________________
૨૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
ભેરીનું દષ્ટાંત શ્રીકૃષ્ણ મહારાજા પાસે દેવોએ દીધેલી ગોશીષચંદનથી બનાવેલી ત્રણ ભેરીઓ હતી. (૧) સાંઝામિકી, (૨) ઔદ્ભુતિકી અને (૩) કૌમુદિકી. પ્રથમ ભેરીનો ઉપયોગ યુદ્ધાદિ કારણે સામંતોને સૂચના આપવા વગાડી કરાતો. બીજી ભેરી કોઈ આકસ્મિક કારણ ઊભું થતાં સામંતમંત્રી આદિને જાણ કરવા વગાડાતી, ત્યારે ત્રીજી ભેરી કૌમુદી આદિ ઉત્સવ નિમિત્તે આમોદપ્રમોદ સૂચવવા વગાડવામાં આવતી. આથી અતિરિક્ત એક ચોથી ભેરી પણ હતી. તે દેખાવે પેલી ત્રણ ભેરી જેવી જ હતી. તે છ છ મહિનાના અંતરે વગાડવામાં આવતી. આનો ધ્વનિ જે જે સાંભળતા તેમના આગલા-પાછલા છ છ મહિનાનો ઉપદ્રવ શાંત થતો. આ ચોથી ભેરી પ્રસ્તુત પ્રસંગાનુરૂપ હોઈ તેનો ઇતિહાસ જણાવવામાં આવે છે.
એક વાર દેવોથી ભરાયેલી સુધર્મ સભામાં સૌધર્મેન્દ્ર કહ્યું, “શ્રીકૃષ્ણ મહારાજા એવા ગુણાનુરાગી મહાનુભાવ છે કે લાખો દોષમાંથી પણ ગુણને જ ગ્રહણ કરશે. તે ઉચ્ચ કોટિના માણસ હોઈ આચાર-વ્યવહાર તો ઊંચા રાખે છે જ કિંતુ યુદ્ધ પણ નીચ કોટિનું ટાળે છે. અર્થાતુ. યુદ્ધ માટેનું પણ તેમનું ઊંચું ધોરણ છે.” આ સાંભળી એક દેવને વધારે પડતું લાગ્યું. તેણે વિચાર્યું; “એક માણસ આટલી સ્થિતિએ ન પહોંચી શકે. પરદોષ ગ્રહણ કર્યા વિના માણસ રહી જ કેવી રીતે શકે?” ઈન્દ્રના શબ્દોની ચકાસણી માટે દેવ દ્વારકામાં આવ્યો. શ્રીકૃષ્ણ મોટી સવારી સાથે રાજમાર્ગથી જતા હતા. તેમના માર્ગમાં કાળું-બીભત્સ-દુર્ગધના ભંડાર જેવું કરેલું કૂતરું વિકુર્તીને મૂકી દીધું. મોતીની માળા જેવી દંતપંક્તિવાળા તે કૂતરાની દુર્ગધ અસહ્ય હતી.
પરમાત્મા નેમિનાથજીને વાંદવા જતા કૃષ્ણ પરિવારથી પરવરેલા હતા. આગળ પાછળ મહાન સૈન્ય હતું. તે મરેલા કૂતરાની દુર્ગધ એટલી તીવ્ર અને અસહ્ય હતી કે મોટા સામંતો અને સૈનિકો માર્ગ છોડી આડા ઊતરી ગયા. શ્રીકૃષ્ણ કારણ પૂછતાં કૂતરાનું કલેવર બતાવવામાં આવ્યું. તે જોઈ શ્રીકૃષ્ણે કહ્યું: પુદ્ગલોના વિભિન્ન સ્વભાવ હોય છે, તેમાં હર્ષ-શોક શું? પણ અરે ! અરે ! જુઓ તો ખરા ! આ કૂતરાના દાંત કેવા ઉજ્જવળ છે? કાળું શરીર ને સફેદ દાંત ! જાણે મરકત મણિના પાત્રમાં ગોઠવેલી મુક્તાની માળા ! આ સાંભળી દેવે વિચાર્યું “સાચે જ મહારાજા, ગુણાનુરાગી છે, સેંકડો દોષ મૂકી ગુણના જ ગ્રાહક છે.” પછી ગુણની પરીક્ષા માટે દેવે વાસુદેવ શ્રીકૃષ્ણના ઘોડાને ઉઠાવ્યો છે. ઉપર બેસી નાઠો. સૈન્ય સાથે વાસુદેવ પછવાડે પડ્યા ને દેવને પૂછ્યું: “તું કોણ છે ને શા માટે મારો ઘોડો લઈ જાય છે?” તેણે કહ્યું : “શક્તિ હોય તો યુદ્ધમાં મને જીતો ને તમારો ઘોડો પાછો લઈ લો.' શ્રીકૃષ્ણ કહ્યું : “અવશ્ય ! એવી ઈચ્છા હોય તો તે પૂરી કરો, હું રથમાં છું માટે તમે પણ પેલા રથ પર ચડો, આપણે ફેંસલો કરી લઈએ.” દેવે કહ્યું “મારે રથ નથી જોઈતો.” શ્રીકૃષ્ણે કહ્યું: “તો હાથી કે ઘોડો જે ફાવે તે લો, હું પણ તે પ્રમાણે હાથી કે ઘોડા ઉપર બેસી યુદ્ધ કરી શકું. કેમ કે યુદ્ધમાં સમાનપણું સચવાવું જોઈએ.” દેવે ના પાડી. શ્રીકૃષ્ણ બાહુયુદ્ધ માટે આમંત્રણ આપતા ધરતી પર આવી ઊભા. દેવે તેની પણ ના પાડી. શ્રીકૃષ્ણ પૂછ્યું “તો પછી તમે કેવા પ્રકારનું યુદ્ધ ચાહો છો ?” દેવે કહ્યું “હું તો ભાંડભવાયાના હલકા યુદ્ધથી ટેવાયેલો છે.”