________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૩૭ અર્થ :- બે ઉપયોગ એક સમય-સમકાળે વર્તવાનું આ અભિમાન થાય છે તે બીજું કશું જ નહીં પણ મનના સંસારના ક્રમનું અજ્ઞાન છે. તે મનઃસંસારનો ક્રમ નથી જણાતો તેથી આમ બને છે.
શ્રી ગંગાચાર્યે પોતાના ગુરુમહારાજને પાછું પૂછ્યું કે: “પ્રભુ! મતિજ્ઞાનના ૩૪૦ ભેદનું વર્ણન કરતાં આપે બહુ-બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ તેમજ તેથી ઇતર અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ, અધ્રુવ આ પ્રમાણે બાર બાર ભેજવાળા અવગ્રહ આદિ મતિજ્ઞાનના વ્યાવર્ણન વખતે એક એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અનેક ઉપયોગ હોય, તેમ કહ્યું હતું તો તેનું શું સમજવું?”
ગુરુમહારાજે ઉત્તર આપતાં કહ્યું : “તે બહુ બહુવિધ આદિ સ્વરૂપવાળી વસ્તુમાં અનેક પર્યાયો હોય છે, તે સામાન્ય રીતે (રૂપે) જ માત્ર ગ્રહણ કરવું તે જ જ્ઞાનમાં ઉપયોગ છે, આ સિદ્ધાંતની વ્યવસ્થા છે. કિંતુ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ કદી ક્યાંય હોય જ નહીં.
જેમ કે “સૈન્ય જાય છે.” આ સામાન્ય વાક્યોપયોગ છે. આમાં કશો વિશેષ નિર્દેશ કરેલ નથી. આ એક ઉપયોગત્વ-ઉપયોગપણું કહેવાય અને જ્યારે સૈન્યની દરેક વસ્તુ જુદી પાડીએ જેમ કે આ (આટલા) હાથી છે, આ ઘોડાઓ, આ ઊંટ, રથ, પાળાઓ કે આ ધ્વજાઓ છે, અથવા આ તલવારો, ભાલાઓ કે ગદા-મુગરો છે. આમ વિભાગ કરીએ તો તે તે ભેદના અધ્યવસાયરૂપ અનેક ઉપયોગતા-ઉપયોગપણું કહેવાય.
માટે હે ભદ્ર! એક કાળે ઘણાં વિશેષનું જ્ઞાન થાય નહીં, કારણ કે તે બધાંનાં લક્ષણો જુદાં જુદાં છે. લક્ષણ એટલે ચિહ્ન - અર્થાત્ શીત-ઉષ્ણ આદિ વિશેષ-વસ્તુનું સ્વરૂપ કહેવું છે. તે લક્ષણ પરસ્પર ભિન્ન હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ જુદાં જુદાં છે. તેથી જ બે જ્ઞાન એક કાળે ન થઈ શકે. જે અનેક વિષયવાળું ને અનેકનું આધાર હોય (અનેકનો બોધ કરાવે) તે સામાન્ય કહેવાય. આ સામાન્યનું લક્ષણ છે. આમ સામાન્યનું જ્ઞાન થયા વિના વિશેષજ્ઞાનની ઉત્પત્તિનો સંભવ જ નથી. તેથી સિદ્ધ થાય છે કે એક કાળે વિશેષજ્ઞાન થતું નથી.
આનું તાત્પર્ય એ છે કે પહેલાં “વેદના થાય છે.” (કાંઈક અનુભવાય છે) એમ સામાન્યનું ગ્રહણ કર્યા પછી ઇહા (ઇહા એટલે વિચારણા ક્યાં અને કેવી વેદના થાય છે? ઇત્યાદિ ચિંતવના)માં પ્રવેશ કરવાથી પગમાં શીત વેદના થાય છે. એમ વેદનાનો વિશેષે નિશ્ચય થાય છે. માથામાં પણ પ્રથમ તો સામાન્ય રીતે વેદના સમજાય છે. પણ પછી ઈહામાં પ્રવેશતાં “માથામાં ઉષ્ણ વેદના થાય છે.” એવો વિશેષ જ્ઞાનનો નિશ્ચય થાય છે. તેવી જ રીતે ઘટ (ઘડા) વિશેષનું જ્ઞાન થયા બાદ તરત જ પટ (કાપડ)ના આશ્રયભૂત સામાન્યનું ગ્રહણ કર્યા વિના પટ વિશેષનું જ્ઞાન થશે જ નહીં અને હે ગંગાચાર્ય ! સામાન્ય રીતે એક જ જીવ એક જ કાળમાં ક્રિયાઓ તો ઘણી કરી શકે છે, જેમ કે એક નર્તકી પોતાની અભ્યાસજન્ય ચતુરાઈને લીધે મુખથી ગાતી જાય છે, પગથી નાચતી