________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૧૭
કારણ હશે ?' ભગવંતે કહ્યું ‘રાજા ! તે વિદ્યાધર વિદ્યાનો એક અક્ષર ભૂલી જવાથી સ્ખલન પામતો ને પડતો હતો.' આ સાંભળી આશ્ચર્ય પામેલા રાજા તેમજ અભય આદિ પ્રભુને વાંદી નગરમાં પાછા ફરતા હતા ત્યાં પાછો વિદ્યાધરને એ જ જગ્યાએ વિમાસણમાં સપડાયેલો જોઈ અભયકુમારે કહ્યું ‘વિદ્યાધર ! તમારી વિદ્યાઓ તમે મને સિદ્ધ કરાવો તો તમારી વિસ્તૃત થયેલી વિદ્યાનો અક્ષર તમને જણાવું. વિદ્યાધરે સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિના નિધાન જેવા હતા. પદાનુસારી બુદ્ધિના પ્રભાવે એક પદ પછી બીજું પદ શું હોઈ શકે તેઓ તર્કથી બતાવી કહી શકતા. તેમણે તરત અક્ષર-પદો બતાવ્યાં ને તે સાચાં હોઈ તરત વિદ્યાધર ઇચ્છિત ગમન કરી શક્યો ને ઘણા રાજી થઈ અભયકુમાર સાથે મૈત્રી બાંધી અને વિદ્યાસિદ્ધિના ઉપાય-આમ્નાય બતાવી પોતાને સ્થાને ગયો. આના ઉપરથી સારી રીતે સમજી શકાય છે કે એક અક્ષરની ન્યૂનતાથી પણ યથાર્થ મળતું નથી. તેમજ અશુદ્ધ ઉચ્ચારણ કરવાથી ચ નો સ કે સ નો શ બોલવાથી પણ કૌશલ્ય કે પાંડિત્ય પ્રાપ્ત થતું નથી. તે ઉપર એક બ્રાહ્મણનું ઉદાહરણ છે.
કાશીનો કોઈ વિદ્વાન બ્રાહ્મણ ફરતો ફરતો કોઈ એક નાના ગામમાં આવ્યો. તે ગામમાં વસતા કોઈ બ્રાહ્મણના પાંડિત્યની પ્રશંસા તેણે લોકોના મોઢે સાંભળી. વિદ્વાનને મળવું અને તેમના અનુભવો જાણવા જોઈએ એમ સમજી તે બ્રાહ્મણના ઘરે ગયો. આ ગામડાનો બ્રાહ્મણ ખરેખર તો આડંબરી અને પાંડિત્યનું પ્રદર્શન કરનારો હતો.
પોતાને ત્યાં નવા વિદ્વાનને આવતો જોઈ તેણે મોટેથી કહ્યું : ‘હે બ્રાહ્મણ ! શા કારણે આ તરફ આવવું થયું ? તમને કોઈ સંદેહ હોય તો પૂછો' પેલા પંડિતે વિચાર્યું કે આને તો શ કે સ ના ઉચ્ચારનો પણ બોધ નથી. સંદેહ ને બદલે શંદેહ બોલતો આ કુત્સિત પંડિત શબ્દોચ્ચારની શુદ્ધિ વિના જ દેડકાની જેમ માત્ર બરાડે જ છે. પછી તેને હિતબોધ આપવાની ઇચ્છાથી તેણે કહ્યું - શન્દેહોઽસ્તિ ! ત્વયા પ્રોવત:, સન્તેહા વવોઽમવન્ ।
ते सर्वे विलयं जग्मुः, किमन्यद् वच्मि ते जड ॥१॥
અર્થ :- તેં પૂછ્યું શંદેહ છે ? મને તો ઘણા સંદેહ (સંશય) હતા. પણ સંદેહ શબ્દ સાંભળતાં મારા બધાય સંદેહો નાશ પામ્યા, હે જડ ! બીજું શું કહું ?
આનો આશય એ છે કે કંઠ્ય, ઓક્ક્સ કે તાલવ્ય આદિ તે તે વર્ગના તે તે વર્ણના સ્થાન પ્રમાણે વ્યંજનાદિનો ઉચ્ચાર કરવો જોઈએ. વર્ણને ન્યૂનાધિક કરી સૂત્રનો પાઠ કરવામાં આવે તો નિશ્ચય અર્થ-ક્રિયાનો ભેદ થાય છે. માટે સર્વ પ્રકારે હિતાવહ તો એ છે કે ગુરુમહારાજની સેવામાં તત્પર રહી વિનયપૂર્વક તેમની પાસેથી સિદ્ધાંતનો પાઠ શુદ્ધ ઉચ્ચારથી ગ્રહણ કરવો.