________________
૨૪o
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પોતાના આઠ વર્ષના પુત્ર સાથે દીક્ષા લીધી. તે બાળમુનિ પરિષહ સહવામાં નિર્બળ હોઈ તેણે પિતાને કહ્યું: “ઉઘાડા પગે હું ચાલી શકતો નથી. આપણા કરતાં તો બ્રાહ્મણોનો ધર્મ સારો જણાય છે, કેમ કે તેઓ પગરક્ષા માટે જોડા પહેરી શકે છે.” તે સાંભળી ગુરુએ વિચાર્યું કે “આ સાધુ અત્યારે બાળ છે. તેને જોડા નહીં મળે તો કદાચ તે સાવ ધર્મરહિત થઈ જશે” એમ વિચારી કોઈ શ્રાવક પાસેથી તેને ઉચિત પગરખાં અપાવ્યાં. વળી પાછું થોડા વખત પછી તે બાળમુનિએ કહ્યું : “આ તડકો તો નથી ખમાતો. માથું તપી જાય છે. આપણા કરતાં તો આ તાપસીનો ધર્મ સારો કે તેઓ છત્ર ધારણ કરી શકે છે.” આ સાંભળી પિતા ગુરુએ એવો ભય સેવ્યો કે “ક્યાંક આ કલ્યાણકારી ધર્મથી સર્વથા વિમુખ ન થઈ જાય” ને તેમણે છત્રી પણ અપાવી. વળી એકવાર તે બાળસાધુએ કહ્યું: “ગુરુજી ! ગોચરી માટે ઘરે ઘરે જવું - જે આપે તે અંત-પ્રાંત આહાર લાવવો ને ખાવો કેવું કઠિન કામ? મારાથી હવે બહુ ફરાતું નથી. આથી તો પંચાગ્નિ સાધનનો આચાર સારો. ત્યાં તો લોકો જ સામે આવી સારું સારું ભોજન આપી જાય છે.” પિતાએ ઉપકાર બુદ્ધિથી પૂર્વની જેમ વિચારી પોતે જ ભિક્ષા લાવી આપવા માંડી. આ જ રીતે પુત્રે પૃથ્વી પર સૂવાથી થતી પીડા બતાવી ને શાક્યમતની પ્રશંસા કરી પલંગ માંગ્યો. પિતાએ લાકડાની પાટની વ્યવસ્થા કરી. પુત્રે સ્નાન વિના જડતા જણાવી. શૌચધર્મની શ્લાઘા કરતાં પિતાએ અલ્પ પ્રાસુક જળથી હાથપગ આદિ ધોવાની અનુમતિ આપતાં તે.સ્નાન કરતો થયો. પછી લોચ ન થતાં મૂંડાવવાની પણ અનુમતિ આપી. આમ કરતાં તે સાધુ તો દિવસે દિવસે ધૃષ્ટ થતા ગયા. એકવાર તાત મહારાજને કહ્યું: “મારાથી આ બ્રહ્મચર્ય પાળી શકાય તેમ નથી.” એમ કહી તેણે કૃષ્ણલીલાનો મહિમા અને રાધાની રાસકથા કહી. આ સાંભળી ચકિત થયેલા ગુરુએ વિચાર્યું “આ પુત્ર તો સર્વથા અયોગ્ય જ છે. કોઈ રીતે પરમાર્થ તો પિછાણતો જ નથી. આજ સુધી તો મોહવશ જે માંગ્યું તે મેં લાવી આપ્યું પણ હવે આનો સાથ પણ હાનિકર્તા છે. આ ભવે અપયશ અને પરભવે દુર્ગતિ ! દુરંત સંસારમાં અનંત અટન કરતાં જીવને અનંત વાર અનંત પુત્રો થયા છે. આના ઉપર શા માટે આટલો વ્યામોહ રાખવો જોઈએ?' ઇત્યાદિ વિચારી તેણે પુત્રને કાઢી મૂક્યો. ક્રમે કરી મૃત્યુ પામી તે પાડો થયો અને પિતા સ્વર્ગ પામ્યા.
દેવ થયેલા પિતાએ પોતાના પુત્રને પાડો થયેલો અવધિજ્ઞાનથી નિહાળ્યો. પોતે સાર્થવાહનું રૂપ લઈ પાણી વહન કરવા માટે તે પાડાને ખરીદ્યો. પાણીથી મોટી મોટી પખાલ ભરી ઊંચી-નીચી જમીન ઉપર તેને હાંકવા ને ઉપરથી કોરડાનો માર મારવા લાગ્યો. આથી ત્રાસી ગયેલો પાડો જોર જોરથી બરાડવા લાગ્યો. ત્યારે સાર્થવાહે કહ્યું: “અરે બરાડે છે શાનો? પૂર્વભવના કરેલા કર્મનું આ ફળ છે.” એમ કહી દેવ “હું આ કરી શકું તેમ નથી તે કરી શકું તેમ નથી. મારાથી આ નથી થતું, તે નથી થઈ શકતું” વગેરે વગેરે પૂર્વભવના શબ્દો સંભળાવવા લાગ્યો. આ શબ્દોથી પાડાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તે બધું યાદ આવતાં આંખમાંથી આંસુ પાડતો તે વિચારવા લાગ્યો “અરેરે ! પૂર્વભવમાં પિતાના કહ્યા પ્રમાણે ચારિત્ર ન પાળવાથી હું પાડો થયો.” ઉપયોગથી જાણી દેવ બોલ્યા: “હું જ તારો પૂર્વભવનો પિતા છું. તને પૂર્વભવ સ્મરણમાં આવે ને હજી પણ કોઈ