________________
૨૪૪
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ સ્થાપેલ મતાનુસાર તો કાલાદિકની સામગ્રીએ કરી એક જ વસ્તુ એક સમયે પ્રથમ સમયપણે નષ્ટ થાય છે ને બીજા સમયપણે ઊપજે છે, પાછી ત્રીજે સમયે બીજા સમયપણાને છોડી ત્રીજા સમયપણાને પામે છે. આમ ચોથા પાંચમા આદિ સમય માટે સમજવું જોઈએ.”
આ આશય અને અભિપ્રાયથી જ નારકી આદિ જીવોને ક્ષણિક કહેલા છે. આ પ્રમાણે સાંભળી તે સાધુઓ તત્ત્વને પામ્યા અને પોતાના ક્ષણિકવાદના કદાગ્રહને છોડી પ્રભુવાણીની યથાર્થતા સમજ્યા. આત્મસાક્ષીએ પરમાત્માના મતનો સ્વીકાર કર્યો એટલે તે શ્રાવકો અત્યંત હર્ષિત થઈ તેમના ચરણોમાં નમી પડ્યા અને ખમાવ્યા. આમ તેમણે સ્વપરના સમ્યકત્વને નિર્મળ કર્યું.
આ ચોથે નિદ્ભવ પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછી બસો ત્રીશ વર્ષે ઉત્પન્ન થયો.
બૌદ્ધોએ સર્વપદાર્થને ક્ષણભંગુર માની ક્ષણિકવાદની સ્થાપના કરી છે, અશ્વમિત્રમુનિ તે મતનો સ્વીકાર કરી મહાન અનર્થને પામ્યા. માટે ઉત્તમ આત્માઓએ અન્ય મતની આકાંક્ષા કરવી નહીં.
-
O
૨૦૦ દર્શનાચારનો ત્રીજો આચાર-નિર્વિચિકિત્સા विचिकित्सा ससन्देहा, धर्मक्रियाफलं प्रति ।
तदोषः सर्वथा त्याज्यो, दर्शनाचारचारिभिः ॥१॥ અર્થ - ધર્મક્રિયાના ફળમાં સંદેહ રાખવો એ વિચિકિત્સા. માટે દર્શનાચારના આચરનારે આ દોષ સર્વ રીતે દૂર ટાળવો. આ બાબત સમજાવવા દષ્ટાંત આપવામાં આવે છે.
કાંપિલ્યપુરના નિવાસી ભોગસાર બારવ્રતધારી શ્રાવક હતા. તેમણે શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસર કરાવ્યું. કોઈપણ જાતની આશા કે ઇચ્છા વિના તે ત્રણ કાળ ભગવાનની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરતો હતો. આમ કરતાં કેટલોક સમય જતાં તેની પત્ની મૃત્યુ પામી. ઊગતી વયમાં પત્ની વિના ઘરનો નિર્વાહ નહીં ચાલે એમ સમજી તેણે બીજાં લગ્ન કર્યા. આ નવી વહુ શોખીન અને ચપળ હતી. “સારું ખાવું-પીવું ને માણવું” એવા એના વિચાર હતા. તેથી તે ભોગસારથી છાનું ધન એકઠું કરવા ને સંતાડવા લાગી. અવસરે પોતાની ઇચ્છા પ્રમાણે તે ખાવા ને ખર્ચવા લાગી. આમ કરતાં ભાગ્યયોગે શેઠનું ધન થોડા જ વખતમાં નાશ પામ્યું. તેને ગામ છોડી પરગામ રહેવા જવું પડ્યું. ઘણી કઠિનાઈ આવી છતાં તેણે પ્રભુજીની પૂજામાં જરાય શિથિલતા આવવા ન દીધી. ભાવપૂજામાં તો ભાવવૃદ્ધિ થતી જ રહેતી.