ખામી જોઈ. ઉપયોગથી શેઠશેઠાણીની હાલત જાણી. શેઠ ચોળાનું ખેતર લણતા ધોમ તડકામાં મજૂરી કરી રહ્યા હતા. ત્યારે શેઠાણી માલ-મિષ્ટાન બનાવી પોતાના જારને લાડ લડાવી ખવરાવી રહી હતી. આ જોઈ દેવે વિચાર્યું: “આ બાઈ પોતાના પતિ ઉપર જરાય ભક્તિભાવ કે પ્રેમ રાખતી નથી ને આ દુરાચારીને પોતાનું સર્વસ્વ આપી બેઠી છે. આ ધર્મિષ્ઠ શેઠને સહાય કરવી જોઈએ. એમ વિચારી દેવે શેઠના ભાણેજનું રૂપ લીધું ને ઘેર આવી મામીને પ્રમાણ કરતાં પૂછ્યું: “મારા મામા ક્યાં ગયા છે?” તેણે કહ્યું “એ તો ખેતરે ગયા છે.” “હું ત્યાં જાઉં છું” કહી તે ખેતરે ગયો ને જુહાર કરી બેઠો. મામાએ પૂછ્યું “તું શા માટે આવ્યો છે?” તેણે કહ્યું “તમને કાંઈ ઉપયોગી થાઉં તે માટે આવ્યો